ગુજરાતી ગઝલસંપદા/ હર્ષ બ્રહ્મભટ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હર્ષ બ્રહ્મભટ્ટ
1

આંખોનાં પાણી ખૂટ્યાં છે,
તોપણ ક્યાં ખેંચાણ છૂટ્યાં છે?

મૌન રહ્યા તે છતાં આંખમાં,
વાતોના ફણગા ફૂટ્યા છે.

કોઈ ગાંઠની જેમ જ દિવસો
બંધાઈ મનમાં છૂટ્યા છે.

ખરતા તારાની શું કિંમત,
સપના પણ આમ જ તૂટ્યાં છે.

હશે ખજાના ભીતર કેવા,
ગજા મુજબ સૌએ લૂંટ્યા છે.

2

એ જ બસ વર્ષો જૂના દિલના અભરખા નીકળે,
રણ પછી જંગલ પછી તો કૈંક દરિયા નીકળે.

કોઈ નાના સ્ટેશનેથી ટ્રેન ધસમસતી જતી,
રાત આખી એટલું છેટેથી સપનાં નીકળે.

દોસ્તો, આ શ્વાસના નામે ઉચાળા ઓડના,
પોટલું છોડો તો બસ બે-ચાર વગડા નીકળે.

દૂર આકાશે અડોઅડ બારણું એનું પડે,
આપણાં સગપણ હવે કોઈ એવા ઘરનાં નીકળે.

એ ક્ષણ લાગે શ્હેર આખ્ખું ભુલકણું થઈ ગયું,
જે ક્ષણે આ શ્હેરના સંબંધ ખપના નીકળે.

બેઉ બાજુ હરપળે અડકે છે લોલકની અણી,
રાતના ઘડિયાળના આ શ્વાસ પડખા નીકળે.

કોઈ નહીં આવે હું માની આંખ મીંચી દઉં અને,
પોપચે કોઈનાં ભીનાં ભીનાં પગલાં નીકળે.