ગુજરાતી સૉનેટકાવ્યો/પિતૃકંઠે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૮૩. પિતૃકંઠે

ભગવતીકુમાર શર્મા

જૂની સૂકી હવડ કશી આ ગંધ ફેલાઈ ઊઠી
જ્યાં ચર્રાઈ કડડ ઊઘડી ભૂખરી કાષ્ઠપેટી!
પીળાં આડાં બરડ સઘળાં પૃષ્ઠ તૂટ્યાં ખૂણેથી
પોથીઓમાં હજી શ્વસી રહ્યાં કાળની કંડિકા શાં.

પીંછું કોઈ મયૂરનું નર્યું રંગઝાંયેથી રિક્ત,
પોથીમાંથી સરસરી રહે પાંદડું પીપળાનું
જાળીવાળું, કુસુમ-કણિકા, છાંટણાં કંકુકેરાં,
પૃષ્ઠે પૃષ્ઠે કર-સ્પરશથી ડાઘ આછા પડેલા
ભેદી લાંબો પટ સમયનો વર્તમાને પ્રવેશી
સર્જી લેતાં પળ-વિપળમાં સૃષ્ટિ લીલી સ્મૃતિની.

થંભી’તી જે જરઠ પશુ શા મૃત્યુના થૉર-સ્પર્શે
સંકોરાઈ કણસતી નિરાલમ્બ ને ઓશિયાળી
ગુંજી ઊઠી અમુખર ઋચા સામવેદી સ્વરોની
વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે.