ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પુરુરાજ જોશી/છત્રી
પુરુરાજ જોશી
ઉતાવળે વાળુ પતાવ્યા પછી ચલમમાં નવી તમાકુ ને દેતવા ભરીને ભાથી બહાર આવ્યો. રાત ઉકળાટભરી હતી અને ચૂલા આગળ બેસી રહેવાને કારણે એનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું, પણ ફળિયામાંય પવન ક્યાં હતો? આંગણામાંના લીમડાનું એકે પાન હાલતું જણાતું નહોતું. વરસાદ ખેંચાતો જતો હતો. અષાઢ બેસતાં બેચાર ઝાપટાં વરસાવીને વાદળાં કોણ જાણે કયા મલકમાં ઊતરી પડ્યાં હતાં. ગોકળઆઠમ જેવો તહેવાર આવી રહ્યો હતો, પણ ઘર, ખેતર કે ગામ આખામાં કશો ઉજાસ જ ક્યાં દેખાતો હતો? આ વરસ પણ મોળું જ જવાનું કે શું?
ભાથીએ આકાશમાં નજર નાખી. વાદળ વિનાના આકાશમાં તારાઓ નીકળ્યા હતા. વદ પાંચમનો ચાંદો ઊગવાને હજી ઘણી વાર હતી પછી પાછું વળીને એણે પોતાના ઘરમાં નજર કરી. બૈરાં વિનાનું ઘર… ચેલૈયા કુંવર જેવા છોકરાની કિલકારીઓય ક્યાં બચી હતી? ભાથીનું મન ભારઝલું થઈ ગયું. ઘડી વાર તો હુક્કાની ગુડગુડાટી પણ અટકી ગઈ. કાશી વિનાનું ગયું ચોમાસુંય ભારે કાઠું લાગેલું ભાથીને. એકલે હાથે ઘર ને ખેતર સંભાળતાં એ તનથી ને મનથી થાકીને ઠૂસ થઈ ગયો હતો. કાશીના ગયા પછી ભેંસો ભાગે બંધાવી દીધી હતી અને ખેતીમાં મદદ કરવા હમણાં એક ચાકર પણ રાખ્યો હતો, છતાં આખો દહાડો કામનો પાર જ આવતો નહોતો. એક હળવો નિસાસો નાખીને ભાથી મન સાથે બબડ્યો, ‘બૈરાં વનાની જંદગીમાં કશો ભલીવાર નંઈ, મારા ભઈ!’
ફળિયામાંના ઊખડી ગયેલા લીંપણ તરફ નજર જતાં વળી પાછી એને ઓકળીઓ પાડતી કાશી સાંભરી આવી. કાશી હતી તો ઘર ને ફળિયું, અરે ભાથીનું મન પણ કેવું ભર્યું ભર્યું લાગતું ને આજે? એટલામાં દૂરથી ‘ભાથીઓ…?’નો સાદ સંભળાયો. ભાથીએ જોયું તો તરશી એના ઘર તરફ આવી રહ્યો હતો. ભજનમંડળીનું વાયક આલવા તો નહિ આવતો હોય? વિચારતાં ભાથીએ જોયું કે તરશીની કેડે એના પડછાયા જેવો તિકમોય હતો.
‘આવો, આવો,’ કહેતાં ભાથી ઊભો થઈ ગયો ને સાવ નજીક આવી પહોંચેલા તરશીના હાથમાં હુક્કો પકડાવીને એ ઘરમાં ગયો. ઘરમાંથી ખાટલો ઊંચકી લાવી ફળિયામાં ઢાળી દીધો. બન્ને જણ પગ પર પગ ચઢાવીને નિરાંતે ખાટલામાં બેઠા એટલે ભાથીને થયું, માન ન માન, પણ બેઉ જણ કશીક સંતલસ કરીને આવ્યા છે. ‘રકાબી ચ્હા મેલું’ બબડીને એ ફરી ઘરમાં જતો હતો, પણ ‘ચા-બાની કડાકૂટ મેલીનં ઘડીક બેસ’ કહીને તરશીને એને વાર્યો, તો વળી તિકમ તો એની ટેવ પ્રમાણે બોલી ઊઠ્યો, ‘ચ્હા તો બસ કાશીભાભીની! તારા હાથની ચ્હામાં તે કશો ભલી વાર આવ્વાનો?’
ભાથી આવીને ચૂપચાપ બેઠો એટલે તરશીએ હુક્કાના બે દમ લઈને તિકમ સામે ધરતાં ભાથીને પૂછ્યું, ‘કોંય ખાધુંપીધું ક પસી રૉમ રૉમ?’
ભાથીએ કહ્યું, ‘રૉમ રૉમથી કોંય ઓસું પેટ ભરાય?’ રોટલો ખઈનં અમણાં જ બા’ર આયો.’
‘ભઈ તારા જેવા ભગત મોણહનું ભલું પૂસવું.’ કહીને પછી થોડી વાર કોરાકટ વીતી રહેલા ચોમાસાની, માથું ફાટી જાય એવા તાપની એમ આડીતેડી વાતો કર્યા પછી તરશી એકદમ મુદ્દાની વાત પર આવી ગયો. લાગણીભર્યા અવાજે એણે સવાલ કર્યોઃ ‘આ રોજ ઊઠીનં હાથ બારવામોં આવાયાને શો હવાદ આવતો હશે?’
ટૅસથી હુક્કો પી રહેલો તિકમ થોડું અટકીને બોલ્યો, ‘એ તો ભઈ, જેની રોટલા ટીપી આપનારી અડધે રસ્તે અથડાતો મેલીનં જતી રઈ વોય એનં ખબેર પડ!’
‘પણ ભલા’દમી એ વાતનં તો ચેટલો વખત થયો? થવાકાર તે થઈ જ્યું. કુદરેતની આગર્ય કોંય આપડું ડા’પણ સાલતું હોય? પણ આ ભાથી જેવો ભડ મોંણહ ઓમ બૈરાંની ઘોડે રંડાપો ઓઢીનં બેહી રે’ એનો અરથ શો?’ તરશીએ અકળામણભર્યા અવાજે પ્રશ્ન કર્યો. થોડી વાર કોઈ કશું બોલ્યું નહિ. ભાથી તો લીમડાની ઘટામાંથી ઊડી જઈ રહેલા કોઈ પંખીના આછા અણસાર તરફ તાકી રહ્યો હતો. છેવટે તિકમ જ બોલ્યોઃ
‘ભઈ, એના જોગું કોંક મલવુંય જોયેનં? આપડી ઉતાવરે ઓસા આંબા પાક?’
‘અરે, હોધવા નેહરિયેનં ના મલ એ વાતમાં માલ નથી, તિકમા! આ પેલા મોંનાડોહાની જ વાત કર્યનં! હાઇઠ વરહે તીજી વાર ઊઘલ્યો ક નંઈ? લ્યા એના જેવા ટરચાનં મલી ર’યું નં આપડા આવાયાનં ન મલ? પણ મૂળ વાત સ મૉણહનું મન. મન જોયેં. મન વના તો કોય મારવ લગણ પોંચ્યું જાણ્યું નથી.’
