ગુજરાતી સૉનેટકાવ્યો/સ્હવાર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭૬. સ્હવાર-૧

નલિન રાવળ

ફૂલોના ઝાકળે નાહી રૂપાળાં શમણાં સર્યાં,
સુંવાળાં પગલાં એનાં શોધતા તારકો પળ્યા,
વૃક્ષના ઊઘડ્યા ચ્હેરા, અંધારાં પાતળાં થયાં,
ચંદ્રના સ્મરણે ભીનાં વાદળાંઓ વહી રહ્યાં.

પ્રભુની કવિતા જેવાં સુવર્ણકિરણો ફૂટ્યાં,
આંખમાં આંજીને એને દિશાઓ પાર ખૂંદવા
વાયુની અંગુલિ સાથે અંગુલિઓ ભરાવતાં
મેંય તે ચાલવા માંડ્યું, પથો સૌ ગોઠિયા મળ્યા!

તૃણની ક્ષિતિજો લીલી આંબવા દૃષ્ટિ માહરી
(લયમાં દોડતી વેગે ગીતની પંક્તિના સમી)
સ્પંદને હૂલવી હૈયું પર્ણમાં પર્ણ થૈ ઠરી,
ડોલતા દ્રુમની ડાળી આનંદભારથી લચી.

ટહુકો પંખીનો ગુંજ્યો, મુગ્ધ થૈ પંખીએ અહો,
કંઠને પર્ણમાં વ્હેતો...વ્હેતો વ્હેતો કરી દીધો!
(‘ઉદ્‌ગાર’)