ગુજરાતી સૉનેટકાવ્યો/બાને
Jump to navigation
Jump to search
૯૧. બાને
મણિલાલ દેસાઈ
ગયાં વીતી વર્ષો દશ ઉપર બે ચાર તુજથી
થયે જુદા, તો યે મુજ હૃદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા! તું નવ કદી હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તુંજ સઘળું.
હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહીં રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈ છ બદલી.
ઘણી વેળા રાત્રે ઝબક જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય શમણાં!
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં,
વધે છે વર્ષો તો દિન દિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની?