ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઘ/ઘટનોત્તર
Jump to navigation
Jump to search
ઘટનોત્તર(Nachtraglich): મનોવિશ્લેષણ વર્તમાનના અર્થ ઘટન માટે ભૂતકાળને તપાસે છે. મનોરોગીઓના વૃત્તાન્તનું પગેરું કાઢવા જતાં ફ્રોઈડને લાગેલું કે ખરેખર પોતે વ્યક્તિઇતિહાસને તપાસતો હતો છતાં મનોરોગીના નિવેદનમાં કાલ્પનિક તત્ત્વો ભળી ગયેલાં હતાં. આનું કારણ એ છે કે સ્મૃતિ જે તે લાગણીઓ જન્માવે છે તે લાગણીઓ ઘટના ખરેખર બની હોય તે સમયે હાજર હોતી નથી. ઘટના બની ગયા પછી એનું અર્થઘટન આપવામાં આવતું હોય છે. આનું સાદૃશ્ય નવલકથાવાચનમાં શોધવામાં આવ્યું છે અને દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે વાચકની સામે કથાંશક્રમ (Sjuzet) આવે છે અને એમાંથી એ કઈ રીતે કથાંશસંખ્યા (Fabula) જુદી તારવતો હોય છે. વાચકને કારણો અને સંબંધો શોધીને મનોવિશ્લેષકની જેમ, અર્થની પુન:પ્રાપ્તિ માટે સમયમાં પાછા હટી મથવાનું હોય છે.
ચં.ટો.