ગુજરાતી નિબંધ-સંપદા/હર્ષદ કાપડિયા/વરસાદ
હર્ષદ કાપડિયા
સવારે આંખ ખૂલે ત્યારે અંધારું હજી પૂરેપૂરું ઊડી ગયું ન હોય. વરસાદ આકાશમાંથી ઉજાસ લાવી લાવીને અંધારાને ધોવાની મથામણ કરતો હોય. પણ અંધારું કેમેય કરીને ન ધોવાય. સામેની લાકડાની બારી પર, મકાનની પાળી પર ઉજાસ રેલાયા કરે. એ વાછટ બનીને ચાલીને ભીંજવતો રહે. હું ઊંઘના આવરણ પાછળથી ડોકિયું કરીને ચારેકોર રેલાતા ઉજાસને જોયા કરું અને એવા જાપ જપ્યા કરું કે ખૂબ વરસાદ પડે તો આજે સ્કૂલ બંધ થઈ જાય.
વરસાદ ભેગો જરાક વધારે ઉજાસ ઊતરી આવે પણ વરસાદનું જોર ન વધે. એટલે કાનમાં સ્કૂલનો ઘંટ ગુંજવા માંડે એના તાલે તાલે તૈયાર થવાનું શરૂ કરું. યુનિફોર્મની ગડી ઉકેલું ને ખબર પડે કે વરસાદે તેના તાંતણા સાથે ઘરોબો બાંધી દીધેલો. એમ તો તેણે ચોપડીઓમાં પણ પગપેસારો કરેલો અને નોટબુકમાં લીટીઓનું મહોરું પહેરીને સંતાઈ રહેવા ધારેલું. એ પકડાઈ ગયો. પરંતુ મેં એને એમ ને એમ રહેવા દીધો.
સવારના આછા અંધારાને ઉજાસની સાથે નાસ્તાના ડબામાં ભરીને, દફતર ઉપાડીને બહાર નીકળું. બૂટમાં પગ મૂકતાંની સાથે માથા સુધી ભીનાશનું મોજું ફરી વળે. વરસાદે આણેલો ઉજાસ પી પીને શ્યામ બની ગયેલા લાકડાનાં પગથિયાં ઊતરીને ભોંયતળિયે આવું, મને સાંભળીને. દાદર નીચે ટૂંટિયું વાળીને બેઠેલું કૂતરું ઊભું થઈને શરીર ઝાટકે એમાં સંતાઈ રહેલો વરસાદ ચારેકોર દોટ મૂકે. એને પકડવા હું દોડું પણ છત્રી ઓઢીને.
ગલીનો આખો રસ્તો ખાલી. રસ્તામાં સૂઈ રહેતા લોકો વરસાદના દિવસોમાં ક્યાં સૂતા હશે એવી ફિકરનો ચમકારો થઈ જાય. ગલીનો રસ્તો પથ્થર જડેલો. પથ્થર પર ઉજાસ ચળકતો હોય ને બે પથ્થર વચ્ચેના પોલાણમાં વરસાદ ટાંપીને જ બેઠો હોય. મારો પગ ચૂકે એટલી વાર. એવી છાલક મારે કે આખો પગ ભીનો થઈ જાય.
ગલીની બહાર પગ મૂકતાંની સાથે મારી ગતિમાં લય આવે. ત્યારે મને છત્રીના ગુંબજની અંદર જોવાની મોકળાશ મળે. એ કાળા ગુંબજમાં ક્યાંક શુક્રનો તારો ઊગ્યો હોય ને ક્યાંક ઊગ્યો હોય મંગળનો તારો. વરસાદનું જરાક જોર વધે ને આ બધા તારા ટપકવા માંડે, ક્યારેક એ ટપકીને હોઠ પર પડે અને એ તારો ખારો લાગે.
પણ મેઇન રોડ પરથી જતી ટ્રામને જોતાંની સાથે એ ખારાશને ભૂલી જવાય. ઉપરના વીજળીના તાર પર ચળકતા વરસાદને પોતાની ચોટલી જેવી લાકડીથી ખંખેરતી ટ્રામ દોડતી દેખાય. એના પાટામાં ભરાઈ બેઠેલું પાણી ઊડતું હોય. ટ્રામને સામેથી જુઓ તો એમ જ લાગે કે એને પાણીની પાંખો ફૂટી છે અને એ પાંખો ફફડાવતી દોડી રહી છે. ટ્રામ પસાર થઈ જાય એટલે પાણી પાછું પાટામાં ભરાઈ જાય. બીજી ટ્રામની પાંખો બનવા માટે તૈયાર થઈ જાય.
નિશાળના કમ્પાઉન્ડ આગળ ઊભેલા છોકરાઓમાં એક છોકરો રેઇનકોટ ને ટોપી પહેરીને ઊભો હોય પણ એના હાથ ક્યાં? રેઇનકોટની બાંયો કાં લબડે? નજીક જાઉં ત્યારે સમજાય કે ચોપડાને ભીંજાતા બચાવવા તેણે હાથ અંદર રાખીને કે કોઈકની પાસે રેનકોટનાં બટન બંધ કરાવ્યાં છે, હું એની ટોપી ઉતારી લઉં. એ ટોપી બચાવવા હાથ કેવી રીતે કાઢે? એના માથા પર વરસાદ ઘણીબધી ટાપલીઓ મારે… પછી હું ટોપી પાછી પહેરાવી દઉં. ને ઘંટ વાગે ત્યાં સુધીમાં તો વરસાદ છીંક બનીને ત્રાટકે.
છત્રી અને રેઇનકોટમાં, બૂટમાં ને યુનિફૉર્મમાં, દફતર ને આખા શરીરમાં વરસાદ લઈને અમે બધા ક્લાસમાં પહોંચીએ ત્યારે આખો ક્લાસ બ્લૅકબોર્ડ જેવો દેખાય. એમાં બલ્બનો પીળો પ્રકાશ પથરાઈ જાય તોય કાંઈ ન વળે. અમે પ્રાર્થના ગાઈએ કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ત્યારે વરસાદ ખડખડ હસતો હોય. એના અંધરાને ઉલેચવાનું કોનું ગજું?
વરસાદે પાથરેલા અંધારાની હાજરીમાં આખા ક્લાસની હાજરી લેવાની હોય ત્યારે સરનો અવાજ અતલ ઊંડાણમાંથી આવતો સંભળાય. ભૂગોળના સરનો અવાજ વિષુપવૃત્તનાં બારમાસી જંગલોમાં ખોવાઈ જાય. ઇતિહાસના સર એમ ભણાવે કે પાણીની અછતને લીધે અકબરે ફતેહપુર સિક્રી છોડ્યું હતું.
એ સમયે ક્લાસરૂમની એક દીવાલમાં પાણી ફેલાવા માંડે. એની વાંકીચૂકી સરહદો વિસ્તરતી જાય ને સિકંદરની યાદ અપાવતી રહે.
એટલી વારમાં વરસાદે આણેલું અંધારું બલ્બના પીળા અજવાળા પર આક્રમણ શરૂ કરી દે. અજવાળું એમાં ઓગળતું જાય. આખા ક્લાસમાં પીળું અંધારું ઘેરું ને ઘેરું થતું જાય. એમ થાય કે નીકળી પડીએ. ધોધમાર વરસાદમાં સિકંદરની જેમ આગળ વધીએ. પણ ઇતિહાસના સર અકબરની વાત કરતા રહે. પરંતુ નિશાળનો ઘંટ કોઈ ન વગાડે. અમારી આંખો પીળા અંધકારમાં ઊંડી ને ઊંડી ઊતરતી જાય.