ગુજરાતી નારીસંપદા : કવિતા/ફેસલૅસ ફૅરી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ફેસલેસ ફૅરી

ગીતા ભટ્ટ

કલાકારોએ કંડારી કામિની કાગળ પર કોમળ કુસુમ જેમ
ઘૂમતી ધરમાં ગૃહિણી, ઝૂલતી ઝરૂખે, પંથ તકતી તેમ
કદીક સરવર પાળે, ખોવાઈ વમળોમાં મૌન છબી જેમ
કદીક વિહરતી બાગ-બાગ, ચૂંટતી પુષ્પ માલણ તેમ
કદીક અભિસારિકા, કદીક વિરહિણી, કદીક રૂઠી રાણી જેમ
કદીક આરાધતી દેવને, કદીક માત, હિંચોળતી જગજનની તેમ
કદીક સખી સાજનની, કાર્યરત કાર્યાલયે કદીક મશીન જેમ
કદીક અબોલ અબુધ ભાર વેંઢારતી જીવનગાડાનો બેલ તેમ
રૂપ અનેક, રંગ અનેરા, વૈવિધ્ય વસ્ત્ર અપાર
સમય વિધ-વિધ, સંધ્યા કદી, પરોઢ ને રાત્રિનું પ્રાગટ્ય
પણ રે! હાય! આમ કેમ? ચહેરો કાં ન ચીતર્યો?
ન આંખો કાજળ ઘેરી, ન ભવાં કમાન, ન નમણી નાસિકા,
ન કુંડળ શોભિત કાન, ન કપોલે ચંદ્ર, ન સેંથે સિંદૂર,
ન ગાલોમાં અંજન, ન અધર અધીર, ન લસલસતું હાસ્ય,
એક મસ્તક ચહેરા વિનાનું, એક શરીર આલેખ વિનાનું,
ચહેરો ક્યાં ખોવાયો? ન ગામ, ન નામ, ન જાત, ન પાત
રખે ને જાણ્યું જીવે! શાને ચીતરવો ચહેરો ભિન્ન ભિન્ન
એક જ ભાવ, એક સુખ, એક દુ:ખ એક જ આશ નિરાશ
સદીઓથી એક જ ઓળખ, શલ્યા-અહલ્યા કે કાનન-મનન
સ્ત્રી એટલે એક લાલ લૂગડું, એક પાનેતર, એક ચોલી અજાણ

એક શરીર, એક મશીન, એક ઢીંગલી, એક જ નાત, એની શું આગવી પિછાણ
શાને ચહેરો જોઈએ તારે? તારે શાં નામ ને ઠામ? શાને આપવી ઓળખાણ

***