ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વીકૃત શબ્દો
Jump to navigation
Jump to search
સ્વીકૃત શબ્દો (Borrowed or loan words) : એક ભાષાથી બીજી ભાષામાં આવેલા અને ચલણી થયેલા શબ્દો. દરેક ભાષાના ઇતિહાસમાં ક્યારેક ને ક્યારેક સંજોગ કે સંપર્ક અનુસાર પરભાષાનો પ્રભાવ થોડેઘણે અંશે જોવા મળે છે. બીજી ભાષાનો શબ્દ હોવાથી એ ખોટો છે એવો અભિપ્રાય બાંધવા કરતાં જે ભાષામાં એ શબ્દ પ્રવેશે એની સાથે એ સુસંગત કે અનુકૂળ બને છે કે કેમ એ તપાસવું વધારે મહત્ત્વનું છે. ભાષાની સ્વાભાવિક વિકાસક્રિયામાં જડતાપૂર્વક જે છે તેને સ્વીકારી રાખવાનો આગ્રહ હમેશાં અવરોધરૂપ છે. ગુજરાતી શબ્દભંડોળ અને વાક્યભંડોળમાં પરભાષાના અનેક પ્રભાવ નોંધવા પડે તેમ છે. ફારસી, પોર્ટુગીઝ, મરાઠી, દ્રવિડી શબ્દોથી માંડી હિંદીની કે વ્રજની વાક્યછટાઓ સહજ રીતે ગુજરાતીમાં દાખલ થયેલી છે.
ચં.ટો.