ગુજરાતી સૉનેટકાવ્યો/લગ્નોન્મુખ બાલાને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬૭. લગ્નોન્મુખ બાલાને

રામપ્રસાદ શુકલ

કપોલે કામશ્રી, નયનસ્મિતની ખંજનકલા,
પ્રભાલીલા લોલે લઘુક લળતાં ગાત્ર નમણાં,
પ્રતીકો એ બાલે! નવઉગમનાં યૌવન તણા,
તને અર્પે શોભા, છલબલ છટા વીજચપલા.

વિલાસી ભ્રૂભંગો, પ્રણયભરતીના પરિબળે
હલેતો શો મૌગ્ધ્યે ઉરપ્રભવ પેલો અધખુલો
છકેલો શો ઘેલો! મદભર મરોડે મલપતો,
અધીરાં અંગોનો વિભવ છલકાવે પળપળે.

નદીના ભ્રૂભંગો, તરલ વહનો ને નરતનો
ઉછંગે સિંધુના વિભવ ઠલવી શાંત બનતાં;
ઉમંગે શોષાઈ રસધર પયોદે પસરતાં
હસે હાસોલ્લાસે અવનિ; ક્રમ એ છે મરમનો.

સહુ સૌન્દર્યોની સરણી ઢળતી સર્જન વિષે,
ભલે તો રેલે આ લટકમય લીલા મિષમિષે.
(‘બિન્દુ’)