ભાથીને ખબર હતી કે વાત એના વિશે જ થઈ રહી છે. બેઉ ભાઈબંધો ઇચ્છી રહ્યા છે કે આ બાબતમાં એ કંઈક ખૂંખારીને કહે, પણ ભાથીને સમજાતું નથી કે પોતે શું કહે? તરશી ને તિકમ એના બાળપણના દોસ્તારો છે. એમની વાતમાં કશો સ્વાર્થ ન જ હોય. દોઢ વર્ષ પહેલાં કાશી અચાનક ગુજરી ગઈ એ દિવસોમાં ભીતરથી ભાંગી ગયેલા ભાથીને તરશી-તિકમની હૂંફે જ ટકાવી રાખેલો. સગા ભાઈઓ કરતાંય વધારે લાગણી એમણે જ દાખવેલી. ઘરભંગ થયેલા ભાથીને ફરી બૈરું કરવા માટે આ પહેલાં પણ ઓછો નહોતો સમજાવ્યો આ લોકોએ. વચ્ચે ગામ-પરગામના ભાંજગડિયાઓ પણ કોઈ રંડવાળ તો કોઈ છેડાછૂટકા થયેલીની વાતો લઈને આવી ગયેલા, પણ ભાથીએ બધાને એક જ વાત કહી હતી — ‘અમણાં તો આ બાબતમાં મારું મન માનતું નથી.’
એ પછી તો કાશીને ગુજરી ગયે ખાસ્સો વખત વહી ગયો હતો. ભાથી પછીથી ઘરભંગ થયેલા માનાડોસા જેવા ઘણા તો બૈરું કરી આવીને કજિયાકંકાસમાંય પડી ગયા હતા, પણ ભાથીને મનમાં બૈરું લઈ આવવાનો ઉમળકો જાગતો નહોતો. ચાળીસ-પિસ્તાળીસમાં ફરતો ભાથી એ પણ જાણતો હતો કે ફરી પરણવાનું મન ન થાય એવો ઘરડો નહોતો થઈ ગયો પોતે. પણ… કાશી સાથે ઘર માંડ્યા પછી પાંચેક વર્ષે જન્મેલો છોકરો બાપને ટેકો કરવા જેવડો થાય એ પહેલાં જ એક દિવસ મહીસાગરના વહેણમાં તણાઈ ગયો હતો અને એ પછીનાં પાંચસાત વર્ષે, ગયા ચૈતરમાં કાશીએ પણ કશા લાંબા મંદવાડ વિના અખંડ હેવાતણ સાથે આંખ મીંચી દીધી હતી. જીવતરની આ અણધારી ઘટનાઓએ એને ભીતરથી વલોવી નાખ્યો હતો. દિવસે દિવસે એ અતડો ને એકલસૂરો બની ગયો હતો. પણ એથી કંઈ એને સંસારસુખથી ધરવ થઈ ગયો હતો કે વૈરાગ આવી ગયો હતો એવુંય નહોતું. હા, અવારનવાર એ ભજનમંડળીમાં જઈ બેસતો ને ક્યારેક ઊલટથી વૈરાગની વાણી ગાતોય ખરો. પણ ‘મેરું રે ડગે પણ જેનાં મન ના ડગે રે પાનબાઈ, ભલે ભાંગી પડે ભરમાંડ જી!’ ગાનારો ભાથી પોતાના મનને બરાબર ઓળખતો હતો.
પાવાગઢની ટૂક જેવું લાગતું એનું મન કોઈક વાર મહીસાગરના કાંઠાની ભીની રેત જેવું સહેજ અડતાંમાં ચૂર ચૂર થઈ જાય એવુંય બની જતું અનુભવ્યું છે એણે. અરે એ મનનો ભમાવ્યો પોતે તે દિવસે મહાપૂનમના મેળામાં આંખના ઉલાળાથી પ્રેમનો અણસાર આપીને ભીડમાં અદૃશ્ય થઈ ગયેલી એક અજાણી છોકરીને ખોળવા ગાંડાની જેમ કેટલું ભટક્યો હતો…! કદાચ એની મોકળાશમાં કાશીના મોંની કોઈક રેખા હતી તેથી કે બીજા કોઈ કારણે પણ ભાથીને મનમાં એ છોકરી વસી ગયેલી, પણ પછી તો ઘેર આવીને ઘર-ખેતરની આળપંપાળમાં પડી જતાં બધું ભુલાઈ ગયેલું, પહેલા પહોરના સ્વપ્નની જેમ.
હા, ક્યારેક એકલા એકલા કામ કૂટે જવાનો કંટાળો ઘેરી વળતો તો ક્યારેક ચૂલામાં આવી ગયેલાં લીલાં ઈંધણાંની જેમ મન ધૂંધવાઈ ઊઠતું. ક્યારેક તો લોટના લૂઆનો ચૂલામાં ઘા કરીને ઊભા થઈ જવાનું, ને પછી ખાટલીમાં સૂનમૂન પડ્યા રહેવાનુંય મન થઈ આવતું, પણ પછી તરત એની નજર આગળ કાશીનું ઠપકાભર્યું મોં તરવરી રહેતું. કેટલી સહેલાઈથી, કેટલાં બધાં વર્ષો લગી એ બાઈએ હસતે મોઢે ઘર, ખેતર ને ઢોરઢાંખરનું વૈતરું કર્યા કર્યું હતું… કાશીના ગયા પછી બધું કામ એના માથે પડ્યું હતું. ખેતરમાં તો ચાકરનો ઢેકો મળી રહેતો, પણ ઘરની કડાકૂટમાં તો એકલો જ મથ્યા કરતો.
શરૂ શરૂમાં તો ઘણા દિવસ સુધી તરશી અને તિકમની વહુઆરુઓ રોટલા આપી જતી, પણ પછી એક દિવસ ભાથીએ જ હાથ જોડીને કહી દીધું હતું, ‘હવે બસ કરો, ભાભી! આ તો રોજનું લાજ્યું. મનં મારો રોટલો ઘડી લેવામાં કશી અજા આવવાની નથી.’ ને ભાથીએ ચૂલો સંભાળી લીધો હતો. પરંતુ આટલા લાંબા ગાળાના અનુભવ પછી પણ ભાથીને લાગતું હતું કે એના ઘડેલા રોટલામાં કાશીના હાથની મીઠાશ નથી આવતી તે નથી જ આવતી. રામ જાણે આ બૈરાંવના હાથમાં ભગવાને એવો તે શો જાદુ ભરી દીધો હશે?
‘એકલા હાથમાં જ ચ્યમ? બૈરાંની તો આખી દેઈમોં જાદુ જ જાદુ ભરેલો સેનં!’
કોણ બોલ્યું એ? — ચોંકીને ભાથીએ સાે બેઠેલા બેઉ ભાઈબંધો તરફ જોયું. પણ એને સમજતાં વાર ન લાગી કે આ અવાજ તો એના પોતાના જ મનાંથી ઊઠ્યો હતો. તરશી તે તિકમ ક્યારના બોલતા હતા એ તો એને સંભળાતું જ ક્યાં હતું? તરશી તો તેથી જ અકળાઈને ઊભો થઈ જઈ તિકમને કહી રહ્યો હતો, ‘લે થા ઊભો તિકમા, આપણે નમારમૂંડા તે ઓંઈ આઈનં લવારો કર્યે જઈએ, પણ આવોયા, મારો હારો, મેંઢો ચ્યારનો બેઠો બેઠો બધું હોંભરે સે, પણ મોંનો કશો મોખ દે’સે? ઓમ ન ઓમ હવાર હુધી બેહી રઈશું તય કશા કૌદા કાઢવાના નથી. હેંડ થઈ જા ઊભો. એ તો દીઠી દેવ ને પોંચી જાતરા…!
ભાથી પણ એકદમ ઊભો થઈ ગયો અને ‘અરે એમ કોંય ઊભા થઈ જવાતું હશે, તરશી?’ કહીને એણે ઊભા થઈ ગયેલા તરશીને બાવડું ઝાલીને ખાટલા પર બેસાડી દીધો.
‘પણ બેહીનં કરું હું?’ કહેતો તરશી બેઠો. પછી જરા ટાઢો પડીને ખભે હાથ મૂકી, લાગણીભર્યા અવાજે કહેવા લાગ્યો, ‘ભાથી, હાચું કઉં તો વરહ દોઢ વરહથી તનં એકલો ગડમથલ કરતો જોઈનં મારો તો જીવ બરીને ખાખ થઈ જાય સે. શા હાતર તું આટલું બધું વેઠતો હઈશ? લ્યા આપડી નાતમાં કોઈ બૈરાંનો દુકાળ પડ્યો સે? મેં નં તિકમાએ આજ નક્કી કરી દીધું સ ક થોડા દા’ડામાં જ તારું ગમ ત્યાં ગોંઠવી આલવું —’
‘પણ—’
‘પણફણ કર્યા વના હૉભર તો ખરો, કાશીની ખોટ પૂરી હક એવી એક વાત આઈ સે મારી પૉહે, હા-ના કરવા ર’યો તો પેટ ભરીનં પછતઈશ. તિકમા, હાચું ક નંઈ?’
તિકમે તરત તરશીની વાતમાં ટાપશી પૂરી. એટલું જ નહિ, ઉમેર્યું, ‘તું તાર ભાથી હવારમાં તિયાર થઈ રે’જે. આઠની મોટરમાં આપડે તૈણેય પાદરા જવાનું સે.’
ભાથીને લાગ્યું કે એના ઘરમાં નવુંનકોર પટોળું પહેરેલી એક બાઈ હરફર કરી રહી છે અને એની પાસે જવામાં સંકોચ દાખવી રહેલા એને બેઉ ભાઈબંધો ઘરમાં ધકેલી રહ્યા છે…
એણે ગૂંગળામણ અનુભવતાં કહ્યુંઃ ‘એટલી બધી ઉતાવર?…’
‘ઉતાવર તો કરવી જ પડ. હારા કૉમમાં હો વઘન ઊભાં થાય. આ તો વિવા-વાજનનું કૉમ.’ કહીને તરશીએ માંડીને વાત કરી. છેડાછૂટા થયેલી નછોરવી બાઈ છે. રૂપાળી છે, જવાન છે. ધણી પાણી વગરનો નીકળ્યો એટલે એને પડતો મૂકીને પિયર ભાગી આવેલી. સામેવાળા હારીથાકીને હમણાં ફારગતી કરી ગયા. બાઈમાં કાંઈ કે’વાપણું નથી એટલે બીજો કોઈક પહોંચી જાય એ પહેલાં આપણે પહોંચી જવું પડે.
આખરે ‘ઠીક તંઈ, તમે ઠરાવો એ હાચું.’ કહીને ભાથીએ સંમતિ આપી તે પછી જ તરશી ને તિકમ ઊભા થયા. તોય જતાં જતાં તિકમ તો કહેતો ગયો, ‘જોજે પાસો હવારમાં કશું ફેલું ના કાઢતો.’
એમના ગયા પછી ખાટલા પર ગોદડી નાખી ભાથી આડો તો પડ્યો, પણ એને લાગ્યું કે એની આંખોમાંથી કોઈએ ઊંઘ સેરવી લીધી હતી. ઘડીકમાં એ કાશી સાથે ભોગવેલા સંસારનાં સ્મરણોમાં ડૂબી જતો હતો તો ઘડીકમાં એ સવારે જેને જોવા જવા તૈયાર થયો છે એ અજાણી બાઈ સાથે એકડેએકથી શરૂ થનાર સંસારની કલ્પનામાં તરતો જતો હતો અને એ બંનેની વચ્ચે પડ્યો હતો પત્ની વિના ગુજારેલા સમયનો ખારોપાટ. એને થતું હતું આટલાં બધાં વર્ષો કાશી સાથે જીવ્યા પછી હવે એક સાવ અજાણી સ્ત્રી સાથે પોતે કેમનું પનારું પાડશે? માનાડોસીની જેમ એના ભવાડા તો નહિ થાય ને? એવા રોજના કઢાપામાં પડવા કરતાં તો પોતે પોતાનો રોટલો ટીપી લે છે એ શું ખોટું? ભાઈબંધોની લાગણીને વશ થઈ, બૈરું જોવા જવાની હા પાડીને પોતે ભૂલ તો નહોતી કરી?
ધીમે ધીમે ચંદ્ર પર વાદળ ઘેરાઈ આવ્યાં. તારાઓ ટપોટપ ભૂંસાતા ચાલ્યા અને અચાનક છૂટેલા ઠંડા પવનમાં વરસાદનો અણસાર પામીને ભાથી મનોમન રાજી થઈ ગયો. એને થયું, હવાર હુધીમાં ઝાપટું પડ્યું જાણોનં! બે-સાર દા’ડા મન મેલીનં પડ તો હૂકોંભંઠ પડેલાં સેતરોં મોં કોંક જીવ આવ.’ વિચારતાં વિચારતાં આછા અંધારામાં શાંત બેસી રહેલા બળદ તરફ એણે વહાલભરી નજર કરી લીધી. પછી ધીમે ધીમે એને ઊંઘ આવી ગઈ.
ઊંઘના વહેણમાં સ્વપ્નાં પણ ડબકડોયાં કરતાં રહ્યાં.
એક સ્વપ્નામાં ભાથીએ અનુભવ્યું કે બહાર ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. બૈરું જોવા જવા તૈયાર થઈને આવેલા તરશી ને તિકમ પોતપોતાની છત્રીઓ ઓઢીને આંગણામાં ઊભા ઊભા એને સાદ દઈ રહ્યા છે ને પોતે પોતાની છત્રી ખોળવા માટે ઘરમાં ખાંખાંખોળા કરી રહ્યો છે.
બીજા એક સ્વપ્નમાં ભાથીએ જોયું કે એ બાવો બની ગયો છે. ઘૂઘરા વગાડતો ને ચીપિયો ખખડાવતો ‘આહલેક…!’ કરીને ઊભો રહી ગયો છે એક બારણે. ઘરમાંથી ભિજ્ઞાનો થાળ ભરીને એક રૂપરૂપના અંબાર જેવી બાઈ નીકળે છે. એને જોઈને ભાથીને થાય છે — ઓત્તારીની! આ તો પેલી મહાપૂનમના મેળામાં અલપઝલપ મળીને ખોવાઈ ગયેલી એ જ…
પરોઢિયે મોટાં ફોરે વરસાદ શરૂ થતાં એ સફાળો જાગી ગયો. ઝટઝટ ગોદડી ઉપાડીને ઘરમાં દોડી ગયો. પછી ખાટલોય ઊંચકીને પરસાળમાં લઈ લીધો. લાઇટ કરવાના ઇરાદે એણે સ્વિચ પાડી, પણ લાઇટ થઈ નહિ. મનોમન અકળાતો, ધૂંધવાતો એ ખાટલાની પાંગથ પર બેસી રહ્યો. બહાર પવનના સુસવાટા સાથે વરસાદનું જોર વધતું જતું હતું. શીળી વાછંટથી ભાથીનું ડિલ ભીંજાતું જતું હતું. ગરમીથી અકળાયેલા જીવને વરસાદની ઠંડક ગમી રહી હતી. એકાએક વીજળીનો એક ભારે કડાકો થયો. પલક વારમાં આખું જગત ઝળાંહળાં થઈને પાછું અંધારામાં ડૂબી ગયું. એ સાથે જ ભાથીને એની છત્રી સાંભરી આવી.
