ગુજરાતી ગઝલસંપદા/ સુરેન ઠાકર ‘મેહુલ’

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સુરેન ઠાકર ‘મેહુલ’

આંગણું પરસાળ ને ઉંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાના ઘર હતાં.

ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.

એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જો કે મૂળ તો ઈશ્વર હતાં.

ગામને પાદર ભરેલી ભવ્યતા,
ગામ વચ્ચે કેટલાં પાદર હતાં.

એને આથમણી હવા ભરખી ગઈ,
આયનામાં સંસ્કૃતિના સ્તર હતાં.

એ પછીથી મોરનાં પીછાં થયાં.
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.