ગુજરાતી સૉનેટકાવ્યો/વાંસળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧. વાંસળી

અરદેશર ફરામજી ખબરદાર

તેં ગવાડ્યું મને બધું તેમ હું ગાઈ ગયો,
મારાં કંઠ અને રસના તારાં યંત્ર હતાં;
વનવાંસ સમો તારે હાથ નિમિત્ત થતાં;
મારા નાથ! હું તો તારી વાંસળી જેવો થયો;

મારો સૂર હશે પણ શ્વાસ તો તારો રહ્યો,
તારો અર્થ ભર્યો મહીં તેં મારા શબ્દ છતાં;
તારી અંગુલિએ મારાં વીંધ દબાઈ જતાં
મારી પોકળતાએ શો દિવ્ય પ્રલાપ ગ્રહ્યો!

આ સૌ ગીત છે મારાં જ એમ હું કેમ કહું?
તારી ફૂંક વિના એક સૂર યે ના ખીલતો :
નાથ! કેમ ધરી રાખું તારું મીઠું મુખડું—

તું વજાડી મને બાજુ મૂકે તે કેમ સહું?
તારા સૂરને હું ઉરમાં ઝીલતો ઝીલતો
બની ટૂકડા ત્યાં તારા હાથ મહીં જ પડું!
(‘નંદનિકા’)