ગુજરાતી સૉનેટકાવ્યો/સ્ત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૮. સ્ત્રી

ઉશનસ્‌

બપોરી વેળા છે, દૃગ મળી ગયાં છે દિવસનાં
જરી થાકે, ઘેને; મુજ ઘરની સામે જ લીમડા –
નીચે શેરી વચ્ચે પ્રહર વિરમ્યો છે ક્ષણભર,
છૂટ્યાં છે ગાડાંઓ શ્રમિત તરુછાયાતલ અને
ધુરાથી છૂટેલા બળદ અરધાં નેન મીંચીને
પૂળાનો વાગોળે કવલ સુખની કો સ્મૃતિ સહ;
સખી, ઑફિસે એ પણ અવ ગયા ખાઈ કરીને,
(પ્રભુ! મારું હેવાતન અમર ર્‌હો ર્‌હો કુશલ એ;)
ગયું આટોપાઈ ઘરનું સઘળું કાર્ય, ઘરનું
રસોડું ધોવાઈ લગભગ સુકાયું-હું નવરી
સખી, આ વેળાએ સહજ ક્ષણ જો ચિત્ત નિજની
ધુરા છોડી—થોડું હળવું થઈને જાય ઊતરી
અતીતે, આઘેના સ્થળ મહીં, બીજા એક જણની
સ્મૃતિનો વાગોળે કવલ, પૂછું : એ પાપ જ હશે?