ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અપ્રસ્તુતપ્રશંસા
અપ્રસ્તુતપ્રશંસા : અર્થાલંકારનો એક પ્રકાર. અપ્રસ્તુત વાતનું વર્ણન કરીને કવિ જ્યારે પ્રસ્તુતનું સૂચન કરે છે ત્યારે અપ્રસ્તુત અલંકાર બને છે. અપ્રસ્તુત અને પ્રસ્તુત વચ્ચે કાર્યકારણભાવ, સામાન્યવિશેષભાવ કે સાદૃશ્ય જેવો કોઈ સંબંધ હોય છે. આ સંબંધને આધારે અપ્રસ્તુતપ્રશંસાના પાંચ પ્રકાર માનવામાં આવ્યા છે. ૧, કાર્ય પ્રસ્તુત હોય અને કારણરૂપ અપ્રસ્તુતનું કથન કરવામાં આવે, ૨, કારણ પ્રસ્તુત હોય અને કાર્યરૂપ અપ્રસ્તુતનું કથન કરવામાં આવે, ૩, સામાન્ય પ્રસ્તુત હોય અને વિશેષરૂપ અપ્રસ્તુતનું કથન કરવામાં આવે, ૪, વિશેષ પ્રસ્તુત હોય અને સામાન્યરૂપ અપ્રસ્તુતનું કથન કરવામાં આવે, ૫, તુલ્ય પ્રસ્તુત હોય અને અપ્રસ્તુત તુલ્યાન્તરનું કથન કરવામાં આવે. ત્રીજા પ્રકારનું ઉદાહરણ જોઈએ : ‘પગ સ્પર્શ થતાં માત્ર મસ્તકે ઊડી પહોંચતી/અપમાને ય રહે શાંત, એવાથી ચઢતી રજ.’ અહીં અપમાન સહેવું ઉચિત નથી. ધૂળ પણ પગનો આઘાત પામતા ઊડીને આઘાત કરનાર મનુષ્યના મસ્તકે પહોંચી જાય છે એ સામાન્ય વિધાન પ્રસ્તુત છે પણ એને એની પ્રતીતિ વિશેષ વૃત્તાન્ત દ્વારા કરવામાં આવી છે.
જ.દ.