ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/સંપાદકનું નિવેદન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સંપાદકનું નિવેદન

ગ્રંથાલયશાસ્ત્રની તાલીમમાં એ વાત આવતી હતી કે ગ્રંથપાલની એક મહત્ત્વની ફરજ સંદર્ભસેવા પૂરી પાડવાની છે. કૉલેજના ગ્રંથપાલ તરીકે આવી સેવા આપવાના પ્રસંગો ખાસ આવતા ન હતા. આથી ૧૯૭૨માં સ્વતંત્ર રીતે સંદર્ભસૂચિનું કંઈક કામ કરી ગ્રંથપાલનો ધર્મ બજાવવાની અને લીધેલ તાલીમને લેખે લગાડવાની ઇચ્છા થઈ. મારી ક્ષમતા અને ગ્રંથાલયોની પ્રાપ્ય સગવડને લક્ષમાં લઈ ગુજરાતી સાહિત્યની સૂચિ તૈયાર કરવા પર પસંદગી ઉતારી. ફુરસદના સમયમાં કાર્ડ-કૅટલૉગ કરવાનું આરંભ્યું. એ ધીમેધીમે ચાલતું હતું તેમાં ૧૯૭૪નું નવનિર્માણનું આંદોલન આવ્યું અને એણે ગૂજરાત વિદ્યાપીઠ વગેરે સંસ્થાઓનાં ગ્રંથાલયોનો સઘન ઉપયોગ કરવા માટે સમયની મોકળાશ પૂરી પાડી. કામને જોઈતો વેગ આથી મળી ગયો. ૧૯૭૯ સુધીમાં તો ઘણી સામગ્રી એકઠી થઈ ગઈ અને સંદર્ભસેવા પૂરી પાડવાના જાહેર પ્રસંગો આવવાથી મારા કામને પ્રસિદ્ધિ મળી અને વ્યક્તિગત પૂછપરછ આવવા લાગી. શરૂઆતમાં આ માટે હું ઘણો ઉત્સાહી રહેતો, પણ આ રીતે સંદર્ભસેવા આપવામાં કેટલીક અગવડો પણ અનુભવાવા લાગી. કામ શરૂ કર્યું ત્યારે એ કયું સ્વરૂપ લેશે, કેટલું ઉપયોગી થશે, પ્રકાશનક્ષમ બનશે કે કેમ એ કશા વિશે વિચાર કર્યો નહોતો. પરંતુ સંદર્ભસેવા આપવાના પ્રસંગો આવ્યા ને એની ઉપયોગિતા પ્રમાણિત થઈ તેનાથી આનંદ થયો. શ્રી નિરંજનભાઈ ભગતે મારા આ સૂચિકાર્યમાં રસ લીધો અને એમના સૂચનથી તૈયાર થયેલી ‘મહાનિબંધ વર્ગીકૃત સૂચિ’ આર. આર. શેઠની કંપનીએ પ્રકાશિત કરી. શ્રી ભગતભાઈ શેઠના સૌહાર્દપૂર્ણ આગ્રહથી ‘ઉદ્ગાર’માં સાહિત્યવિષયક સૂચિઓ પ્રસંગોપાત્ત આપવાનું શરૂ કર્યું અને સૂચિપુસ્તિકા શ્રેણીનું પણ વિચારાયું. એ દરમિયાન શ્રી નિરંજન ભગત સારાભાઈ ફાઉન્ડેશન તરફથી સૂચિગ્રંથ પ્રગટ કરવાની દરખાસ્ત લઈને આવ્યા. એમણે સૂચિસામગ્રી ડૉ. ચિમનભાઈ ત્રિવેદી અને શ્રી જયંતભાઈ કોઠારીને બતાવી. ગ્રંથસ્વરૂપ અંગે નિર્ણય લેવાનું સૂચવ્યું. સામગ્રીની વિપુલતાને કારણે એનું વિભાજન કરવાનું વિચાર્યું અને પહેલો