ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/બરકતઅલી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સામાજિક નિસ્બત ધરાવતી
પરંપરાની વાર્તાઓ :
બરકતઅલી વિરાણી

મિતેષ પરમાર

GTVI Image 52 Barkatali Virani.png

સર્જક પરિચય :

ગુજરાતી સાહિત્યમાં ‘બેફામ’ ગઝલકાર, ગીતકાર તરીકે પ્રતિષ્ઠિત છે. પૂરું નામ બરકતઅલી ગુલામહુસેન વિરાણી. ધાંધળી ગામે (જિ. ભાવનગર) ૧૯૨૩ના નવેમ્બર મહિનાની ૧૫ તારીખે જન્મ થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં જ લીધું. ૧૯૪૨માં સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગ લેવા મેટ્રિકનો અભ્યાસ છોડી દીધો હતો. તેઓ પ્રકૃતિએ જ કવિ હતા, એમ કહી શકાય. જીવનના ચૌદમા વરસે પ્રથમ ગઝલ લખી હતી. કિસ્મત કુરેશી, મરીઝ અને શયદાએ તેમની ગઝલવૃત્તિને પોષી હતી. તેઓ ૧૯૪૫માં મુંબઈ આવીને સ્થાયી થાય છે. ત્યાં જ તેઓ ગુજરાતી ફિલ્મ સાથે સંકળાય છે ને ઉત્તમ ગીતો આપે છે. શયદાની પુત્રી રુકૈયા સાથે તેમનાં લગ્ન થયાં હતાં. ૭૦ વર્ષની પોતાની જિંદગીમાં તેમણે ગઝલો, વાર્તા, નવલકથા, નાટકો, ફિલ્મી ગીતો લખીને પોતાનું નામ અમર કરી દીધું. માનસર, ઘટક, પ્યાસ, પરબ તેમના ગઝલ સંગ્રહો છે. ‘આગ અને અજવાળાં’ તથા ‘જીવતા સૂર’ નામે ટૂંકી વાર્તાસંગ્રહ આપ્યા છે. રંગ-સુગંધના બે ભાગમાં નવલકથા આપી છે. અમર ગીતો અને ગઝલો લખનાર આ સર્જક ૨ જાન્યુઆરી, ૧૯૯૪માં મુંબઈમાં પોતાનો અંતિમ શ્વાસ લે છે. ગઝલકાર ‘બેફામ’ તરીકે પ્રસિદ્ધ આ સર્જકના એ વાર્તાસંગ્રહ ‘આગ અને અજવાળાં’નો પરિચય મેળવીએ.

વાર્તાકાર બરકત વિરાણી :

ગુજરાતી ટૂંકી વાર્તા સો વરસથી વધુનો સમય પસાર કરીને સમૃદ્ધ કળાવારસા સાથે આપણી સામે છે. ગુજરાતી વાર્તાનો સર્જનપ્રવાહ છેક એના ઉદ્‌ગમકાળથી (‘ગોવાલણી’ અને ‘મારી કમલા’) સતત સાતત્ય જાળવવાનો પ્રયત્ન કરતો રહ્યો છે, પણ આપણે જોતા આવ્યા છીએે કે, અનેક ધારાઓને પોતાનામાં સમાવતી, વહેણ વલણો બદલતી, નવાં સોપાન આંબતી ગુજરાતી ટૂંકી વાર્તા ક્યારેક અતિમાં ઢળી, ક્યારેક ભાવકથી વિમુખ થઈ બેઠી. વળી, સામાન્ય ભાવક પાસે આવી, આવા સમયગાળાઓમાં વાર્તા સ્વરૂપ માટે ચિંતા પેદા કરનારો લેખકોનો એક વર્ગ પણ આપોઆપ ઊભરી આવ્યો. પરંતુ પરંપરાની ગુજરાતી વાર્તા વાચક સાથે જે રીતે અવિનાભાવે જોડાયેલી હતી. જે વાચક માટે સુવાચ્ય વાર્તા હતી, તેવું રૂપ ગાંધીયુગના અંત પછી મળતું નથી. અનુઆધુનિક વાર્તાઓમાં સમાજ, ઉપેક્ષિત-વંચિત-શોષિત-નિમ્ન વર્ગની કરુણ-દારુણ સ્થિતિઓ, અધ્યયનથી નીચેના વર્ગની સમસ્યાઓ, શહેરનો મધ્યમથી નીચેનો વર્ગ અને એનાથીય નીચેનો વર્ગ વાર્તામાં આવે છે. બરકત વિરાણી પરંપરાવાદી વાર્તાકાર છે. બરકત વિરાણીની સર્વગ્રાહી ઓળખ તો ગઝલકારની છે, ગીતકારની છે. ‘બેફામ’ ઉપનામથી તેઓ જાણીતા છે. કવિઓ, લેખકો તો લાગણીશીલ હોય છે, એમ ‘બેફામ’ પણ શરૂઆતમાં લાગણીવશ થઈ ગાવાને ચિત્રકારીની કળાથી શરૂઆત કરે છે. મેટ્રિક સુધી આવીને અડધું મેટ્રિક થયું ત્યારની વાત લેખકે નોંધી છે કે ‘એ જ અરસામાં એક ત્રીજી કળાએ દર્શન દઈને મદદ કરી કુદરતે જન્માવેલાં અને દુનિયાએ જોડેલાં દિલમાં દર્દો પોતે જ શબ્દોરૂપે બહાર નીકળી આશ્વાસન અને આનંદ આપી શકે એવો મોકળો માર્ગ, એ કળાનાં દર્શનથી દેખાઈ ગયો. મેં કવિતા અને વાર્તાને બહાને દિલની વાતો કાગળ પર ઉતારવા માંડી; એવામાં એક હસ્તલિખિત વાર્ષિક માટે મારા મિત્ર રામકારે આવીને કહ્યું : તમે ચિત્ર ચીતરવા સાથે કવિતા ને વાર્તા પણ લખો – લખી શકશો’ (બરકત વિરાણી, ‘પ્રકાશની પગદંડી’ રૂપે નિવેદન, ‘આગ અને અજવાળાં’, પ્ર. આ. ૧૯૫૬, પૃ. ૯, ૧૮) ત્યાર