ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/ભાવ-પ્રતિભાવ — નીતિન મહેતા
નીતિન મહેતા
ચળકતી હવામાં ધ્રૂજતી બપોરને
ગૂંથતા હોઈએ
મન તો ઊડાઊડ કરે
પ્રશ્નો તો ઘણા થાય
સાલ્લું આપણા ફલાણા-ઢીંકણાનું શું થશે ?
કાલે ૯-૩૫ની ફાસ્ટ ટ્રેનમાં જગ્યા મળશે કે નહીં ?
આ વખતે રેશનિંગમાં કેવા ચોખા મળશે ?
બાજુવાળા મનુભાઈની દીકરીના લગ્નમાં શું આપીશું ?
આવા ને તેવા સાલ્લા ઘણા પ્રશ્નો થાય
કવિતામાં તેની કંઈ વાત થાય ?
પણ બેઠા છીએ
ને જોઈએ છીએ બધું
કોઈ આવે ને જાય છે
કોઈ ઊભે છે ને બેસે છે
કોઈને જે કૈં કરવું હોય તે
કરે છે
પણ આપણે તો બેઠા છીએ
ને કૉફી પીએ છીએ
ને જોયા કરીએ છીએ અરીસાની જેમ બધું
દીવો મનમાં ટમટમે છે.
શું થશે જગતનું કે આપણું ?
શી ખબર ?
ફરવા આવ્યા છીએ
ને ફરીએ છીએ અહીં ત્યાં
આપણે તો બેઠા છીએ
કોફી પીતા ને માથું ખંજવાળતા ફોગટના.
મન તો બંધાય પણ ખરું
મન તો રહેંસાય પણ ખરું
મન તો વળી મુંઝાય પણ
ને રઘવાયું થાય ને રાજી પણ થાય
તેનું જે થવાનું હોય તે
થવા દઈએ
વારંવાર મને આમ થાય છે
મારા મનમાં તેમ થાય છે
તેમ લવલવાટ કરી
ભાષાની પત્તર શું ખાંડાખાંડ કરવાની ?
વળી કોઈ વિવેચક પાછા
ભાષાપ્રજ્ઞ કહે તો ?
તેથી તો એમ જ કૉફી પીતા
બેઠા છીએ ને
જોઈએ છીએ સાંજના આકાશને
કોઈ આવે તેને આવવા દઈએ
જાય તેને જવા દઈએ
આપણે શું કરવાના ?
આપણે તો ઠાલા ઠોકાયા છીએ
અહીંયાં અત્યારે આ ક્ષણે
ભંગુરતાને હાથમાં રમાડતા
છીએ તે છીએ
અને નથી તો થોડા હોવાના ?
તેથી તો કૉફી પીતા ખોડાયા છીએ
અહીંયા અકસ્માતભરી હયાતીને
પાંપણમાં પટપટાવતા.
જગત ભલેને જખ માર્યા કરે
આપણે તો એમ જ
અમથા બેઠા છીએ
કોલ્ડ કૉફી વિથ આઇસ્ક્રીમ હાથમાં લઈને.
- નીતિન મહેતા
ઠીક છે, માણસ છે, કવિ છે, જરા જુદી રીતે વાત કરે, એના જ તો પૈસા મળે છે એને. ઉજાસવાળી બપોરે પવનમાં બેઠા છીએ, એવું ન બોલે. ચળકતી હવામાં ધ્રૂજતી બપોરને ગૂંથવાની વાત લખે.
ઘૂંટીઘૂંટીને, બે’લાવીને કે’વાનું મન થાય એવી વાત્યું તો વ્યાસ મારા’જ ને વાલ્મીકિ બાવાના નસીબમાં. આજકાલના કવિએ બોલચાલની ભાસાથી જ ચલાવવું પડે. સબ્દો ફફડ્યા કરે ફૂદાંની માફક. કવિ સું બોલી ગયા, એક્ઝેક્ટલી, એ યાદ ના’વે પણ વાતાવરણનો સવાદ રહી જાય. હવે તમારે ઝાપટામાં ભીંજાવું છે કે ટીપાં ગણવાં છે ?
***