ઘણા સમયથી ઘરમાં છત્રી દેખાતી ન હતી. અષાઢ બેસતાં ઝાપટું પડેલું ત્યારેય એણે છત્રી માટે ઘરમાં ખોળાખોળ કરી હતી. ઘરમાં ખૂણાખાંચરા તો બહુ હતા નહિ, પણ ખીંટીઓ, વળગણી, ડામચિયો, છાજલીઓ — બધું જ જોઈ વળેલો. અંધારિયા માળિયામાં પડેલા ડબચરનેય આઘુંપાછું કરીને જોઈ લીધેલું. પણ છત્રીનો કશેથી પત્તો લાગ્યો નહોતો. તો છત્રી જાય ક્યાં? ધરતી ગળી ગઈ કે પછી પોતે ક્યાંય ખોઈ આવ્યો હશે? અંધારામાં આંખો પટપટાવતાં એણે ઘણું યાદ કર્યું, પણ છેલ્લે પોતે છત્રીનો ક્યારે ઉપયોગ કરેલો તે યાદ ન આવ્યું તે ન જ આવ્યું. કેટલાય વખતથી છત્રી ઉઘાડવાનો પ્રસંગ જ ક્યાં પડ્યો હતો? હવે પ્રસંગ ઊભો થયો છે ત્યારે તાકડે છત્રી ખોવાઈ ગઈ છે. છત્રી વગર મહેમાન-પરોણે જઈએ તો કેવા અણઘડ લાગીએ? પણ હવે કરવું શું? ઘણું વિચારવા છતાં ભાથીને આ મૂંઝવણનો કોઈ ઉકેલ હાથ ન લાગ્યો. એટલે છેવટે એણે મનને ઢીલું મેલી દીધું. મરશે, જે થાય તે જોયું જશે. સવારમાં નીકળતાં સુધીમાં વરસાદ અટકે તો ઠીક છે, નહિતર આણંદ ઊતરીને તરત નવી છત્રી વો’રતાં વાર કેટલી? થોડો વધારાનો ખર્ચ થશે એ જ ને? પણ છત્રી વિના તો કેવી રીતે ચાલે? ઉપયોગ કરીએ ના કરીએ એ અલગ વાત છે, પણ હાથમાં છત્રી તો જોઈએ જ. છત્રી તો આદમીની શોભા છે, મારા ભૈ!
પછી ત્રણ જણાની પાદરા લગીની ટિકિટ, ચા-નાસ્તો અને નવી છત્રીના ખર્ચનો વિચાર કરતો ભાથી ખાટલામાં જરા આડો પડ્યો. વાદળાં તરત ખાલી થઈ ગયાં હોય એમ વરસાદનો અવાજ પણ વધારે ને વધારે ધીમો થતો ચાલ્યો. ઘડીક વારમાં તો રહી રહીને ટપક્યે જતાં નેવાં સિવાય સઘળું શાંત થઈ ગયું. ભાથીને થયું, ‘આ તો મારું બેટું, ગરજ્યા મે’ વરસ્યા નંઈ જેવો ઘાટ થયો. આ વરહાદેય શા ચારા મોંડ્યા સે! ઓંમ નં ઓંમ અષાઢની ચેડે શાવણેય હેંડતો થયો. પસે ભાદરવાનો શો ભરુંહો?’ પોતાની જાત પર મનોમન હસીને વળી પાછો એ બબડ્યો, ‘ઉં ચેટલો ભોટ, તે પાસો નવી સત્રીના ઓરતા કરતો’તો. આ તે ડોબું ખોઈનં ફોર બનવાના ધંધા ક બીજું કોંય? આ સત્રી વના અરધું ચોમાહું નેહરી જ્યું તો બીજું અરધું નંઈ નેહરે? પાદરા નં ફાદરા, મેલ પૈડ બધી, માર તો હવ ચ્યોંય જવું નથી. ઉં તો માર આ… હૂતો.’
ને એટલું વિચારતાં તો મન ઉપરથી કશો ભારે બોજ ઊતરી ગયો હોય તેમ ભાથી વાછંટથી સહેજસાજ ભીંજાયેલા ખાટલામાં ગોદડી નાખ્યા વિના જ લાંબો થઈ ગયો ને થોડી વારમાં તો નસકોરાં બોલાવવા લાગ્યો. (‘૧૯૯૬ની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી)