ગુજરાતી બાળવાર્તા સંપદા/વામિકાનું ઝાંઝરિયું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વામિકાનું ઝાંઝરિયું

રામુ પટેલ ડરણકર

અમદાવાદ મોટું શહેર. એમાં વામિકા નામે એક નાનકડી છોકરી રહે. વામિકાને ઘરમાં સૌ “વામુ” કહીને બોલાવે. સાંભળીને વામિકા હરખાય. એ હસે ત્યારે એના ગાલે ખંજન પડે. એ જોઈને એની મમ્મીને વામિકા બહુ બહુ વહાલી લાગે. એના પપ્પા પણ મીઠું મીઠું મલકાય. એક દિવસ વામિકાના દાદા વામિકા માટે ઝાંઝર લાવ્યા. ઝાંઝર જોઈને સૌ ખુશ ખુશ થઈ ગયાં. દાદીએ તો વામિકાને ઝાંઝર પહેરાવી જ દીધાં. ઝાંઝર પહેરીને વામિકા કૂદકા મારવા લાગી. ઝાંઝરમાંથી ખનક ખનક રણકાર આવવા લાગ્યો. વામિકા કૂદતી જાય ને ઝાંઝર સામે જોતી જાય. સવારનો તડકો ઝાંઝર પર પડ્યો. ઝાંઝર તો એવાં ચમકે કે વામિકા તો જોતી જ રહી ગઈ. એને થયું કે દાદા મારા માટે તડકાનાં ઝાંઝર લાવ્યા છે. કૂદકા મારતી જાય ને ગાતી જાય.

“તડકાનાં હું ઝાંઝર પહેરી રૂમઝૂમ રૂમઝૂમ ચાલું
ખનક ખનક કૈં ઝાંઝર બોલે, હું તો મસ્તીમાં મ્હાલું.”

વામિકાને તડકો બહુ વહાલો લાગે. એવો વહાલો લાગે કે એ તો તડકા સાથે વાતો કરવા લાગે. એ તો તડકાને કહે કે, “તારે મારી સાથે રમવું છે?” તડકો પણ બહુ જબરો. “હોવ્વ” કહે અને કાલુ કાલુ બોલી વામિકાને હસાવે. પછી તો હસતાં હસતાં વામિકા ગાવા લાગે :

તડકો મારો દોસ્ત બનીને મારી પાસે આવે,
હળવે રહીને કાનમાં પૂછે : “મારી સાથે ફાવ્વે?”

વામિકા નિર્દોષ અને નમણી લાગતી. તેનો સ્વભાવ પણ સરળ હતો. એટલે એના દોસ્ત થવાનું સૌને ગમે. પશુ-પંખી પણ એના દોસ્ત બનવા તૈયાર. મમ્મી એને ખાવાનું આપે ત્યારે એ ધીમે ધીમે ખાય. એને ખાતાં જુએ કે તરત ચકલી, પોપટ, બિલાડીનું બચ્ચું. કુરકુરિયું સૌ આવીને ગોઠવાઈ જાય. વામિકા બધાંને થોડું થોડું ખવડાવે. સૌ ગેલમાં આવીને વામિકાની સાથે કૂદાકૂદ કરવા લાગે. આ રીતે વામિકા સાથે સૌની દોસ્તી જામી. એક દિવસ વામિકા ઉદાસ થઈને બેઠી હતી. વામિકા કોઈને કશું કહેતી ન્હોતી. સૂનમૂન થઈને તડકામાં બેઠી હતી. એના સૌ દોસ્તો ધીમે ધીમે એકઠા થયા. વામિકાને ઉદાસ જોઈને ચિંતામાં પડી ગયા. થયું એવું હતું કે વામિકા ઘરના બગીચામાં રમતી હતી ત્યાં ક્યાંક એનું એક પગનું ઝાંઝરિયું ખોવાઈ ગયું હતું. તેથી એ ઉદાસ થઈ ગઈ હતી. વામિકાએ આ વાત સૌને કહી કે તરત સૌ કામે લાગી ગયાં. ચકલી ચીં ચીં કરતી આખા બગીચામાં ઊડવા લાગી. ઘડીક જમીન પર કૂદકા મારતી જાય ને ઝાંઝરિયું શોધતી જાય. પોપટ પણ સીતારામ બોલતો બોલતો ઝાંઝરિયું શોધવા લાગ્યો. બિલાડીનું નાનકડું બચ્ચું પણ સૌને જોઈને “મ્યાંઉં”, “મ્યાઉં” કરતું જાય ને ઝાંઝરિયું શોધતું જાય. એટલામાં તો બગીચાના એક ખૂણેથી નાનકડું કુરકુરિયું કૂદકા મારતું મારતું આવે. એણે મોઢાથી ઝાંઝરિયાને બરાબર પકડેલું. વળી ઝાંઝરિયા પર તકડો પડે એટલે ઝાંઝરિયું ચમક ચમક થાય. બધાનું ધ્યાન એ તરફ ગયું. ત્યાં તો ચકલી, પોપટ, બિલાડીનું બચ્ચું સૌ નાચવા લાગ્યાં. ઝાંઝરિયું જોઈને સૌના આનંદનો પાર ન રહ્યો. સૌ દોસ્તોએ સાથે મળીને વામિકાને ઝાંઝરિયું પહેરાવી દીધું. ઝાંઝરિયું પહેરીને વામિકા એટલી ખુશ ખુશ થઈ ગઈ. સૌ દોસ્તોની સાથે નાચવા લાગી ને ગાવા લાગી :

“તડકાનાં હું ઝાંઝર પહેરી, રૂમઝૂમ રૂમઝૂમ ચાલું,
મુઠ્ઠીમાં પકડું તો છટકે, કેમ કરી હું ઝાલું?”

એટલામાં વામિકાના મમ્મી ઘરમાંથી મીઠાઈ લઈને આવી પહોંચ્યા. વામિકાએ સૌની સાથે ઉજાણી કરીને સૌ દોસ્તોને રાજી રાજી કરી દીધા. વામિકાના પપ્પાએ મનોમન સૌનો આભાર માન્યો.