ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/આવજો — મકરન્દ દવે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આવજો!

મકરન્દ દવે

કોક દી રે નવરાશ વેળાએ
આવજો આંહીં નિશંક-
બેસશું કૂણા ઘાસ પરે આ
જામફળીને અંક.
નમતી હશે સાંજ સુનેરી
ઢળતું હશે તેજ,
કોઈ નાનેરા પંખીને બેસણે
પાંદડાં હલશે સ્હેજ.
સૂરજ ડૂબે સાવ તે પહેલાં
ઊજળા દિનનું ગીત—
આપણે ધીમે ગાઈ એકાદું
આછરી લેશું ચિત્ત.
જીવનના આ વહેતા પ્રેમનું
દોરશું આછું ચિત્ર,
કોક દી તો નવરાશ વેળાએ
આવો અજાણ્યા મિત્ર!

અલવિદા કે આમંત્રણ?

'આવજો' મકરન્દ દવેએ આપણને મોકલેલી આમંત્રણપત્રિકા છે. ઍપૉઇન્ટમૅન્ટની ડાયરી જોવાની જરૂર નથી. ‘કોક દી રે નવરાશ વેળાએ' નવરાધૂપ હોઈએ ત્યારે જવાનું છે. 'રે’—આ એક અક્ષરના અમીછાંટણથી કવિએ આજ્ઞાનું અરજમાં રૂપાંતર કર્યું છે. ચલ ચોઘડિયું પૂરું થયું હોય, અને ચન્દ્ર નવરાશના નક્ષત્રમાં હોય, ત્યારે આપણે જવાનું છે. કેટલીક દુકાનોમાં પાટિયું હોય, 'કામ સિવાય બેસવું નહીં.' કવિ જાણે કહે છે, ‘કામ હોય તેણે આવવું નહીં.' ‘આવજો આંહીં નિશંક' 'આંહીં' એટલે ક્યાં? પિનકોડ પૂછતો આવે તે ભૂલો પડે અને ટહુકા સાંભળતો આવે તે પહોંચી જાય. ‘નિશંક' જેવો ગીતમાં જવલ્લે પ્રયોજાતો સંસ્કૃતગંધી શબ્દ અહીં તાજગીભર્યો લાગે છે. ‘નિશંક આવજો'ના બે અર્થ —શંકાકુશંકા કર્યા વગર આવજો, અને ચોક્કસ આવજો. લોકગીતનાં આમંત્રણોમાં પ્રલોભનો હોય—મખમલનાં આસન દેશું, રૂપાના બાજોઠ દેશું આ ગીતમાં કવિએ જાજમ તો તૈયાર રાખી છે, પણ ઘાસની. ‘બેસશું કૂણા ઘાસ પરે આ જામફળીને અંક.' ઘાસ કૂણું છે પણ રૂપાના બાજોઠથી ઊણું નથી. અંક (ખોળો) પાથરતી હોય, તેમ જામફળીએ છાંયડો પાથર્યો છે. કેવળ જામફળીને છાંયડે બેસવાની વાત નથી, કુદરતને ખોળે બેસવાની પણ વાત છે. 'આ જામફળી' — જામફળી જાણે સામે હોય, તેમ કવિ ચીંધીને બતાવે છે. વેપારી જુએ જામફળને અને કવિ જુએ જામફળીને. કવિએ ક્યાં ફળ ખાવું છે? તેમણે તો પોરો ખાવો છે. કવિ લીલાછમ એકાંતમાં નવરાશને અઢેલીને બેઠા છે. ‘નમતી હશે સાંજ સુનેરી, ઢળતું હશે તેજ',—સૂરજ આથમણે જવામાં છે, જીવન પણ. બપોર બળબળતી હતી, દહાડો દઝાડનારો હતો, પણ કવિને એટલું જ યાદ છે કે દિન ઊજળો હતો. ‘કોઈ નાનેરા પંખીને બેસણે પાંદડાં હલશે સ્હેજ.' કવિની હયાતી હળવી છે, નાનેરા પંખી જેવી. સૂરજ સાવ ડૂબે એ પહેલાં એમણે શું કરવું છે? ઊજળા દિનનું ગીત ગાવું છે. ખલીલ જિબ્રાનના 'પ્રોફેટ' (અવધૂત) વિદાય લેતી વેળાએ ઉપદેશો આપતાં જાય છે. મકરન્દ દવે, આ ગીત પૂરતા, પ્રોફેટ નથી પણ પોએટ છે. ઉપદેશો નથી આપતા પણ ગીત ગણગણે છે, એકાદું, એ પણ ધીમેથી. ‘આછરી લેશું ચિત્ત’ જળની જેમ ચિત્ત પણ આછરવાથી સ્વચ્છ થાય. ઝળૂંબતી જામફળી, આથમણે જતો સૂરજ, ઊતરતું પંખી, હલતાં પાંદડાં, ફરફરતું ઘાસ… જીવન ચિત્ર નહીં પણ ચલચિત્ર છે. આ વહેતા પ્રેમને આપણે ચીતરવાનો છે. ‘આછું ચિત્ર’—વૉટર કલર્સમાં આછાં રંગેલાં પ્રકૃતિચિત્રો રળિયામણાં લાગે. વિગતવાર ચીતરવાનો હવે સમય નથી. જીવનને આવડ્યું એવું આછું—પાતળું દોરશું. ગીતના આરંભની અને અંતની પંક્તિઓ સરખાવો:

'કોક દી રે નવરાશ વેળાએ આવજો..…’
‘કોક દી તો નવરાશ વેળાએ આવો..”

બે ફેરફાર થયા. 'રે'ને ઠેકાણે ‘તો’ આવ્યું, તેડામાં તાકીદ ભળી. અને ‘આવજો'નું 'આવો' થયું. અરજી ગઈ અને અનુરોધ આવ્યો. ‘અજાણ્યા મિત્ર’— કવિ જાણ્યાઅજાણ્યા સૌને મિત્રભાવે જુએ છે. હેતથી કહે છે, માથે પગ લઈને બહુ દોડ્યાં! હવે પગ વાળીને બેસો. 'આવજો' - આમ જુઓ તો અલવિદા અને આમ જુઓ તો આમંત્રણ. આપણે ક્યાં જવાનું છે? કવિને ગામ? વલસાડ પાસે? ના રે. આપણી જામફળી આપણે જ આંગણે ઊગેલી છે.

***