ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/કવિતા (પીએચ.ડી.)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨. કવિતા
૧. શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યનું સ્વરૂપ : ઉદ્ભવ અને વિકાસ
સંશોધક : ચિનુ મોદી
માર્ગદર્શક : પ્રો. મોહનભાઈ પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૬૯
પ્રકાશન વર્ષ : ઈ.સ. ૧૯૭૩

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ સાત પ્રકરણોમાં વિભાજિત છે. જેમાં શોધકર્તાએ કવિ કાન્તે ઉત્તમ રીતે ખેડેલાં કાવ્યસ્વરૂપ ખંડકાવ્ય વિશે વિસ્તારથી અભ્યાસ રજૂ કર્યો છે. આ અભ્યાસમાં ખંડકાવ્યનો ઉદ્ભવ, આ સ્વરૂપને મળતી કેટલીક પ્રાચીન સંસ્કૃત કાવ્યરચનાઓ, ખંડકાવ્યનું સ્વરૂપ, તેનાં વિવિધ લક્ષણો, વિદ્વાનો દ્વારા અપાયેલી ખંડકાવ્યની વિવિધ વ્યાખ્યાઓ, સંશોધકની પોતાની આ કાવ્યસ્વરૂપ વિશેની સમજ વગેરે મુદ્દાઓની ઝીણવટપૂર્વક ચર્ચા રજૂ કરેલ છે. ઉપરાંત ખંડકાવ્ય તથા અન્ય સાહિત્ય સ્વરૂપો વચ્ચેના સામ્ય-વૈષમ્ય સંદર્ભે વિદ્વાનોની વિચારણા તથા પોતાની વિચારણા રજૂ કરી છે. શોધકર્તાએ મૌલિક રીતે ખંડકાવ્યના બે પ્રકારો દર્શાવ્યા છે (૧) અ-ખંડકાવ્ય (૨) પ્રતિખંડકાવ્ય. શોધકર્તાએ કવિ કાન્તથી માંડીને ન્હાનાલાલ, બ.ક.ઠાકોર, ખબરદાર, બોટાદકર, ઉમાશંકર, સુંદરમ્, ઉશનસ્, સ્નેહરશ્મિ, પ્રહ્લાદ પારેખ, મકરંદ દવે, રાજેન્દ્ર શાહ, લાભશંકર ઠાકર, ચન્દ્રકાન્ત ટોપીવાળા વગેરે આધુનિક સાહિત્યકારોની કૃતિઓને આ સ્વરૂપની દૃષ્ટિએ તપાસી છે. ગુજરાતીમાં ખંડકાવ્યનું સ્વરૂપ, તેનો વિકાસ તેનાં સ્વરૂપ સંદર્ભે ઊભા થયેલા પ્રશ્નો વગેરેની સઘન ચર્ચા સંશોધકે કરી છે.

૨. શીર્ષક : અર્વાચીન ગુજરાતી કવિતામાં વ્યક્ત થતો ભક્તિનો ઉન્મેષ
સંશોધક : નિરંજના ચં. દીક્ષિત (વોરા)
માર્ગદર્શક : પ્રો. મોહનભાઈ પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૭૫
પ્રકાશન વર્ષ : ઈ.સ. ૧૯૮૪

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ છ પ્રકરણોમાં વિભાજિત છે. જેમાં સંશોધનકર્તાનો હેતુ અર્વાચીન ગુજરાતી કવિતામાં વ્યક્ત થતી ભક્તિભાવનાની ઝલક દર્શાવવાનો રહ્યો છે. તે માટે સંશોધનકર્તાએ કોઈ વિશિષ્ટ કાવ્યપ્રકાર કે સંપ્રદાયનો સહારો લીધા સિવાય અહીં સહજ રીતે ગઝલોમાંનો સૂફીવાદ, ભજનોમાં વ્યક્ત થતી નિર્ગુણ ભક્તિ, રાધા-કૃષ્ણ વિષયક ગીતો-કાવ્યો અને શ્રી અરવિંદથી પ્રેરાઈ રચાયેલાં સૉનેટ-ગીતોને કેન્દ્રમાં રાખી તેની વિષયવસ્તુ તથા પ્રકારની દૃષ્ટિએ ચર્ચા કરી છે. ઉપરાંત ભક્તિનું સ્વરૂપ, ઉદ્ભવ, વિકાસ, પ્રકારો, તથા મહિમા વિશેની ચર્ચા રજૂ કરી છે. ‘ધર્મ અને કવિતા’ પ્રકરણમાં ધર્મની વિભાવના, તેનું મહત્ત્વ કવિતાનું જીવનમાં મહત્ત્વ, આ બંનેનો પરસ્પર સંયોગ વગેરે વિશે વાત કરી છે. મધ્યકાલીન ભક્તિ પરંપરા અને મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતાના વિવિધ વિષયો તથા તેમાં રહેલાં કાવ્યતત્ત્વનો પરિચય કરાવ્યો છે. આર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રગટતો ભક્તિભાવ તથા તેના વિશેનું તેમનું દર્શન ઉદાહરણ સહિત રજૂ કર્યું છે. તદુપરાંત વિવિધ ભક્તિ પ્રકારોને કેન્દ્રમાં રાખી રચાયેલી ગુજરાતી કવિતાનું મૂલ્યાંકન રજૂ થયું છે. અંતિમ પ્રકરણમાં અર્વાચીન ગુજરાતી ભક્તિ કવિતાનો વિકાસક્રમ આલેખ્યો છે. જેમાં દલપત-નર્મદથી માંડીને ચંદ્રકાન્ત શેઠ, માધવ રામાનુજ, બેફામ વગેરે કવિઓની ભક્તિકવિતાનો સમાવેશ કર્યો છે.

૩. શીર્ષક : સાંપ્રત ગુજરાતી કવિતામાં મનુષ્યની આંતર-બાહ્ય સંબંધ-સૃષ્ટિનું નિરૂપણ (૧૯૫૫ પછીની પસંદ કરેલી કાવ્ય સામગ્રીના આધારે)
સંશોધક : પિનાકિની ડી. પંડ્યા
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૫
પ્રકાશન વર્ષ : ઈ.સ. ૨૦૦૮

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ નવ પ્રકરણોમાં વિભાજિત છે. જેમાં સંશોધનકર્તાએ ઈ.સ. ૧૯૫૫ પછીની કેટલીક પસંદ કરેલી કવિતાને કેન્દ્રમાં રાખી તેમાં નિરૂપાયેલ આંતર-બાહ્ય માનવ સંબંધો વિશેનું ઊંડું દર્શન રજૂ કર્યું છે. ઉમાશંકર જોશી, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, પ્રિયકાન્ત મણિયાર, જયંત પાઠક, ઉશનસ્, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, સુરેશ જોષી, ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ, સિતાંશુ યશશ્ચંદ્ર વગેરે મહત્ત્વના કવિઓની રચનાઓને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં અને પછી માનવ-સંબંધોમાં કેવાં પરિવર્તનો આવે છે તે બાબતને પ્રકૃતિ, નગર, જાત, ઈશ્વર, જગત વગેરે જુદાં જુદાં તત્ત્વો સંદર્ભે તપાસીને તેની સાથેનો માનવીનો સંબંધ દર્શાવી આપ્યો છે. અહીં ઉપરોક્ત તત્ત્વો સાથેના માનવીના આંતર-બાહ્ય સંબંધોનું વિવિધ કવિઓની રચનાઓ દ્વારા સુંદર વિશ્લેષણ રજૂ કર્યું છે. આ સંદર્ભે વિવિધ કાવ્યસ્વરૂપો તથા પ્રકારો ધરાવતી કાવ્ય રચનાઓનો ઊંડાણથી અભ્યાસ રજૂ થયો છે.

