ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ બાપુસાહેબ ગાયકવાડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ(બાપુસાહેબ ગાયકવાડ) : જ્ઞાની ને મરાઠી કવિ બાપુસાહેબ ગાયકવાડનાં, મહિના, પરજીઆ, રાજિયા, કાફી અને ગરબી રૂપે ઉપલબ્ધ થતાં ગુજરાતી ને ક્યારેક સાધુશાઈ હિંદીમાં રચાયેલાં દોઢસો જેટલાં પદ (મુ.)નો વિષય છે વૈરાગ્યબોધ. જ્ઞાનોપદેશ, ધર્મવેશ, બ્રાહ્મણશુદ્રભેદ અને બ્રહ્મજ્ઞાન એ ચાર શીર્ષકમાં વહેંચાયેલાં એમનાં ૭૦ જેટલાં પદોમાં જ્ઞાની કવિઓની માફક આમ તો તેઓ પણ આત્મજ્ઞાન, સાચી સમજણ ને સદ્ગુરુનો મહિમા કરે છે, પરંતુ તેમનું વિશેષ લક્ષ લોકજીવનમાંથી દૃષ્ટાંતો ઉપાડીને કટાક્ષનો આશ્રય લઈ ધર્મને નામે પાખંડ ચલાવતાં પંડિત, બ્રાહ્મણ, મુલ્લા, ગુરુ પર પ્રહારો કરવાનું છે અને એ બાબતમાં એમનાં પદ અખાના છપ્પાની વિશેષ નજીક જાય છે. જેમ કે, સંસારમાં પૂરેપૂરા આસક્ત છતાં વૈરાગ્યનો ઢોંગ કરનાર મનુષ્યોની ઉપદેશવાણીને કોરુંકટ માટલું ઝમવા જેવી વાત સાથે તેઓ સરખાવે છે. ૪-૪ ગરબીઓનાં ૧૦ અંગોમાં વહેંચાયેલી એમની ૪૦ ગરબીઓમાં મનુષ્યને માયામાં જકડી રાખનાર સ્ત્રી, ધન, પુત્ર, દેહ ઇત્યાદિની આસક્તિમાંથી મુક્ત થવાનો બોધ છે. પત્ની, માતા, દીકરી, બહેન, સાસુ વગેરેના મૃતપુરુષને સંબોધીને રચાયેલાં ‘ષડ્રિપુના રાજિયા’માં કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે ષડ્રિપુઓથી ભરેલા, મયાના બંધનમાં અટવાયેલા ને સાચા જ્ઞાનને વીસરી ગયેલા સાંસારિક મનુષ્યની જીવનકથની, વખતોવખત કટાક્ષનો આશ્રય લઈ કવિએ આલેખી છે. ‘બ્રહ્મબોધ’ની ૨૪ અને ‘જ્ઞાનોપદેશ’માંની ૬ કાફીઓમાં સાચું બ્રહ્મજ્ઞાન કોને કહેવાય, એવું બ્રહ્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એની વાત છે. તળપદી ભાષાનું જોમ અને દૃષ્ટાંતોમાંથી ઊપસતું તત્કાલીન લોકજીવન એમની પદરચનાઓની વિશિષ્ટતા છે. ‘મહિના/જ્ઞાનના દ્વાદશમાસ’ (ર.ઈ.૧૮૩૪)માં બ્રહ્મના અનુભવનો આનંદ વ્યક્ત કરતી કવિની વાણી કટાક્ષ ને બરછટતા છોડી ભક્તિભાવના ઉલ્લાસવાળી બની છે. “શાંતિ પમાડે તેને તો સંત કહીએ” જેવી આકર્ષક ઉપાડની પંક્તિઓવાળાં પદ પણ એમની પાસેથી મળે છે.[દે.દ.]