બાદ ઓઈલ મિલમાં નોકરી, જીવનમાં પ્રસંગો, ઘટનાઓ બનતા રહ્યાં, પાત્રો વ્યક્તિઓનો નિકટનો પરિચય આપે છે. પછી દૃષ્ટિકોણ અને પરિસ્થિતિઓમાંથી જે વાર્તાઓ સર્જાઈ, એ આ વાર્તાસંગ્રહ ‘આગ અને અજવાળાં’, ‘બેફામ’નું આ પ્રથમ પુસ્તક ૧૯૫૬માં પ્રગટ થયું. અહીં ૧૫ વાર્તાઓ સમાવિષ્ટ છે. આ વાર્તાઓના વિષયો નગરજીવનના છે. નોકર વર્ગ, શેઠિયા વર્ગ, મજૂર વર્ગ, ને જીવનની ચડતી-પડતીમાં સ્થિર થવા મથતા કલાસર્જકોનો સમાજમાં, કુટુંબ-પરિપક્વમાં, સંતાનો સાથે લગ્નજીવનમાં, કારકિર્દી વ્યવસાયમાં, અંગત જીવનમાં પરિસ્થિતિઓનો કેવો પનારો પડે છે તે ભાવનાશીલ કલમે આલેખાયું છે. વાર્તાઓ જે સમયગાળે લખાઈ છે (૧૯૫૬ પહેલાં) તે સમયના સમાજનું શહેરમાં અને ગામડામાં ચિત્ર ઉપસાવવામાં લેખક સફળ રહ્યા છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘બત્રીસ બાળકીની બા’ સ્ત્રી-સ્વાતંત્ર્યને રજૂ કરે છે. આપણે ત્યાં સ્વતંત્રતા પછી સામાજિક જીવન સંદર્ભે સ્ત્રી-જીવનમાં ધીમે ધીમે પણ ઘણું મૂળગામી પરિવર્તન આવ્યું. એનાં બીજ રૂપ જે વાર્તાઓ મળે છે, એમાં આ વાર્તાનો સમાવેશ કરી શકાય એમ છે.

GTVI Image 53 aag ane Ajavala.png

પ્રથમ પુરુષ એક વચનની રીત અપનાવીને લખાયેલી વાર્તાનો નાયક લેખક છે. ઉપરાંત તે નોકરી કરે છે. નોકરી છોડી ગયા પછી બાળક-પત્ની સાથે ઘર ચલાવવું મુશ્કેલ થઈ પડે છે. પછી જે પરિસ્થિતિઓ એના જીવનમાં સર્જાય છે, એ વાત નાયક કહી રહ્યો છે. વાર્તા ૨૧ પેજ લંબાણ ધરાવતી છે. આ વાર્તા મૂળે તો એક સ્ત્રીના સંઘમાં ગતિ-વિધિઓ બતાવે છે, તો તત્કાલીન સમયે શહેરી પરિવેશ કેવો હતો તે, લેખન કવિઓની દુનિયા, નોકરીની મથામણો, સ્ત્રીની દશા-અવદશા, યુવાન છોકરીઓની વિદ્રોહી-વૃત્તિ, સ્વતંત્ર રહી પણ શિયળ બચાવીને બદનામ થયા છતાં કેવી રીતે મેળવે છે, એવી સ્ત્રીઓની વાત અહીં આલેખાયેલ છે. ઉજાગર થતી અને પછી પૂર્ણ રીતે ખીલી ઊઠતી નવી ચેતના આ વાર્તાનું જમા પાસું છું. વિવિધ સ્થિતિ-પરિસ્થિતિઓમાં મુકુલા નામની સ્ત્રીની લાગણી જગત કે કસોટીએ ચડે છે તે લેખક – તત્કાલીન ભાવકનો વાંચન રસ સંતોષવા ભલે વાર્તાને કસોટીએ ચડાવીને પણ આપણી સમક્ષ મૂકી શક્યા છે, એ સંતોષ રહે છે... વાર્તામાં લેખકની નોકરી છૂટી ગયા પછી આર્થિક સંકડામણમાં પત્ની-બાળકોને ગામડે મોકલી અઠવાડિક અને માસિક સામયિકમાં વાર્તાઓ લખી એના પુરસ્કારથી ગુજરાન ચલાવતો હોય છે. એક વખત વાર્તા લખવા બેસે છે પણ કોઈ વાર્તા બનતી જ નથી. એવામાં મુકુલા નામની સ્ત્રી એની પાસે આવે છે. ઔપચારિક વાત પછી મુકુલા તેને પોતાના માટે નોકરી શોધી આપવાનું કહે છે. લેખકને ખુદને નોકરીના ફાંફાં છે ત્યાં આ સ્ત્રી માટે નોકરી ખોળવી કપરું કામ છે, છતાં આશ્વાસન આપી વિદાય કરે છે. મુકુલાથી આમ સહુ કોઈ પરિચિત છે જ. મુકુલા ફિલ્મમાં હીરોઈન બનવા ઘરેથી ભાગી આવેલી છે. પણ નાસીપાસ થાય છે. આત્મસ્વમાનથી ઘરે જતી નથી. ઘર-ઘર ભટકીને-નોકરી મેળવવાના બધા પ્રયાસો નિષ્ફળ જાય છે. પણ દેહ બચાવીને છેલ્લે કોઈ રસ્તો નથી. મોટા નોકરિયાતોનાં કે શેઠિયાઓનાં પાકીટ ચોરીને, એમને પાછાં આપીને, પુરસ્કાર મેળવીને, અનાથ છોકરીઓ માટે સીવણના વર્ગો શરૂ કરીને પગભર થઈ જાય છે. લેખકે એના જીવન પરથી વાર્તા લખીને એને પાગલ બનાવીને અંત આણ્યો છે. એ વાર્તા વાંચીને મુકુલા લેખક પાસે આવે છે અને કહે છે, ‘તમે મને વાર્તામાં બતાવી છે એટલી સહેલાઈથી જો પાગલ થઈ જવાનું હોય તો દુનિયામાં ડાહ્યામાં ડાહ્યો માણસ પણ પાગલ થઈ જઈને જીવતો હોત... તમે ચીતરી છે, એમ તો હું નથી જ જીવવાની.’ (પૃ. ૧૭) અને પછી તે ઉપર કહ્યા પ્રમાણે સફળ થાય છે. બત્રીસ બાળકીઓનો વર્ગ આ વાર્તાના શીર્ષકને સાર્થક કરે છે. આ વાર્તામાં મુકુલાના મુખે ઘણી બધી ચિંતનાત્મક વાતો મૂકીને પણ મુકુલાનું પાત્ર પણ જેવું વિકસવું જોઈએ એવું વિકસ્યું નથી. જો કે માનવીય સંબંધનું શહેરીકરણનું પોકળ સારું ઉઠાવ પામ્યું છે. ‘કબૂતરીનું ઈંડું’ વાર્તા નારીજીવનની કરુણતાને વ્યક્ત કરે છે. શંકા-કુશંકા, વહેમ, માન્યતાથી પ્રેરાઈને કોઈ પક્ષીના લીધે જીવનમાં દુઃખ આવી પડ્યું છે, એવું માનતી વાર્તાની નાયિકા વિમળાની માનો ને એની માનો સંસાર પણ સુખી ન હતો. સમકાલીન સમાજનું દર્શન કરાવતી, દાંપત્યજીવનમાં સાસુ-નણંદ-પતિ એક બાજુએ ને વહુ એક બાજુ. વહુ પર ત્રાસ ગુજારીને પરપીડન વૃત્તિ સંતોષવાની ચીલાચાલુ – એ સમયે દરેક જગ્યાએ ચાલતી પ્રવૃત્તિ જોવા મળે છે. કબૂતરીના સંદર્ભે વિમળાના દુઃખી સંસારનું, એના માતૃહૃદયનું દર્શન કરાવવા જતાં વાર્તાકારે વાર્તા વેડફી નાખી છે. મારી દૃષ્ટિએ આ વાર્તાની માવજત કોઈ બીજી રીતે થવી જોઈતી હતી. માનવેતર પાત્ર અને માનવજીવનનો સંદર્ભ વાર્તાકાર ચૂકી જતા હોય એવું થયું છે. એ સમયે નાટક જેવું જીવન સરેરાશ સ્ત્રીના ભાગ્યમાં હતું જ ને આજે પણ બીજી રીતે છે જ, પણ વાર્તા કસબમાં લેખક થાપ ખાઈ ગયા છે. ‘છબીની બીજી બાજુ’ સરસ વાર્તા છે. પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી વાર્તાની શરૂઆત લલિત નિબંધની જેમ થાય છે. નાયક મનોરમ એક ફોટોગ્રાફર છે. એ ફોટોગ્રાફીની કલા અને એ સંદર્ભે બધી જ કળાઓના કલાકારોનો કલાકીય દૃષ્ટિકોણ – પ્રકૃતિ સાથે માનવભાવો કેવી રીતે વિશિષ્ટ અને અદ્‌ભુત સંયોજન કરે છે, તે અહીં બખૂબી દર્શાવાયું છે. હળવાશથી શરૂ થતી વાર્તા કલાકારના જીવન સાથે મનુષ્યજીવનમાં પ્રેમની ભૂમિકા અને એ દ્વારા સર્જાતી પરિસ્થિતિઓનો ખ્યાલ વાર્તાને અંતે આપીને લેખકે સુંદર વ્યંજના સાધી છે. કલાકારો એમાંય સાહિત્ય, ચિત્ર અને ફોટોગ્રાફરો ક્યારેક એવી રચના કરે છે કે એ એમનાથી કોઈ દૂરના સમયે કે સ્થળે બની ગયા હોય. પોતે કલ્પનાસભર રચના કરી છે, પણ એ હકીકત બનીને સામે આવી જાય, એવું આ વાર્તાનું વસ્તુ છે. આધુનિક ઢબનો આલિશાન સ્ટુડીઓ ધરાવતો ફોટોગ્રાફર મનોરમ એક પુરુષનો ફોટો કાશ્મીરમાં પાડે છે અને એક સ્ત્રીનો ફોટો બનારસમાં પાડે છે. એ બેઉની જાણ બહાર પાડેલા એ ફોટાના જે એંગલના દૃશ્યને ભાવ ઝિલાયાં છે, તે કલાકાર બેઉ ફોટાને ભેગા કરીને આખું જોડકું બનાવીને ભાવને દૃઢાવે છે. અને પછી પોતે જ પોતાની કલા પર વારી જાય છે. વાર્તામાં મનોરમ એ વિશે કહે છે કે, ‘યુવકની આંખ ખુલ્લી છે ને યુવતીની તરફ પ્રેમભાવથી મંડાયેલી છે, અને યુવતીની આંખ બંધ છે, પણ એ યુવકના જ વિચારોમાં લીન થયેલી છે. ખરેખર, કુદરતને આ બંને સ્ત્રી-પુરુષનો મેળાપ કરવાનું હજી સુધી કેમ નહિ સૂઝ્યું હોય!’ (પૃ. ૪૬) આ બે અજાણ્યા યુવક-યુવતીઓના ફોટા જોડીને એનાં દર્શન બધાને કરાવવાની ઝંખના સમાજના લોકોની શંકા-કુશંકાના ડરે દબાવી દે છે, પણ એનાં લગ્ન જેની સાથે થાય છે, એ આરતી-પોતાની પત્નીને એ સુંદર ફોટો બતાવે છે. ત્યારે ઘટસ્ફોટ થાય છે કે આ યુગલ સાચું છે. એમાં રહેલી યુવતી તુલસી અને યુવક સ્નેહસુંદર છે. બંનેએ ભાગીને લગ્ન કરેલાં હતાં ને પછી યુવક તુલસીને છોડીને – લંપટ બનીને બીજી યુવતી સાથે રહેવા જતો રહે છે. પૈસા ખૂટી પડતાં એક વખત તે તુલસીને વેચી નાખવાનું પણ વિચારે છે, પણ તુલસી નાસી છૂટે છે. આ તુલસી આરતીની પિતરાઈ બહેન છે. વાર્તા મુગ્ધાવસ્થાના પ્રેમલગ્ન તરફ લાલબત્તી ધરે છે. વાર્તામાં લેખકે કલા, પ્રકૃતિ, ભાવ, મન, સમાજ, પ્રેમ, વિશિષ્ટ નજર, સંવેદન, કલાકારોનાં અંગત મંતવ્યો અને દૃષ્ટિકોણ કેવા હોય, એ બધું જ બતાવવાની સાથે સનાતન સત્ય ‘કુદરતે જે નક્કી કર્યું હોય એ થઈ ને જ રહે છે.’ અહીં વ્યંજનાત્મક રીતે વ્યક્ત થયું છે. મનુષ્ય માત્ર કોઈ પણ બાબત માટે એક જ બાજુ જોતો હોય છે. એણે બીજી બાજુ પણ જોવી જોઈએ. ‘યાદ’ વાર્તા પણ પ્રથમ પુરુષ એકવચનમાં જ છે. વાર્તાનાયક પોતાની વાત કરે છે. આ વાર્તા પ્રેમનું જ બીજું રૂપ બતાવે છે. મુંબઈ નગરનો પરિવેશ અને ચોમાસાની ઋતુ અને મરિનડ્રાઇવનો રસ્તો, પાળ કથાવસ્તુને બળકટ રીતે સહાય કરે છે. વરસાદી વાતાવરણથી શરૂ થતી વાર્તામાં પ્રેમની શરૂઆત પહેલાંની નાયક નાદિર અને નાયિકા ઝૂલેખાની પ્રથમ મુલાકાત આ રીતે કરાવે છે. વરસાદ રહી ગયા પછી પોતાના ઘરે જવા નીકળતાં નાદિરના પગમાં કંઈક વાગે છે. એની સારવાર કરવા ઝૂલેખા એને પોતાના ઘરે લઈ જાય છે. અમીર-ગરીબની દીવાલ અહીં બંનેને નડે છે. અમીર ઝૂલેખાના બાપને આ સંબંધ મંજૂર નથી. બંને છૂટાં પડે છે. બંને બીજાં પાત્રો સાથે પરણી જાય છે. નાયક નાદિરે પોતાની પત્નીનું નામ ઝૂલેખા રાખ્યું છે. એની પત્ની સાબીરાને એ ખબર નથી કે આવું કેમ કર્યું. પણ દાંપત્યજીવન સુખી છે. એક વખત અચાનક બંનેની મુલાકાત થાય છે. ત્યારે ઝૂલેખા નાયકનું સરનામું લઈ લે છે. લેખકને ડર છે કે, એ ઘરે આવશે, પણ ઝૂલેખાની જગ્યાએ એનો સંદેશ આવે છે. એમાં આમંત્રણ છે – ઝૂલેખાના બાબાનો નામકરણ પ્રસંગ છે. નાયક એના ઘરે જાય છે ત્યારે અસલ વાતનો ઘટસ્ફોટ થાય છે. પ્રેમ બલિદાન માગે છે ને સાચો પ્રેમ કોઈ પણ રૂપમાં સચવાય છે. સ્ત્રીનો સાચો પ્રેમ પારખવામાં પુરુષ થાપ ખાય છે, એ પણ નિષ્પન્ન થાય છે. વાર્તાના અંતે નાદિર-ઝૂલેખાની મુલાકાત દરમિયાન ઝૂલેખાના મુખે મુકાય છે સંવાદ, પ્રેમના એક પવિત્ર રૂપને પ્રગટ કરી ઊંચકી લે છે ને પુરુષને આંચકો આપી જાય છે, ઝૂલેખા કહે છે, ‘નક્કી તો હું પરણી ત્યારે જ કર્યું હતું કે મને ખુદા જો બાબો આપશે, તો ‘હું એનું નામ નાદિર રાખીશ.’ (પૃ. ૬૦) વાર્તામાં લેખકે એક કસબ એ કર્યો છે કે, ‘બંને પાત્રોની (નાયક-નાયિકા) વિપરીત મનોસ્થિતિનું બયાન કરતી વખતે નાયકની મનોસ્થિતિ બતાવી છે પણ નાયિકાની મનોસ્થિતિનો વળ છેક છેલ્લે જતાં ઉકલે છે. ત્યારે ભાવક તરીકે આપણને ખ્યાલ આવે છે કે, સ્ત્રી-પુરુષ સંબંધોની સંકુલતા અને પ્રેમ સમજ દુષ્કર છે. પ્રેમને ઉચ્ચકક્ષાએ લઈ જતાં ‘યાદ’માં રાખતાં નાદિર અને ઝૂલેખા જેવાં પાત્રો હવે મળવાં જ મુશ્કેલ છે. ‘ખોળાનો ખૂંદનાર’ કરુણ-ગંભીર વાર્તા છે. મુંબઈના રેલવેસ્ટેશન પરથી વાર્તા શરૂ થાય છે. સર્વજ્ઞ કથન-રીતિથી વાર્તા લખાઈ છે. વાર્તાની શરૂઆતમાં એક વિધવા બાઈ ને એનો દીકરો – અનુક્રમે મોંઘી અને નટુની હાલત, ડર, દેખાવ, ટ્રેનમાં રહેલા મુસાફરો જો એક ડબ્બામાં સફર કરતી જાનવાળાનું આ બે બા-દીકરા પ્રત્યેનું વર્તન અનુકંપા જગાવે છે. ચીંથરેહાલ આ મોંઘી દીકરા નટુને મુંબઈ પોતાના દિયરને ત્યાં મૂકવા આવી છે. હવે ગામડે જતી મા ને વિદાય આપવા નટુ આવ્યો છે. લેખકે મા-દીકરાને વાતો, ભાવ, સ્થિતિ, જગ્યા ખોળવાની મથામણ અને એક ટ્રેનનો પરિવેશ સુંદર રીતે ઉપસાવ્યો છે. એક જગ્યાએ જગા મળી જતાં આ દીકરાને હાશકારો થાય છે. ટ્રેન ઉપડે છે, માને વિદાય આપતા દીકરાને કોઈ લે તે પહેલાં દોડીને ટ્રેનમાં ચડવા મથતા મુસાફરનો ધક્કો વાગે છે. નટુ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે મરી જાય છે. મા મોંઘીને આની જાણ પણ નથી. માતૃહૃદય અને વાત્સલ્ય અહીં સુપેરે ઉપસ્યું છે. પણ અહીંથી વાર્તાનો ફ્લેશબૅક શરૂ થાય છે. મોંઘીના પતિ છગનલાલ અને દિયર નરોત્તમદાસની પૂર્વેની રજવાડી જીવનશૈલી અને હવેલી અને આજની મોંઘીને નટુની દયનીય સ્થિતિ મૂકીને એક વિડંબના દર્શાવી છે. આ વાર્તાનો ફ્લેશબૅક મૂકીને વાર્તાને મારી નાખી છે. ફ્લેશબૅકમાં આવતી ગામની જાહોજલાલી, મોંઘી-નરોત્તમનો ઝઘડો શરૂઆતમાં ટૂંકાણથી મૂકીને નટુ મરી જાય છે. ત્યાં વાર્તા પૂરી કરી હોત તો આખી વાર્તા ઊંચકાઈ ગઈ હોત. ‘જીવતરનો ડાઘ’ પ્રેમ એ દામ્પત્યજીવનમાં એક કવિ-લેખક કેવી કશ્મકશ અનુભવે, એવી વાત વ્યક્ત કરે છે. અમીર-ગરીબની દીવાલ અહીં કારણભૂત છે. અનાથ અનુપમને પૈસાપાત્ર ઘરની ચંદ્રિકા સાથે પ્રેમ થાય છે. અનુપમની જાણ બહાર ચંદ્રિકાની સગાઈ બીજે કરી દેવામાં આવે છે. ચંદ્રિકા કંઈ જ બોલી શકતી નથી. લગ્ન કરી લે છે. આ આઘાત અનુપમ સહન કરી શકતો નથી. ચંદ્રિકા-અનુપમના પ્રણયનો બધો જ સમય સાક્ષી રહેલો મનહર મિત્ર અનુપમનું લગ્ન સરલા સાથે કરાવી દે છે, ને એમ બંનેના સંસાર ચાલી જાય છે. હવે મનહરના લગ્નમાં જતી વખતે ટ્રામમાં સવારી વખતે સરલા અને અનુપમ પોતાના મનનાં સંચલનોમાં ખોવાઈ જાય છે. સરલા પોતાના સુખી દામ્પત્યમાં અને અનુપમ ચંદ્રિકાના ભૂતકાળમાં જઈ ચડે છે. અહીં લેખકે ટૅક્સી અને ટ્રામ(વિક્ટોરિયા)નો સંદર્ભ અનુપમના જીવન સાથે જોડીને ચંચળ પ્રેમિકા અને પ્રેમાળ પત્નીનું સાયુજ્ય સાધ્યું છે. ચંદ્રિકાને ટૅક્સી સાથે ને સરલાને વિક્ટોરિયા સાથે સરખાવી છે. લેખકે નોંધ્યું છે : ‘એકમાં ગતિ ધીમી પણ સહવાસ વધારે ને જગતનું દર્શન વિશાળ, બીજીમાં વેગ ઝડપી પણ સાથ ઓછો અને જગત મરડી ગયેલું.’ (પૃ. ૮૯) આમ વિચારે ચડેલું દંપતી લગ્નમાં પહોંચે છે, ત્યાં ચંદ્રિકાની મુલાકાત થાય છે. ચંદ્રિકાને હવે જીવનમાં લાગતી અધૂરપ પૂરી કરવા તે અનુપમની કફનીના ખિસ્સામાં મુલાકાત માગતી ચિઠ્ઠી મૂકી દે છે. બધું પતાવીને ઘરે આવેલ અનુપમ થાકી ગયેલ છે. સવારે ધોબીને પેલી કફની પેલી ચિઠ્ઠી સાથે ધોવામાં આપી દે છે. જ્યારે ચંદ્રિકા તો મુલાકાતના સપનામાં ખોવાઈ જાય છે. પ્રેમનાં જુદાં જ રૂપનું દર્શન કરાવીને લેખકે ચાર જીવતરમાં ડાઘ ન પડે એવો અંત લાવીને સામાજિક નિસબત નિભાવી છે. ગુલઝારની પંક્તિ ‘ખુબસૂરત મોડ દેકર છોડ દેના અચ્છા’ આ વાર્તા સાર્થક થતી જોઈ શકાય છે. ‘આંસુ મુબારક’ વાર્તાને લેખકે પરાણે વાર્તાનું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ પુરુષ એકવચન રીતિથી લખાઈ છે. સોળ પેજ જેટલી લાંબી વાર્તાનો છાંટ જ નથી થયો. નર્યું લાગણીનું આલેખન, વેવલાવેડા સુધી પહોંચી જાય છે. ઘટના-પ્રસંગોનો ઉપલકીયો તાલમેલ જામતો નથી. ઈદ જેવા તહેવારને નિમિત્ત બનાવી પોતાની વેદનાનું પ્રદર્શન કરતો નાયક અજમલ – બચપણની ગરીબાઈમાં હિંમત આપનાર મજીદમિયા, એના શિક્ષકને બધું જ હોવા છતાં અન્યાય કરી બેસે છે. આ જ કથાવસ્તુને કોઈ બીજી રીતે માવજત કરીને – મઠારવી જોઈતી હતી. ઉત્તમ વસ્તુ વેડફાઈ ગયું છે. ‘ચોર’ વાર્તા ગફૂર નામના ચોરના જીવન, જીવનની વિડંબના, ચોરી કર્યા પછીનો જાત અને જગત સાથેનો સંઘર્ષ અને અંતે હૃદયપરિવર્તન, છતાંય એના જીવનનો અંત આરોપો ને મારથી થાય છે. સર્વજ્ઞ કથન-રીતિથી વાર્તા આલેખાઈ છે. ગફૂર જેવા ચોરને રહેવાનો ઓટલો પેટ્રોલિંગ પર નીકળેલા પોલીસો છોડાવીને હડધૂત કરીને ભગાડે છે ત્યારે પેલો ‘વાઘચી મોચી’ યાદ આવી જાય છે. ગફૂરનો ડર અને હતાશા સરેરાશ મનુષ્યની જ જીવન-રીતિને પરોક્ષ રીતે ચરિતાર્થ કરે છે. ‘રાહત ફંડ’ એ સમયની દૃષ્ટિએ નવો વિષય લઈને આવતી વાર્તા બની હશે. સર્વજ્ઞ કથનરીતિને નાટ્યાત્મકનો પારો હળવાશથી શરૂ થતી વાર્તા બહુ જ સુંદર બની છે. કરુણાશંકર અને રેવાડોસીનો સંસાર કરુણાશંકરના પેન્શનથી ચાલે છે. છોકરાઓ શહેરમાં છે. એમના તરફથી મદદ મળતી નથી. આ વખતે પેન્શન લઈને આવતા કરુણાશંકર ડોશીને કહે છે કે, ખીસું કપાઈ ગયું ને બધા જ પૈસા ગયા. હવે આ મહિનો ઉછીનું-પાછીનું કરવું પડશે. વિધિની વક્રતા એ છે કે આગલા મહિનાનું થોડું લેણું આ પેન્શનથી અપાત, પણ એ હવે શક્ય નથી. જે સમયે પંદર-વીસ રૂપિયામાં એક મહિનો ઘર ચાલી જતું, એ સમયને લેખકે સરસ રીતે ઉપસાવ્યો છે. ખરેખર તો કરુણાશંકર જૂઠ્ઠું બોલ્યા છે. પોતાનું બધું જ પેન્શન રાહતફંડમાં આપી દીધું છે. ‘ઘર બાળીને તીરથ કર્યું છે.’ કોઈ ઉછીના પાંચ-સાત રૂપિયાય આપવા તૈયાર નથી. બે વિરોધી પરિસ્થિતિઓ મૂકીને લેખકે માણસાઈ બતાવી છે. આજે ફંડને સહાય નામે જે પ્રદર્શનો કરવામાં આવે છે, એનો ઉઘડો લેતી હોય એમ – આજે તો સામાજિક દૃષ્ટિએ અને માણસાઈની દૃષ્ટિએ ઘણી જ પ્રસ્તુત છે. ‘છોકરાં’ વાર્તા મારી દૃષ્ટિએ સંગ્રહની સૌથી સરસ વાર્તા છે. વાર્તાકળાના ધોરણે થોડીક જ ઊણી ઊતરતી આ વાર્તા ઈશ્વર પેટલીકરની મંગુ-અમરતકાકીની યાદ આપી જાય છે, તો બીજી બાજુ પન્નાલાલની ‘મા’ વાર્તાનું પણ સ્મરણ કરાવે છે. ‘મા’ વાર્તામાં છોકરા માટે માનો આંતરસંઘર્ષ કેવી પરાકોટિને સરાણે ચડે છે. આ વાર્તામાં પણ સેવંતીલાલનો આંતરસંઘર્ષ-બહારની પરિસ્થિતિઓ સામે બંડ પોકારે છે. સરાણે ચડે છે. મંગુની મા અમરતકાકી પાગલ થઈ જાય છે. અહીં પોતાનાં છોકરાં માટે સેવંતીલાલ વાર્તાના અંતે માનસિક સંતુલન ગુમાવી દે છે. સર્વજ્ઞ કથનરીતિથી શરૂ થતી વાર્તા સેવંતીલાલના ગરીબ કુટુંબ અને ઘરમાં બધું જ ખૂંટી ગયું છે. એવી સ્થિતિમાં સેવંતીલાલ ગુસ્સો કર્યે જાય છે. પત્ની માલિની અને પતિ વચ્ચેના સંવાદો શહેરના મધ્યમથી નીચેના વર્ગનું, નોકરીમાં ધાર્યો પગાર ન મળવાથી સર્જાતી પરિસ્થિતિઓનું જે આલેખન થયું છે, તેમાંથી પરિવેશ વાતાવરણ ઉપસાવ્યું છે. સેવંતીલાલનો શેઠ તેલની મિલનો માલિક છે. બધાના પગાર વધારી આપ્યા પણ સેવંતીલાલનો નથી વધાર્યો. પોતાના છોકરાં સામું જોવાનું કહીને સેવંતીલાલ કરગરી પડે છે, પણ શેઠનું રુંવાડુંય ફરકતું નથી. વાર્તાકારે સેવંતીલાલના જીવનમાં એનાં છોકરાં માટે, પત્ની માટે, જે જે વસ્તુની ખેંચ બતાવી છે, એ જ વસ્તુઓની શેઠના ઘેર રેલમછેલ બતાવીને વળી એ બધી વસ્તુઓની પૂર્તિ કરવા પાછું સેવંતીલાલને જ શેઠના ઘરે જવું પડે છે. – બે પરિસ્થિતિઓ સામ-સામે મૂકીને શોષિત-શોષક વર્ગનું પ્રતિનિધાન સિદ્ધ કર્યું છે. તંગ મનોસ્થિતિ, તિરસ્કાર, આક્રોશ, લાચારી, ગુસ્સો, લાગણી, જાત સાથેનો તીવ્ર સંઘર્ષ નિરુપીને સેવંતીલાલના પાત્રને સુંદર ઉઠાવ આપ્યો છે. એમ કહી શકાય કે, સેવંતીલાલનું શોષિત વર્ગના પ્રતીક તરીકે નિરુપાયેલ પાત્ર છે, અથવા એમ પણ કહી શકીશું કે, આ પાત્ર શોષિત વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. ‘વેરનો વારસ’ રજવાડાના પરિવેશને લઈને લખાયેલી સર્વજ્ઞ રીતિની વાર્તા છે. વાતાવરણ – પરિવેશ ઊભો કરવામાં લેખકને સફળતા મળી છે. ભાષા અને કાઠિયાવાડી બોલીનો સંયોગ પાત્રોને ઊઠાવ આપે છે. ‘શમે ના વેર વેરથી’ ઉક્તિને ચરિતાર્થ કરતી વાર્તા છે. બે કુટુંબ વચ્ચે, બે ભાઈબંધો વચ્ચેના પેઢી દર પેઢીથી આવેલા વેરનો અંત દરબાર વીરસિંહજીનાં હૃદય-પરિવર્તનથી આવે છે. આ વાર્તા ‘સોદાગર’ ફિલ્મ (રાજકુમાર – દિલીપકુમાર)ની યાદ આપી જાય છે. લાગણીસભર પાત્રોના સર્જક ધૂમકેતુને એમની વાર્તા દ્વારા યાદ આવી જાય એવી વાર્તા છે. જિંદગીના જંક્શન પ્રથમ પુરુષ એકવચનમાં રચાયેલી વાર્તા છે. કથાનાયક રજાઓમાં મામાને ઘેર રહેવા આવ્યો છે. ગાડીમાંથી સામાન ઊતારી ઊભો છે ત્યાં કોઈ ગરીબ છોકરો એ સામાન ઉપાડી નાયકના ઠેકાણે પહોંચાડી મજૂરી મેળવવા આવી ઊભો. લઘરો નામ એનું, ગરીબાઈને લીધે શિક્ષણથી વંચિત બાળકો, ક્યારેક કુદરતની કરણીથી જ લોંઠ પાકતાં બાળકો બાળમજૂરીએ કે ચોરીના રવાડે ચડી જાય. એવાંઓની દુનિયા કેવી હોય. કેવા સંઘર્ષો હોય, કેવી ઈર્ષ્યા હોય, કેવી મહેનત હોય, સારપ કે નઠારાઈ કેવી હોય, એ બધું જ આ વાર્તામાં વ્યક્ત થયું છે. તો નારીનાં બે સનાતન રૂપ પણ અહીં જોવા મળે છે. લઘરાની નવી મા લઘરાને અને પતિને પોતાના પ્રિયતમ સાથે મળી પતિ સાથે જ રંગરેલિયા કરીને બધું પચાવી પાડે. આખરે ન વેઠાતાં એક વખત લઘરાની માને પ્રેમી લખમશી નશામાં ધૂત હોય ત્યારે લઘરો પોતાની સાવકી માનું ગળું દબાવી હત્યા કરી નાખે. આરોપ એના બાપ પર આવે છે ને બેઉને જેલ થાય છે. આ જ વાર્તામાં બીજું કુટુંબ છે કાનિયાની મા રળિયાત અને બાપ નારણનું. બાપ નારણને બેટો કાનિયો. બેઉ નપાવટ, રળિયાતને હેરાન કરવામાં કોઈ વાતે પાછી પાની નથી કરતા. નારણ જુગારમાં રળિયાતને મૂકીને હારી જાય છે. પણ જેને ત્યાં મૂકેલી એ હેમરાજને પોતાના પવિત્ર મનથી ભાઈ બનાવીને હેમરાજને કંચન બનાવનારી રળિયાત કાનિયાને શોધી, જેલથી છૂટા થતા પતિને લેવા સ્ટેશને આવી છે. વાર્તાકારે પ્રસંગ-ઘટના અને ગામડાંના વાતાવરણથી જિંદગીના કેવા કેવા પડાવ હોય છે, તે સરસ રીતે ઉપસાવ્યું છે. જીવનમૂલ્યો સાથે ભૌતિકતા કેવાં વરવાં પરિણામ પેદા કરે, એ અહીં વ્યક્ત થયું છે. બે સ્ત્રીઓ, બે પુરુષો, બે બાળકોનાં સામસામે છેડેનાં વ્યક્તિત્વો એકબીજાની સામે મૂકીને વાર્તાકારે સરસ વાર્તા નિપજાવી છે. ‘પડછાયાના પડઘા’ પ્રથમ પુરુષ એકવચનની રીતિથી લખાયેલી આ વાર્તામાં કોઈને અપાતો માનસિક ત્રાસ એને કેટલી હદે પાગલ બનાવી દે, એનું આલેખન છે. જેમ ‘દુશ્મન’ ફિલ્મમાં ‘ભૂતિયા પેડ’ છે એમ અહીં ભૂતિયા કૂવાની વાત છે. પણ લોકો સાચું-જુઠ્ઠું, માન્યા-જોયા-જાણ્યા વિના ધોરણ બાંધીને વાયરે વાતો ઉડાડે એવી વાત છે. રૂપાળી બૈરીનો ધણી સંજોગોનો માર્યો માર ખાઈને ગાંડો થઈ જાય છે ને કૂવામાં પૈસાની લાલચે ભૂસકા મારે, એ બધાને ભૂત લાગે છે. પણ વાત તો એ જ કે સામાજિક નિસબત ધરાવતા લોકો કેવા ક્રૂર, દયાહીન હોય એનું દર્શન થાય છે. આ જ વાર્તામાં વિજુભા નામના પોલીસે જમના કૂવાની – રૂખા વાળી વાત પકડી એણે રૂબરૂ જ અવગતિયા જીવ તરીકે ભૂતનો પરચો થયો હતો, એ વાત પણ અહીં રજૂ થઈ છે. જયંત ખત્રીની ‘ખરા બપોરે’ ભૂતની વાર્તા, આ વાર્તાના બીજા પ્રસંગથી યાદ આવી જાય છે. સુંદર વાર્તા બની છે. કારમી ગરીબાઈમાં ક્ષયમાં સપડાયેલી બાઈની પ્રસૂતિકાળ પછીની મરણ સ્થિતિ ભાવક તરીકે આપણને હચમચાવી જાય છે. ‘બે બૈરીનો ધણી’ રમૂજી, હાસ્યપ્રધાન વાર્તા છે. સર્વજ્ઞ કથનરીતિ અપનાવીને લખાયેલી વાર્તાનો નાયક આધેડ ઉંમરનો સુખો છે. પોતે બે બૈરી પરણી લાવ્યો છે ને દુનિયાથી બચાવવા એમને પોતાની ઓરડીમાં બંધ કરીને નોકરી જવા નીકળે છે, પણ જતી વખતે રસ્તામાં, દુકાને, ફૂટપાથ પર ચાલતાં પોતાની બેઉ બૈરીના વિચારો કર્યે જાય છે. એ વિચારો અને વાસ્તવની સ્થિતિ વચ્ચે એની હાલત જે રીતે ચીતરી છે, તે કાબિલેતારીફ છે. ભાવક હળવોફૂલ થઈ જાય. આ વાર્તા વાંચીને થાય કે બરકત વિરાણીએ હાસ્ય નવલકથા પર હાથ અજમાવવા જેવો હતો. વાર્તાના અંતે ખબર પડે છે કે, સુખાની કલ્પના કેટલી સચોટ ને વાસ્તવિક લાગે છે! વળી મનોરમ પણ એટલી જ લાગે છે. આ જગતનો મનુષ્ય એકલો રહી શકતો નથી એટલે એ કલ્પનાની સૃષ્ટિ ઊભી કરીને જીવે છે. જાણીને નવાઈ લાગશે પણ આ વાર્તાના પાત્ર સુખાની જેમ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ચિત્રકાર ભૂપેન ખખ્ખરે પણ પોતાનું એક