ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વસંતવિલાસ’-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘વસંતવિલાસ’-૨ : ઝૂલણાના ઉત્તરાર્ધની ૧૭ માત્રાના ઢાળની ૧ કડી અને દુહાની ૨ કડી એવા એકમની બનેલી ૨૬ કડીનું કવિ રામનું આ ફાગુકાવ્ય(મુ.) એના ભાષાસ્વરૂપને લક્ષમાં લેતાં અજ્ઞાત કવિના ‘વસંતવિલાસ’ પછી રચાયું હોવાની પૂરી શક્યતા છે અને તેમ છતાં ‘વસંતવિલાસ’કાર પછી ફાગુકાવ્યોમાં વ્યાપક બનેલા યમક સાંકળીવાળા ફાગુબંધને અનુસરવાનું વલણ આ કૃતિમાં ખાસ નથી - એ એની વિલક્ષણતા છે. પ્રારંભની પહેલી ૨ કડીઓમાં ગણપતિની સ્તુતિ કરતા ૨ સંસ્કૃત શ્લોકો મૂકી પછી કવિએ પ્રસંગવર્ણન શરૂ કર્યું છે. પહેલાં તો વસંતઋતુના પ્રારંભે પ્રવાસે ન જવા માટે કોઈ નાયિકા પોતાના પ્રિયતમને વીનવે છે, પરંતુ પ્રિયતમ એ વિનંતીની અવગણના કરી ચાલ્યો જાય છે એવું સમજાય છે. પાછળથી નાયિકા તે રુક્મિણી અને નાયક કૃષ્ણ છે એવું સ્પષ્ટ થતાં એ કૃષ્ણના વિરહમાં ઝૂરતી રુક્મિણીના વિરહભાવને આલેખતું કાવ્ય બની રહે છે. કામોદ્દીપક વસંતવર્ણન, વિરહવ્યાકુળ રુક્મિણીનો ભ્રમર સાથે કૃષ્ણ ને સંદેશો મોકલવો કે કૃષ્ણ ક્યારે આવશે એ માટે એનું જોષી પાસે જવું જેવી વીગતો આમ તો પરંપરાનુસારી છે, પરંતુ કવિની ભાષાની પ્રૌઢિ તથા અભિવ્યક્તિની કુશળતાને લીધે રુક્મિણીવિરહનું આલેખન મર્મસ્પર્શી બન્યું છે. એ રીતે કૃષ્ણાગમન પછી વાસકસજ્જા રુક્મિણીનો આનંદ પણ ‘હરખ અંગ મુઝ અંગિ ચંદન વીંટિયો જાણે ભૂયંગ’ કે ‘કૃષ્ણ તરુઅર અમ વેલ’ જેવી ઉત્પ્રેક્ષાઓ દ્વારા મનોરમ રીતે અભિવ્યક્ત થયો છે. ‘જિમજિમ’ ‘તિમતિમ’ ‘ધનધન’ ‘અંગિઅંગિ’ જેવી વ્યાપક રીતે થયેલી શબ્દની દ્વિરુકિતથી કે એકના એક વાક્યઢાળાના આવર્તનથી કવિએ કાવ્યને ભાવોત્કટ અને ગેયત્વયુક્ત અંશોવાળું બનાવ્યું છે. કાવ્યના અંત ભાગમાં કૃષ્ણે જેમ પોતાની મિલનની આશા પૂરી કરી તેમ સહુની આશા પૂરી કરજો એમ રુક્મિણી કહે છે ત્યારે કાવ્ય કૃષ્ણભક્તિના સંસ્કરવાળું બને છે. [જ.ગા.]