ગુજરાતી નારીસંપદા : કવિતા/પેલું દિનનું અજવાળું
હીરાબહેન પાઠકજી
⯐
પેલું દિનનું અજવાળું મારે સહ્યું સહ્યું જાય,
પણ ચંદનીનું તેજ ના હુંથી ખમાય;
રે કોને કહ્યું જાય?
સખી! ચમકીને જાગી... ધ્રુવ.
મધુમાધવીનાં ફૂલડાંની ગંધ છલકાય,
સખી! વાસંતી વાયરા રહી રહી વાય.
મારે અંગે લીંપાય...સખી! ચમકીને.
આ નીતરેલી ચૈત્ર કેરી ચંદનીની છાંય,
મારાં નયનોનાં નાવડાં તેજમાં તણાય,
છેક ડૂબી ડૂબી જાય...સખી! ચમકીને.
પેલી વર્ષાની ઝડીયુંનાં ઝાપટાં ઝિલાય,
પેલા વિરહની વેદનાનાં ઝાપટાં ઝિલાય,
પણ વ્હાલમનું હેત ના હુંથી ખમાય
ના જાણું શું થાય?
સખી! ઝબકીને જાગી...ધ્રુવ.
જરી નજરું પડે ને, લજામણી બિડાય,
આંખ ફરૂકે ને અંગ, રંગરોળ મચી જાય;
મારી કંપી ઊઠે કાય,
રાગ રાગથી છવાય- સખી! ઝબકીને.
સખી! ભીનલો આ વાન, વદન નેહે ભીંજાય,
આ હૈયાનું હોડલું હળવે વ્હૈ જાય;
સૂધસાન સરી જાય
સાવ ડૂબી ડૂબી જાય—સખી! ઝબકીને.
આ ચંદનીનું તેજ ના કેમે સમાય,
આ વ્હાલમનું હેજ ના કેમે ખમાય,
સ્હેજે કહ્યું કહ્યું જાય;
હું ઝબકીને જાગી...
***