કાલ્પનિક કુટુંબ ઊભું કરેલું. એ પરણ્યા નહોતા, એ કોઈ જાણતું ના હોય તો તે રીતસર છેતરાઈ જાય. આ વાર્તાના નાયકની એકલતા અને ભાવનાત્મકતાથી ભરી ભરી કલ્પનાનો વિરોધ વાતોમાં સૂક્ષ્મતાથી ઉપસી આવ્યો છે. સંગ્રહની છેલ્લી વાર્તા અને આ વાર્તાસંગ્રહનું શીર્ષક બનેલી વાર્તા ‘આગ અને અજવાળાં’ સર્વજ્ઞ કથનરીતિથી આલેખાઈ છે. આ જ શીર્ષક ધરાવતા વાર્તાસંગ્રહો જે ઉત્તમ પુસ્તક ભંડારે છાપ્યા છે, તેમાંથી સો નકલ ચોરી કરીને વેચીને પોતાના કુટુંબનું પોષણ કરવાનો ઇરાદો ધરાવનાર છોટાલાલની માનવતા છેલ્લે જાગી ઊઠે છે ને શેઠને સત્ય વાત કહી દે છે. છોટાલાલની નેક સાફ દાનત અને સત્યતા પર વારી જઈને શેઠ પોતાને ત્યાં છોટાલાલને દોઢસોના પગારે કાયમી રાખી લે છે. સુખાંત વાર્તામાં છોટાલાલની મનોસ્થિતિ અને હડબડાડી ખૂબ જ ઝીણવટથી આલેખીને પાત્રને ઉપસાવી આપ્યું છે. એક બાજુ ઘરની નાજુક સ્થિતિ, બીજી બાજુ પૈસાની ખેંચ, ત્રીજી બાજુ સગેવગે કરવા ધારેલાં પુસ્તકો, વાર્તાકારે પ્રસંગ-ઘટનાને યથાતથ ન્યાય આપી જાણ્યો છે. છોટાલાલ જેવા દરેક મનુષ્યની અંદર રહેલી આગ સત્ય અને ઈમાનદારી તરફ વળી જાય તો અજવાળું જ પથરાઈ જાય. આ સંગ્રહની પંદર વાર્તાઓમાંથી પસાર થતાં એમ લાગે કે, ‘બેફામ’ની છ-સાત વાર્તાઓ સારી બની શકી છે, એકાદ-બે ઠીક છે. બાકીની વાર્તા લખવાનો પ્રયત્ન કર્યો છે, પણ ધાર્યું પરિણામ મેળવી શક્યા નથી. સર્જક ગઝલકાર છે, એટલે ભાવને જાણી શકે, શબ્દ પસંદગી કરી જાણે છે. તત્કાલીન સમયને અનુરૂપ વિષયવસ્તુ પસંદગીમાંય ચીવટ રાખી છે. સંવાદકલા, પરિવેશ બરાબર આલેખે છે, પણ કથનકેન્દ્ર અને ભાષા તથા પાત્રનો વિકાસ કરી શકતા નથી. છતાં સંવેદન દૃષ્ટિએ સેવંતીલાલ કે મુકુલા, સુખો જેવાં પાત્રો સારાં બની શક્યાં છે. બીજું કે, વાર્તાના મુખ્ય પ્રસંગ કે ઘટના સાથે બીજુંય ઘણું લઈ બેસે છે. ટૂંકી વાર્તાની સીધી ગતિ સાર્થક થતી નથી. બધાં જ પાત્રોની ભાષા સપાટ ચાલે છે ને ખાસ મર્યાદાઓ જોઈએ તો ધૂમકેતુની જેમ વાર્તાની વચ્ચે આવીને ચિંતન વ્યક્ત કરે છે. બીજું, અતિશયોક્તિ સજીવારોપણ, ઉપમા આદિ કક્ષાના, અલંકાર કે કોઈ વાતને પુષ્ટ કરવા યોજેલી કલ્પના બંધબેસતી જ નથી. ક્યારેક એટલે વાર્તાને ધાર્યા પ્રમાણે પાર ઉતારવામાં સંતુલન ખોઈ બેઠા છે. એમની નિપજી આવેલી સારી વાર્તાઓમાં પણ આ મર્યાદા જોઈ શકાશે. ‘ભરજોબનના પ્યારની ધાર જેવો વરસાદ, ડામરની કાળી સડક દુર્જન માણસની ચમકતી આંખોની જેમ ઝબકી રહી હતી.’ (પર) ‘સિસોટી વાગી અને લીલી ધજીની પાંખ ફફડતી થઈ કે તરત ટ્રેનના પગમાં તાકાત આવવા માંડી.’ (૭૨) ‘સવારની સૌમ્ય સુરખી જેવી સરલાને આંખોના અંધકારમાં ભરી લેતો ને એનું અંતર અજવાળામાંથી ઝળહળી ઊઠતું.’ (૯૩) ‘પૈસાના ચારે તરફ પથરાયેલા ખેતરમાં માંકડ ઊગી નીકળ્યા હોય એવું લાગે છે.’ (૧૦૦) ‘ઘડિયાળે છના પોકાર કર્યા.’ (૧૩૩) ‘જાણે પાંપણને દોરો બાંધીને કોઈ ઊંચી કરતું હોય એમ એમણે ઊંચી કરી.’ (૧૪૨) દરેક વાર્તામાં આવું તો ઢગલાબંધ ઠલવાયેલું પડ્યું છે. વાર્તાઓમાં રહેલી અત્યુક્તિઓ આજના સમયે પ્રસ્તુત ન લાગે, પણ સમકાલીન ભાવકોનો રસ સંતોષવા આ પ્રકારનાં વર્ણનો કદાચ કર્યાં હોય. વાર્તાઓમાં રહેલ શોષણ કનડગત, લાગણીહીનતા, આક્રોશ, પરપીડન વૃત્તિઓ, જીવનની વિષમતા, પરિસ્થિતિ અને જમાનાના ભેદે આજે પણ એટલી જ પ્રસ્તુત છે.

સંદર્ભ : ‘આગ અને અજવાળાં’, બરકત વિરાણી, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૬

મિતેષ પરમાર
શોધાર્થી
ગુજરાતી ભાષા વિભાગ
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય,
કુંઢેલા, વડોદરા.
વાર્તાકાર લક્ષ્મીકાંત ભટ્ટ