ગુજરાતી સૉનેટકાવ્યો/વિદાય (૨)
Jump to navigation
Jump to search
૧૦૭. વિદાય
કુલીનચન્દ્ર યાજ્ઞિક
વિદાય! વસમી ઘડી! વરસ કૈં વીત્યાં દોહ્યલાં,
સરસ્વતી ઉછંગમાં, ઉર ઉમંગ-ઉત્સાહમાં;
કંઈ વળી નિરાશામાં; ક્વચિત્ સાગરે જ્ઞાનના
પીયૂષલવ પામવાં; કદીક આત્માની ખોજમાં.
વિયોગ! કપરી પળો! સ્વજનથી થવું જૂજવા,
તજી મધુર ગોઠડી, સ્મરણ માત્ર લૈ સાથમાં!
વિદાય, મુજ ભેરૂઓ! સફર-સાથીઓ! બાંધવો!
તટસ્થ સહુ સાક્ષીઓ! પ્રતીપ પથ્યના એ! વિદા!
વિચાર, મન! નિત્ય કેવળ અહીં પરિવર્તનો
અનિત્ય જગમાં, થઈ પ્રગટ અત્ર અવ્યક્તથી,
જરીક રમી વ્યક્તમાં, સરી જવું જ અવ્યકતમાં-
નિસર્ગ તણી રીત આ; ત્યહીં ન મોહ કે શોક ના!
વિમુક્ત અવ સંચરો, ચરણ! પંથ શોધો નવા,
નવી જ કંઈ સાધના, તપ નવીન, યજ્ઞો નવા!
(‘ઉદીચ્ય’, તા. ૧૬-૦૭-૧૯૯૨)