ગુજરાતી નારીસંપદા : કવિતા/જીવનાનંદ દાસને

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જીવનાનંદ દાસને...

નલિની માડગાંવકર

તમારા સોનેરી પ્રકાશમાં
હું ઊભી છું
દીપ્તિમંત
હરણની મુગ્ધ આંખે
હું નિહાળી રહી છું
તમારી પૃથ્વીને.
તમારા નામના રસ્તા
અમારા શહેરમાં નહીં હોય
તો
કંઈ બગડવાનું નથી.
સારું છે કે
પૂતળું નથી મૂકાયું
નહીં તો
શતાબ્દીની ધૂળ ચડી જાત
દેહ પર.
બંધ પુસ્તકનાં પાનામાં નહીં...
સાચવીશ તમને
પૃથ્વીના મહાપ્રશ્નોમાં.
ઇતિહાસનો પંથ કાપી
હું ફરી પાછી આવીશ... વનલતા સેન.
તમે પણ પાછા આવશો ને!

***