૪. શીર્ષક : ભક્તિ ને રામકથાની પરંપરા અને મધ્યકાલીન ગુજરાતી કાવ્યધારા
સંશોધક : હંસા ભાવસાર
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૬

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધનકર્તાએ મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મર્યાદા પુરુષોત્તમ રામ વિષયક કવિતાને કેન્દ્રમાં રાખી પોતાનો અભ્યાસ રજૂ કર્યો છે. સૌ પ્રથમ ભારતીય સાહિત્યમાં નિરૂપાયેલ ભક્તિ પરંપરાનો ઊંડાણથી પરિચય કરાવ્યો છે. ભારતીય સાહિત્યમાં નિરૂપાયેલ વિવિધ ભક્તિ સંપ્રદાયો તથા પંથોની વિગતે વાત રજૂ કરી છે. ઉપરાંત ભારતીય સાહિત્યમાં રજૂ થયેલ શ્રી રામ વિષયક સાહિત્યિક પરંપરાની વાત કરી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના લગભગ સાડા ચારસો વર્ષના સમયગાળા (નરસિંહ થી દયારામ) દરમિયાન પ્રાપ્ત થતી જૈનેતર ગુજરાતી રામકવિતાની મહત્ત્વની લાગતી કૃતિઓ વિશે વિગતે ચર્ચા રજૂ કરી છે. તો કેટલાક ગૌણ કવિઓ તથા કૃતિઓનો અછડતો ઉલ્લેખ પણ કર્યો છે. સંશોધકે મધ્યકાલીન ગુજરાતી રામકવિતાની કવિ, કૃતિ તથા શતકવાર ચર્ચા રજૂ કરી છે. જેમાં ભાલણ, કર્મણમંત્રી, માંડણ, સુરદાસ, વિષ્ણુદાસ, નાકર, શ્રીધર વ્યાસ, પ્રેમાનંદ, લક્ષ્મીદાસ, નરહરિ, ગોવિંદ, રાણાસુત, વજિયો, હરિદાસ, તુલસી, મોરાર, રાઘવદાસ, અનુભવાનંદ, રાજારામ, રણછોડદાસ, શામળ, પ્રભુરામ, દિવાળીબાઈ, પુરીબાઈ, કૃષ્ણાબાઈ, રાધાબાઈ, ગિરધર, ધીરો ભગત, દાસી જીવણ વગેરે મધ્યકાલીન કવિઓની રામવિષયક કવિતાનું મૂલ્યાંકન અહીં રજૂ કર્યું છે.

૫. શીર્ષક : મુસ્લિમ ગઝલકારોનું ગુજરાતી ગઝલમાં પ્રદાન (શયદા, મરીઝ, શૂન્ય, સૈફ અને બેફામના સંદર્ભમાં)
સંશોધક : ધીરજભાઈ જસાભાઈ પરમાર
માર્ગદર્શક : ડૉ. ચિનુ મોદી
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૦

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધનકર્તાએ શયદા, મરીઝ, શૂન્ય પાલનપુરી, સૈફ તથા બેફામ વગેરે મહત્ત્વના મુસ્લિમ ગઝલકારોનો એમનાં ગુજરાતી ભાષામાંના પ્રદાનને કેન્દ્રમાં રાખીને અભ્યાસ રજૂ કર્યો છે. પ્રકરણ-૧માં ગઝલનું સ્વરૂપ, તેનું ગુજરાતીમાં અવતરણ, ગઝલનાં આંતર-બાહ્ય લક્ષણો વિશે વિગતે ચર્ચા રજૂ કરી છે. પ્રકરણ-રમાં ગુજરાતી ગઝલ સાહિત્યની વિકાસરેખાનો વિસ્તારથી પરિચય આપ્યો છે. ત્યાર બાદ શયદા, મરીઝ, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી તથા બેફામની ગુજરાતી ગઝલોનાં ઉદાહરણો રજૂ કરી, ગઝલના સ્વરૂપને કેન્દ્રમાં રાખી તેની વિશેષતા-મર્યાદાઓ દર્શાવી આપી છે. ઉપરોક્ત ગઝલકારોએ ગઝલક્ષેત્રે કરેલા વિવિધ પ્રયોગો ઉદાહરણ સહિત રજૂ કર્યા છે. અંતે ઉપસંહાર તથા સંદર્ભસૂચિ રજૂ કરી છે.