ગુજરાતી સૉનેટકાવ્યો/હવે તું...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦૬. હવે તું...

રામચન્દ્ર પટેલ

તમે પ્હેલાંવ્હેલાં મુજ સમય મોઘો બની અહીં
વહી આવ્યાં ત્યારે જડ પથર હું ઉંબર હતો
પડેલો દ્વારે : ત્યાં કુસુમ સરખાં કંકુપગલાં
અડ્યાં; જાગી ઊઠ્યો તરત થઈને મોર કલગી
જઈ બેઠો સાખે : પછી નીરખું તો તોરણ તમે
રહ્યાં મ્હેકી,.... પાછો હું સરકી જઈ કુંજર સમ
થયો પાણિયારું... ઉતરડ બની તામ્રવરણી
ઊગી મોરી ઉઠ્યાં, ઝગુંમગું થઈ ચોક ટહુક્યો.

વલોણું, સાંબેલું, જલ-સભર બેડું, વળગણી,
તવી, ચૂલો, ઘંટી, વળી દહીંની દોણી, નિસરણી.
બધાંની વચ્ચે તું ઉજળું ઉજળું છાપરું થઈ
ઠરે એ પ્હેલાં તો ઉતરી ગઈ લૂખા લીંપણમાં..

હવે તું લોહીમાં હલચલી પછી લિસ્સું સરતી
ચિતા બે આંખોની નિત સળગી ચિત્કાર ભરતી.