ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભારતીય અને પાશ્ચાત્ય નાટ્યઘટકોની તુલના
ભારતીય અને પાશ્ચાત્ય નાટ્યઘટકોની તુલના : સંસ્કૃત નાટ્ય-શાસ્ત્રના અને અલંકારશાસ્ત્રના ગ્રન્થમાં નાટકનો દૃશ્યકાવ્ય તરીકે સ્વીકાર થયો છે અને એનાં મુખ્ય અંગ તરીકે ઇતિવૃત્ત (કથાનક), ચરિત્ર અને રસને ગણાવ્યાં છે, જ્યારે પાશ્ચાત્ય નાટ્યવિચારણામાં એરિસ્ટોટલે નાટકનાં છ અંગ ગણાવ્યાં છે : કથાનક, ચરિત્ર, કાર્યવિચાર, દૃશ્ય અને સંગીત. ઉપરાંત ભારતીય સંસ્કૃત નાટ્યપરંપરામાં मधुरेण समापयेत्ના સૂત્રને અપનાવવાથી કથાનો અંત હંમેશાં મધુર જ રહ્યો છે; જ્યારે પાશ્ચાત્ય નાટ્યવિચારણામાં સંઘર્ષ કે કટોકટીનું તત્ત્વ મુખ્ય રહેવાથી નાટક દુઃખાન્ત પણ હોઈ શકે છે. સંસ્કૃત નાટ્યવિચારણામાં નાટકના ક્રમિક કાર્યવિકાસને સંધિઓ અને કાર્યાવસ્થાઓથી દર્શાવવામાં આવે છે, તો પાશ્ચાત્ય નાટ્યવિચારણામાં નાટ્યવિકાસના પાંચ તબક્કાઓ આ રીતે સૂચવાયેલા છે : ઉદ્ઘાટન (Exposition); પ્રવેશ (Introduction), ક્રિયાચઢાવ (Rising action), ક્રિયાઉતાર (Falling action), અને નિર્વહણ (Catastrophe) વળી, પાશ્ચાત્ય નાટ્યવિચારણાનું જુદું પડતું મહત્ત્વનું લક્ષણ એ છે કે એમાં ત્રણ એકતાના સ્થાનની ચર્ચા કેન્દ્રસ્થાને રહી છે. ચં.ટો.