ગ્રંથ મધ્યકાલીન કર્તાઓ અને કૃતિઓની સૂચિનો કરવો એમ નક્કી કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી થતા ગુજરાતી સાહિત્યકોશનો પ્રથમ ખંડ મધ્યકાલીન કર્તાઓ અને કૃતિઓનો હતો. આ ગ્રંથ એના પૂરક ગ્રંથ તરીકે કેટલેક અંશે કામ આપી શકે એવો પણ ખ્યાલ હતો. ૧૯૮૦માં સારાભાઈ ફાઉન્ડેશનને આ સૂચિગ્રંથ પ્રકાશન માટે સોંપવામાં આવ્યો, પરંતુ ફાઉન્ડેશનથી આનું પ્રકાશન શક્ય બન્યું નહીં અને ૧૯૮૩માં મારે હસ્તપ્રત પાછી મેળવી લેવી પડી. ગુજરાત સાહિત્ય અકાદમીના ઉત્સાહી મહામાત્ર શ્રી હસુભાઈ યાજ્ઞિક અને અધ્યક્ષશ્રી સમેત અન્ય સૌ કાર્યવાહકોની સદ્ભાવનાથી આજે આ સૂચિનું પ્રકાશન શક્ય બન્યું છે તેથી હું મારા શ્રમની સાર્થકતા સમજું છું. લાંબા સમયગાળામાં ટુકડે ટુકડે આ સૂચિ તૈયાર થઈ છે. એ દરમિયાન મારી સૂચિદૃષ્ટિ અને પદ્ધતિમાં કેટલોક ફેરફાર થઈ ગયો હશે. મારી સજ્જતા આરંભમાં ઓછી પણ હશે. આ બધાંને કારણે સૂચિમાં કેટલીક મુશ્કેલીઓ રહી જાય એ સ્વાભાવિક છે. કેટલીક સરતચૂકો પણ થઈ હશે. વળી મેં ઉપયોગમાં લીધેલા ગ્રંથોમાં અપાયેલી સંદર્ભસૂચિઓ પણ અહીં સમાવી લીધી છે. એની ચકાસણી કરવાનું બની શક્યું નથી. એટલે એમાં ખોટી માહિતી હોય તો મારી સૂચિમાં પણ એમ જ આવે. ડૉ. ચિમનભાઈ ત્રિવેદીએ મારી સૂચિ પર નજર કરી છે અને શ્રી જયંતભાઈ કોઠારીએ તો બેત્રણ તબક્કે એને ચકાસી છે, છતાં સૂચિ અદોષ બની હશે એમ કહેવાય તેમ નથી. છપાયા પછી પણ કેટલીક મહત્ત્વની ભૂલો પકડાઈ છે તે શુદ્ધિપત્રકમાં દર્શાવી છે. અભ્યાસીઓ પણ અન્ય શુદ્ધિવૃદ્ધિ સૂચવી આ વિદ્યાસાધનને વધારે ઉપયોગી બનાવશે તો હું અત્યંત ઋણી થઈશ. જેવી છે તેવી આ સૂચિ આપણા અભ્યાસીઓને અનેક રીતે સહાયરૂપ થશે જ એવો વિશ્વાસ છે ને અનેક લોકોએ એવો વિશ્વાસ પ્રેર્યો પણ છે. તેથી જ આ પ્રકાશન થાય છે. મારા કાર્યમાં જુદેજુદે તબક્કે જે વ્યક્તિઓ ને સંસ્થાઓએ રસ લીધો છે ને મને પ્રોત્સાહિત કર્યો છે તે સૌનો હું અહીં હૃદયપૂર્વક આભાર માનું છું. ભાઈ રોહિત કોઠારીએ આ પ્રકાશનને સુઘડ બનાવવા જહેમત ઉઠાવી છે તેની પણ મારે સાભાર નોંધ લેવી જોઈએ.

૩૪–૨૭૭, વિદ્યાનગર
અમદાવાદ–૩૮૦ ૦૧૫.
તા. ૧૮–૩–૧૯૮૪
પ્રકાશ વેગડ