ગુજરાતી બાળવાર્તા સંપદા/જાદુઈ શબ્દ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જાદુઈ શબ્દ

યશવન્ત મહેતા

એક હતો છોકરો. પ્રિયમ એનું નામ. એક દિવસ એ ગુસ્સે થઈ ગયો. ધૂંઆંપૂંઆં થઈ ગયો. ઘર છોડીને નીકળી પડ્યો. રસ્તામાં પથરો આવ્યો. એને લાત મારીને ઉડાડી દીધો. શેરીનું કુરકુરિયું પૂંછડી પટપટાવતું આવ્યું. પ્રિયમે એનેય લાત જમાવી દીધી. બિચારું કાંઉ કાંઉ કરતું ભાગ્યું. પ્રિયમનો મિજાજ આજે ઠેકાણે નહોતો. આવા મિજાજમાં એ શહેરના બગીચામાં પહોંચ્યો. બગીચાની એક પાટલી પર એક દાદાજી બેઠા હતા. સફેદ વાળ અને સફેદ દાઢી-મૂછવાળા દાદાજી હતા. આંખે ચશ્માં હતાં. ચશ્માં પાછળથી એમની પ્રેમાળ આંખો જગત આખા ઉપ૨ હેત વરસાવતી હતી. એમના હાથમાં છત્રી હતી. છત્રી વડે તેઓ પાટલી નીચેની જમીન ૫૨ કશુંક લખતા અને ભૂંસતા હતા. પ્રિયમ તો બરાબર આ જ પાટલી પર જઈને બેઠો. મોં બગાડીને બોલ્યો, ‘આઘા ખસો. મને બેસવા દો.’ દાદાજી તો તરત જ ખસી ગયા. પ્રિયમને માટે પાટલી પર ખાસ્સી જગા કરી આપી. એમણે ગુસ્સો જોયો. એ હેતાળ અવાજે બોલ્યા, ‘કેમ દીકરા ! તું રિસાયો છે કે શું ?’ પ્રિયમે છણકો કર્યો, ‘તમારે કંઈ લેવા-દેવા ?’ દાદાજી જરાક હસ્યા, ‘તારી સાથે મારે કશી લેવા-દેવા નહિ, દીકરા. પણ મને લાગે છે કે તારે કોઈકની સાથે તકરાર થઈ છે.’ પ્રિયમ બોલ્યો, ‘તકરાર થઈ હોય તોય શું ! હું ઘેરથી નાસી નીકળ્યો હોઉં તોય શું ?’ દાદાજીએ માથું ધુણાવ્યું, ‘બરાબર ! તું નાસી નીકળે તોય મારે શું ? પણ નાસી નીકળવાનું કશુંક કારણ હશે ને ?’ પ્રિયમ કહે, ‘કા૨ણ છે જ ! પેલી રાધાને મેં ચાર તમાચા ચોડી દીધા ને !’ ‘તેં એને તમાચા કેમ ચોડી દીધા ?’ ‘એ મને રંગ નહોતી આપતી ! પેટી ભરીને રંગ લઈને બેઠી છે. મેં એક રંગ માગ્યો તો કહે કે નહિ દઉં, જા ! મારો મિજાજ છટક્યો. ચાર તમાચા જમાવી દીધા !’ ‘પછી ?’ ‘પછી મમ્મીએ મને માર્યું –’ ‘પણ બેટા, ખાલી આટલી વાતમાં કોઈ ઘર છોડીને ન નીકળે. બીજું પણ કંઈક થયું હશે.’ ‘થયું જ ને ! રસોડામાં દાદીમા સુખડી બનાવતાં હતાં. મેં કહ્યું કે મને સુખડી આપો ! દાદીમા કહે ભગવાનને ધરાવીને પછી આપીશ. પણ મેં તો બટકું લઈને ખાઈ જ લીધું. એટલે દાદીમાએ મારી બાજુ વેલણ ફેંક્યું !’ આટલું કહેતાં પ્રિયમ રડી પડ્યો. દાદાજી બોલ્યા, ‘દાદીમાએ તને વેલણ જોરથી માર્યું ?’ ‘ના, જરાક જ !’ ‘તું દાદીમાની સુખડી અજીઠી કરે, પછી દાદીમા ગુસ્સે થાય જ ને ! પણ એમણે કાંઈ તને જોરથી નથી માર્યું. એટલા માટે થઈને ઘરમાંથી નાસી જવાય ?’ ‘પણ.... પણ મને મોટા ભાઈએ સહેલ ન કરાવી !’ ‘શાની સહેલ ?’ ‘એમની નવી મોટરબાઈક ઉ૫૨ મને સહેલ ન કરાવી !’ ‘તેં એમને શું કહેલું ?’ ‘અરે, હું તો એમની બાઈક ઉપર ચડી જ ગયેલો !’ ‘એટલે એમણે બાવડું પકડીને ઉતારી મૂક્યો, ખરું ને ?’ ‘હા, દાદાજી ! તમને કેવી રીતે ખબર પડી ગઈ ?’ દાદાજી હસ્યા. પ્રિયમને ખભે હાથ મૂકીને બોલ્યા : ‘દાદાજીઓને બધી ખબર પડી જાય, બેટા ! અમને દાદાજીઓને તો બધા જાતજાતના જાદુ-મંતર આવડે. અમે બધું જાણી જઈએ.’ પ્રિયમ નવાઈ પામીને દાદાજી સામે જોઈ રહ્યો. એની આંખોમાં આંસુ સુકાઈ ગયાં હતાં. એમાં આશાની ચમક આવી ગઈ હતી. એ બોલ્યો, ‘તમને કેવાકેવા મંતર આવડે છે, દાદાજી ?’ દાદાજી કહે, ‘ઘણા મંતર આવડે છે. પણ તને કામ લાગે તેવો એક જ શબ્દનો મંતર છે. એ હું તને શીખવી દઉં તો તારું કામ થઈ જાય. પછી રાધા સાથે ઝઘડો ન થાય. દાદીમા વેલણ ન મારે. ભાઈ બાઈક પરથી ન ઉતારે !’ પ્રિયમ હસું-હસું થઈ ગયો. ‘ખરેખર, દાદાજી ? સાચે જ મને એવો મંતર શીખવશો ?’ દાદાજી કહે, ‘હા, બેટા ! જો, એ મંત૨નો શબ્દ છે : ‘પ્લીઝ’ મૂળે અંગ્રેજી ભાષાનો એ શબ્દ છે. તારે કોઈની પાસે કશું માંગવું હોય ત્યાં વાતને છેડે આ મંતર બોલવાનો.’ ‘કેવી રીતે ?’ ‘રાધા પાસેથી રંગ માગવો હોય ત્યારે આમ બોલવાનું : ‘મને જરા ગ્રીન રંગ આપીશ ? પ્લીઝ !’ દાદીમા પાસે સુખડી માગવી હોય ત્યારે કહેવાનું : ‘દાદીમા, મને ખૂબ ભૂખ લાગી છે. એક બટકું સુખડી આપશો ? પ્લીઝ !’ પ્રિયમ એકદમ પાટલી પરથી કૂધો. દોડતો-દોડતો ઘેર ગયો. રાધા કાગળ પર એના રંગો વડે ચીતરડા-ભમરડા કરતી બેઠી હતી. પ્રિયમને જોતાં જ એણે રંગો સમેટવા માંડ્યા. રંગ-પેટી ઉપર હાથ દબાવી દીધો. એને ડર લાગ્યો કે પ્રિયમ રંગો ઉપર ઝપટ મા૨શે. પણ પ્રિયમ બોલ્યો, ‘રાધાબહેની ! મને જરાક તારો ગ્રીન રંગ આપીશ ! પ્લીઝ !’ તરત જ ચમત્કાર થયો. રાધાએ ગ્રીન રંગની ટ્યૂબ કાઢીને ભાઈને આપી દીધી. પ્રિયમે પોતાના ચિત્રમાં એક ઝાડમાં ગ્રીન રંગ પૂરી લીધો. પછી રાધાને રંગ પાછો આપ્યો. એને પાછી સુખડી યાદ આવી હતી. એ ધીમે ડગલે રસોડા ભણી ગયો. આસ્તેથી રસોડાનું બારણું ખોલ્યું. પછી નરમ અવાજે બોલ્યો, ‘દાદીમા ! મને ખૂબ ભૂખ લાગી છે. સુખડીનું એક નાનકડું બટકું આપશો ? પ્લીઝ !’ ફરી વાર ચમત્કાર થયો. દાદીમાએ તો સુખડીનું મોટું બધું બટકું લીધું. પ્રિયમને આપ્યું. એને જ્યાં વેલણ વાગેલું ત્યાં પ્રેમથી પંપાળ્યો. પ્રિયમ ખુશ થઈ ગયો. દાદાજીનો મંતર તો ભાઈ, ખરેખરો જાદુઈ નીકળ્યો ! સુખડી ખાઈને ઘરના આંગણામાં આવ્યો. ત્યાં ભાઈ મોટરબાઈકને કપડું મારીને લૂછતા હતા. પ્રિયમ બોલ્યો : ‘લાવો ભાઈ, હું કપડું મારી દઉં. પછી જરા શહેરના બગીચા સુધી મને બાઈક પર લઈ જશો ? પ્લીઝ !’ ભાઈ કહે, ‘જરૂ૨ લઈ જઈશ, પ્રિયમ ! લે, કાળજીથી કપડું મારી દે. એટલામાં હું લાઈબ્રેરીમાં બદલવાનું પુસ્તક લઈ લઉં. અને.... તારે લાઈબ્રેરી જોવા આવવું છે ?’ પ્રિયમની ખુશીનો પાર ન રહ્યો. આ પ્લીઝ’નો મંતર તો ભારે જબરો ! ભાઈ બાઈક પર બેસાડવા તૈયાર થઈ ગયા, એટલું જ નહિ, લાઈબ્રેરી સુધી લઈ જવાની પણ વાત કરી ! એ બોલ્યો, ‘ભાઈ, મને લાઈબ્રેરી જોવાનું તો ખૂબ મન છે. પણ વચ્ચે બગીચામાં થોડીક વાર થોભવું છે. મારે એક દાદાજીને વંદન કરવાં છે.’ ભાઈએ પૂછ્યું, ‘એ કયા દાદાજી ? એમને વંદન કેમ કરવાં છે ?’ પ્રિયમ કહે, ‘હું આજે જ એમને બગીચામાં મળ્યો. એમણે મને એક જાદુઈ શબ્દ શિખવાડ્યો છે. જાદુઈ મંતર ! બસ, એ મંતર બોલો અને બધું કામ સહેલું થઈ જાય !’ ભાઈએ ફરી વાર પૂછ્યું : ‘એ કયો શબ્દ છે ?’ પ્રિયમ બોલ્યો, ‘પ્લીઝ !’ ભાઈ હસી પડ્યા. એ બોલ્યા, ‘પ્રિયમ ! એ કાંઈ જાદુઈ શબ્દ નથી. એ તો અંગ્રેજી ભાષાનો સાદો સરખો શબ્દ છે. એનો અર્થ થાય છે : ‘આપ રાજી થાવ ! ખુશી હો તો આટલું કરો !’ પ્રિયમ કહે, ‘તમને ભલે એ સાદો શબ્દ લાગતો હોય, ભાઈ ! મને તો જાદુઈ લાગ્યો છે. મારું તો મન કહે છે કે દરેક ભાષામાં આ જાદુઈ શબ્દ વાપરવો જોઈએ. હવે મોટરબાઈક સ્ટાર્ટ કરો, પ્લીઝ!’