ગુજરાતી સૉનેટકાવ્યો/પિતાજીને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧૩. પિતાજીને

મણિલાલ હ. પટેલ

તમે જીવ્યા એવું : ભરચક મહીસાગર સમું
હવે એને કાંઠે તવ શબ મૂકીને નમું નમું;
વહ્યાં પાણી કેવાં કઠણ કપરાં : તોય મલકે!!
તમારો ચહેરો હું નજર ભરું ને હૈયું છલકે...

નદીનાં પાણી ખેતર પકવતાં, મૉલ લણતા -
તમે દાદા સાથે, અમ પણ હતાં, પંખી ચણતાં;
હજી ઊભાં છે આ તટ પર જુવો ખેતર, કહે :
‘ગયો ભેરુ મારો!’ પવન પણ થંભ્યો, નવ વહે...!

પખાળી કાયાને સરિત જળથી, શાંત કરવા
ઘણા સંતાપોથી હૃદય બળતું, આજ ઠરવા...
કપોલે ભાલે ને ઉર ઉપર અંઘોળ કરતાં
નર્યા ઘીનો! અંતે શબ અગન મૂકી કગરતા...
ઉરે ઊઠે આંધી : ઘણું ય પજવ્યા માફ કરજો
તમારી પેઢી તો શુભ શિવ પથે! શાંતિ ધરજો.