ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/વૈશાખનો બપોર — રામનારાયણ પાઠક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વૈશાખનો બપોર

રામનારાયણ પાઠક

રામનારાયણ વિ. પાઠક એવા સાક્ષર હતા, જેમના નામ પાછળ ‘સાહેબ' મૂકવું જ પડે. એમણે ‘દ્વિરેફ' ‘સ્વૈરવિહારી' અને ‘શેષ' તખલ્લુસથી અનુક્રમે વાર્તા, નિબંધ અને કાવ્ય રચ્યાં. વળી ગુજરાતી ભાષાનું અધિકૃત પિંગળશાસ્ત્ર રચ્યું. 'વૈશાખનો બપોર' એ પાઠકસાહેબે મિશ્રોપજાતિ છંદની ૯૨ પંક્તિમાં સર્જેલું દીર્ઘકાવ્ય છે.

શીર્ષક ધ્યાનથી વાંચો. વૈશાખ એટલે કાળઝાળ ઉનાળો, એમાંય પાછો બપોર. આયખાની આકરી વેળાનું આ કાવ્ય છે.

‘વૈશાખનો ધોમ ધખ્યો જતો'તો
દહાડો હતો એ કશી કૈં રજાનો'

ધોમ ધખતા બપોરની અસર કવિએ આમ વર્ણવી છે: શહેરનાં લોક ઊંઘ પૂરી કરીને આળસમાં પડ્યાં હતાં, ખેલતાં બાળક જંપી ગયાં હતાં, કોકિલ ટહુકવું વીસર્યો હતો, વિહગ પર્ણઘટામાં સંતાયાં હતાં. શહેર દિવસે ન ઊંઘે, બાળક રમવું ન મૂકે, કોયલ વૈશાખે ટહુકે જ, અને પંખી પાંખ વાળીને ન બેસે. પરંતુ તડકાએ એ સૌનું ચૈતન્ય હરી લીધું હતું. આવા વાતાવરણમાંયે જેણે શેરીએ શેરીએ ભટકવું પડે તેની લાચારી કેવી હશે!

‘ત્યારે મહોલ્લા મહીં એક શહેરના
શબ્દો પડ્યા કાનઃ 'સજાવવાં છે
ચાકુ સજૈયા છરી કાતરો કે?'
ખભે લઈને પથરો સરાણનો
જતો હતો ફાટલ પહેરી જોડા,
માથે વીંટી ફીંડલું લાલ, મોટું
કો મારવાડી સરખો ધીમે ધીમે'

છરી-કાતરને સજાવવા(તેમની ધાર કાઢી આપવા) કો મારવાડી સમો, ફરતો હતો. તેની દબાયેલી દશા કવિએ આમ દર્શાવી છે: ખભે ભારી પથરો, ફાટલ જોડા, ધીમી ચાલ. તેની પાછળ આઠેક વર્ષનો દુબળો બાળક, ઉઘાડે માથે અને ઉઘાડે પાય, ટૂંકે પગલે ખેંચાતો હતો. કારીગરે બાળકને સધિયારો આપ્યો:

‘એકાદ કૈં જો સજવા મળે ના,
અપાવું તો તૂર્ત તને ચણા હું'

ચણાની આશાએ બાળકે સાદ દીધો, 'સજાવવાં કાતર ચપ્પુ કોઈને!' કવિ ચાઇલ્ડ લેબરના દૂષણો વિશે પ્રવચન આપતા નથી,કેવળ સંકેત કરે છે. શિખાઉ, કાલો સ્વર સાંભળીને મેડીની બારીઓ ટપોટપ ઊઘડી. પણ વિલાયતી અને જાપાની અસ્ત્રા-છરી વાપરનારા દેશી સરાણે શું સજાવે? કોકે પૂછ્યું: અલ્યા તું કયાંનો? લોકોમાં કુતૂહલ છે, પણ કરુણા નથી. કારીગર છેક મારવાડથી આવ્યો હતો એ જાણીને એકે દેશની ગરીબી વિશે નુકતેચીની કરી, બીજાએ કારીગરો નવા હુનર શીખતા ન હોવાની ફરિયાદ કરી, ત્રીજાએ ટાપસી પૂરી કે સરાણ પર એકને ઠેકાણે બે માણસોની શી જરૂર? આપણને મરીઝનો શેર યાદ આવે:

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે

કારીગરની વેદના વહેંચી લેવાને બદલે સૌ એની જ સરાણ પર એની વેદનાની ધાર કાઢે છે. અન્યને દોષ દેવાથી પોતાની જવાબદારીમાંથી છટકી શકાય છે. કારીગર સાદ પાડતો આગળ ચાલ્યો અને પેલો બાળક...

'જળે પડેલા પડઘા સમું મૃદુ
બોલ્યોઃ 'છરી ચપ્પુ સજાવવાં છે?'

મહોલ્લાવાસીઓના હૈયામાં જોકે પડઘો ન પડ્યો. બાળકનું કષ્ટ જોઈ ન શકાવાથી કારીગર બોલી પડ્યો,‘અરે ભાઈ ભૂખ્યા છીએ, દ્યો,આધાર કૈં થાય જરાક પાણીનો!' પન્નાલાલ પટેલે ‘માનવીની ભવાઈ'માં કહ્યું છે: ભૂખથી ભૂંડી ભીખ છે.ભૂખ શરીરને મારે છે પણ ભીખ તો આતમાને મારે છે. અહીં બાળકનું પાત્ર તરીકે હોવું સપ્રયોજન છે. જો એકલો કારીગર હાથ લંબાવતે, તો વાચકને વિશેષ સહાનુભૂતિ ન થતે. મહોલ્લાવાસીઓનો પ્રતિભાવ કેવો હતો? એકે કહ્યું, દેશ આખો ગરીબોનો છે, કોને દઈએ ને કોને નહિ! બીજો બોલ્યો, આ તો રાજ્યની ફરજ. ત્રીજો વદ્યો, સ્વરાજ એ જ સાચો ઉપાય. ચોથાએ કહ્યું, દયા તો બુર્ઝવા કલ્પના છે. એક સ્ત્રી બોલી, ટાઢું પડેલું આપી દઉં તો રાતે સિનેમા પછી ખાઈશું શું? (ગરીબ કોણ? કારીગર કે મહોલ્લાવાસીઓ? પાઠકસાહેબની આરસીમાં કોણ દેખાય છે? હું કે તમે?) ગાંધીયુગનું પ્રતિનિધિત્વ કરતી આ રચના છે.

‘મહોલ્લો તજી શહેર બહાર નીકળ્યા'- કારીગર અને બાળક શહેરની બહાર નીકળી ગયા. કવિએ ‘તજી' શબ્દ સકારણ પ્રયોજ્યો છે. ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ?' એવો ગુરુદત્તનો અને સાહિર લુધિયાનવીનો સ્વર જાણે સંભળાય છે. મજૂર અને ભિખારીની મંડળી છાયે બેઠેલી નજરે ચડી. (ધોમ ધખતા બપોરમાં આખરે છાયો મળ્યો.) આ અદના માણસોએ ગાંઠ-પડીકાં ઉઘાડીને કારીગર અને બાળકને કહ્યું:

‘અરે જરા ખાઈ પછીથી જાજો!'
હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,
ને કૂતરાને બટકુંક નીર્યુ.
દયા હતી ના, નહિ કોઈ શાસ્ત્રઃ
હતી તહીં કેવળ માણસાઈ!'

પડીકા વહેંચ્યાં, પીડા યે વહેંચી. નિર્ધનોએ કૂતરાને બટકું નીર્યું, એમ કહી કવિએ ભદ્ર સમાજ પર ભારે કટાક્ષ કર્યો છે. આ મંડળીમાંના કોઈએ સમાજધર્મ કે રાજ્યધર્મની ચર્ચા ન કરી, માત્ર માનવધર્મ નિભાવ્યો.

***