ગુજરાતી સૉનેટકાવ્યો/પ્રતીક્ષા
Jump to navigation
Jump to search
(શિખરિણી)
૧૩૫. પ્રતીક્ષા
સ્નેહલ જોશી
ગયો ડૂબી અંતે દિનકર હવે થાક લઈને,
બધા પંખીઓની ગમનગતિ થાશે તરુ ભણી.
દિશાઓના અંતે સઘનગહનો રક્તવરણું –
હતી એવી કોઈ તમસ સમીપે પશ્ચિમદિશા.
ફર્યા છે સૌ પાછાં, પરત નવ આવ્યા પ્રભુ હજી;
વિચારે છે એવું તરુ પર કપોતી હૃદયથી.
સૂનો છે એ માળો, જગત પણ ઈપ્સા વગરનું,
કરે ભીની આંખે, હૃદયગભરુ દૃષ્ટિ ક્ષિતિજે.
બધાં પારેવાંઓ પ્રબળ પરિરંભે સનમને,
વિલાપે છે મુગ્ધા સજળનયને એ નિરખતાં.
નથી કોઈ આશા અવગત પુનઃ આગમનની –
વિચારોથી એવા, તડફડ થતી ભગ્નહૃદયા.
મૂકાયું છે એ યૌવન સકળ વાર્ધક્ય શરણે,
છતાં ઝાંખી તોયે, નજર ફરતી પશ્ચિમનભે!