ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ચરિત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચરિત્ર

હવે વળીએ કલા અને શાસ્ત્ર બંનેનાં તત્ત્વોના સુમેળવાળા સાહિત્યપ્રકાર ચરિત્ર તરફ. વીતેલા દાયકાનો ચરિત્ર-વિભાગ સૌથી વધુ માતબર છે. એમાં નાની મોટી મળીને લગભગ ૧૫૦ કૃતિઓ પ્રગટ થઈ છે. એમાં સરદાર વલ્લભભાઈનું વિસ્તૃત જીવનચરિત્ર છે તો ‘શુક્રતારક' જેવું રસાળ જીવનચિત્ર પણ છે; ‘અડધે રસ્તે' જેવી સર્જનાત્મક આત્મકથા છે તો ‘મહાદેવભાઈની ડાયરી' જેવી અપૂર્વ રોજનીશી પણ છે; 'આચાર્ય આનંદશંકરભાઈ' જેવી પૂજયભાવથી નીતરતી સંસ્મરણ-પુસ્તિકા છે તો ‘લિ. સ્નેહાધીન મેઘાણી' જેવું મુલાયમ પત્રસાહિત્ય પણ છે; સાંદિપનીનાં (? સાંદીપનિનાં) રેખાચિત્રો અને 'ગ્રામચિત્રો' જેવાં વિવિધ વર્ગનાં પ્રતિનિધિઓનાં રેખાચિત્રો છે તો 'આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉય' જેવી ટૂંકી અને બોધક જીવનકથા છે. એના ચરિત્રનાયકોની સૃષ્ટિ વિવિધ કાળ, દેશ અને ક્ષેત્રમાં વ્યાપ્ત છે. સ્વતેજે ઘૂમી વળી પોતાના વ્યક્તિત્વને ચિરસ્મરણીય બનાવી જનાર શંકરાચાર્યથી માંડીને ભીમજી હાડવૈદ્ય સુધીના વિખ્યાત-અવિખ્યાત જીવનની અનેકદેશીય સામગ્રી આ દાયકાના ચરિત્રસાહિત્યમાં સાંપડે છે. કબીર, મીરાં અને શ્રીમન્નૃસિંહાચાર્યજી જેવા સંતો-ભકતો, શંકરાચાર્ય, મહાવીર જેવા ધર્મસંસ્થાપકો, લૂઈ-પાશ્ચર અને મૅડમ ક્યૂરી જેવા વૈજ્ઞાનિકો, રવિશંકર મહારાજ અને મોતીભાઈ અમીન જેવા મૂક પ્રજાસેવકો, કસ્તુરબા જેવી આત્મસંપત્તિવાળી આદર્શ નારીઓ, ઝાંશીની રાણી લક્ષ્મીબાઈ, ફ્રાન્સની રણચંડી જોન ઑવ્ આર્ક અને વીર સુભાષ જેવાં ક્રાન્તિ-સેનાપતિઓ, સરદાર વલ્લભભાઈ જેવા લોખંડી રાજ-પુરુષ, પં. ભગવાનલાલ ઈન્દ્રજી જેવા પુરાતત્ત્વવિદ, કલાપી અને સાગર જેવા મસ્ત કવિઓ, નવલરામ જેવા ધીર વિવેચક : આમ યાદી કરીએ તો પાર ન આવે એટલી બધી વ્યક્તિઓનાં જીવનચરિત્ર લખાયેલાં છે. આ સૌમાં ગાંધીજી વિશે તો પાંત્રીસથી ય વધુ ચરિત્ર-પુસ્તકો મળે છે. આ દાયકાનું કોઈ વર્ષ એવું કોરું નહિ ગયું હોય, જેમાં ગાંધીજીના ચરિત્ર વિશેનું કોઈ ને કોઈ પુસ્તક પ્રગટ થયું નહિ હોય. સર્વતોમુખી વ્યક્તિત્વ ધરાવનાર આવા મહાન પુરુષના જીવનનું પ્રતિબિંબ અનેક ગ્રંથોમાં ઝિલાતું રહે એમાં કશું આશ્ચર્ય પણ નથી. પરંતુ ચરિત્રગ્રંથોનું પ્રમાણ અને ચરિત્રનાયકોની સૃષ્ટિનું વૈવિધ્ય જેટલું સંતોષપ્રદ છે તેટલું ચરિતાલેખન નથી. અણીશુદ્ધ, સર્વાંગસંપૂર્ણ જીવનચરિત્રો કરતાં નાયક વિશેની ચરિત્રસામગ્રીનો સંગ્રહ કરનારાં કે તારવણી દ્વારા તૈયાર કરેલાં પુસ્તકો અહીં વિશેષે જોવા મળે છે. સર્જનાત્મક શૈલીમાં ચરિત્રનાયકના આંતર અને બાહ્ય, અંગત અને જાહેર જીવનનાં તમામ પાસાંને આલેખીને તેના સમગ્ર જીવનનું તેમજ તેની સમકાલીન જમાના ઉપર પડેલી અને ભાવિ યુગ ઉપર પડનારી અસરો બતાવતું. એક પણ ચરિત્રપુસ્તક આ દાયકે મળ્યું નથી. પૂજ્યભાવ, ગુણપૂજક બુદ્ધિ અને વ્યક્તિની જાહેર જીવનની સિદ્ધિઓથી પ્રેરાઈને તથા વાચકમાં નાયકના ગુણોની પ્રતિષ્ઠા સ્થાપવાના આશયથી જ હજી ઘણાંખરાં ચરિત્રો લખાતાં માલૂમ પડે છે. માનવીસામાન્ય વિશેનું શાસ્ત્રીય અને શુદ્ધ જ્ઞાન એમાંથી મેળવવા ઇચ્છતો વાચક ઘણું ખરું નિરાશ થતો હોય છે. આમ છતાં હકીકતોની ઇતિહાસશુદ્ધ સામગ્રીનો વ્યવસ્થિત સંગ્રહ કરતાં અને ચરિત્રનાયકના વ્યક્તિત્વનાં મહત્ત્વનાં પાસાં સ્પષ્ટ કરતાં થોડાંક દળદાર ચરિત્રપુસ્તકો આ દાયકે મળ્યાં છે. એમાંથી આત્મલક્ષી ઢબે ગાંધીજીની વિકાસકથા આલેખતું પ્રભુદાસ ગાંધીકૃત ‘જીવનનું પરોઢ' તેમાંની હકીકતોની પ્રમાણભૂતતા, મને વિશ્લેપણની સૂચકતા, નિરૂપણકલાની રમ્યતા અને નાયકના આંતર સ્વરૂપનું વિકાસદર્શન કરાવતી તેના કર્તાની કાવ્યમય તેમજ સંયમપૂત દૃષ્ટિને કારણે આ દાયકાના ઉત્કૃષ્ટ ચરિત્રપુસ્તકોમાંનું એક છે. એવો જ બીજો સમર્થ પ્રયત્ન ‘સરદાર વલ્લભભાઈ-ભાગ પહેલો'માં શ્રી. નરહરિ પરીખે કર્યો છે. ૧૯૧૭ની ગોધરાની પહેલી ગુજ. રાજકીય પરિષદથી માંડીને ૧૯૨૯ની લાહોર કૉંન્ગ્રેસ સુધી તેમણે ભજવેલા મહત્ત્વપૂર્ણ રાજકીય ભાગને નિમિત્ત બનાવીને ગુજરાતના રાજકીય ઘડતરનો કડીબંધ ઇતિહાસ વિસ્તારથી આ પુસ્તકમાં આલેખાયો છે. મહાદેવભાઈની ‘વીર વલ્લભભાઈ’ અને 'એક ધર્મયુદ્ધ' એ પુસ્તિકાઓમાંથી, 'બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ' એ પુસ્તકમાંથી, 'નવજીવન'માંના કેટલાક લેખોમાંથી, મણિબહેને એકઠી કરી રાખેલી સામગ્રી અને અન્ય નિકટના સંગીઓ તરફથી લેખકે ચીવટ, ખંત અને નિષ્ઠાથી વલ્લભભાઈની ચરિતસામગ્રી ભેગી કરીને તેનો ઉચિત ઉપયોગ કર્યો છે. તેમના નિરૂપણમાં વ્યવસ્થા, સરલતા, ચોકસાઈ અને સાદાઈ છે. સરદારના જટિલ વ્યક્તિત્વનાં અનેક પાસાં યોગ્ય પ્રસંગો દ્વારા ઊકલીને, તેમના વિશે તરેહતરેહના ગપગોળા વહેતા મૂકનાર સૌને શ્રી નરહરિભાઈએ આ ચરિત્ર દ્વારા ચૂપ કર્યા છે. એમના કુટુંબજીવન ઉપરાંત સામાજિક અને મુખ્યતઃ રાષ્ટ્રીય જીવનનું તથા તેમનાં સ્વભાવ, વિચાર, વલણ અને શ્રદ્ધાનું વિગતવાર દર્શન આ પુસ્તકમાં થાય છે. જો કે પુસ્તકમાં સરદારના જાહેર જીવનનું અને શક્તિઓનું જેટલું ઝીણવટભર્યું વર્ણન છે તેટલું તેમના અંગત જીવનનું અને સ્વભાવનું નિરૂપણ થયું નથી. સરદારના સમયનું સામાજિક વાતાવરણ પણ એટલી સચોટતાથી ચિત્રિત થયું નથી. તેને બદલે રાજકીય વાતાવરણ અતિ લંબાણથી આલેખાયું છે. સાહિત્યિક રજૂઆત અને મહાદેવભાઈના જેવી શૈલી કે પ્રમાણદૃષ્ટિ આ ચરિત્રને સાંપડી નથી. વિગતો અને રાજકીય વૃત્તાંતની કેટલીક પુનરાવૃત્તિઓ તથા કેટલાંક અનાવશ્યક વિષયાંતરો પણ તેમાંથી ટાળી શકાયાં હોત. તો પણ સરદારના મહાન વ્યક્તિત્વને સમજવા અને તેમની શક્તિઓ અને સિદ્ધિઓને પિછાનવા માટે આ એક જ વિસ્તૃત અને પ્રમાણભૂત પુસ્તક હાલ તો ઉપલબ્ધ છે. આ ઉપરાંત ‘મહારાજ થયા પહેલાં’, ‘રવિશંકર મહારાજ', 'અમારાં બા', 'બાપુની પ્રસાદી’, ‘મહાદેવભાઈનું - પૂર્વચરિત' ‘મોતીભાઈ અમીન : જીવન અને કાર્ય', 'મહાવીરકથા', 'વડોદરા- નરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, ભાગ ૧-૨', 'કલાપી', ‘પં. ભગવાનલાલ ઈન્દ્રજી', 'બાપુની ઝાંખી', ‘સાગર-જીવન ને કવન', 'દી. બ. અંબાલાલભાઈ', 'કલ્યાણરાય બક્ષીનું જીવનવૃત્તાંત', 'સરદાર પૃથ્વીસિંહનું જીવનચરિત', 'ઝાંશીની રાણી લક્ષ્મીબાઈ', 'તર્પણ' (શ્રી. વિઠ્ઠલરાય મ. મહેતાનાં સ્મરણચિત્રો), ‘શ્રી. શારદાદેવી', ‘ચલો દિલ્હી', 'દેશભક્ત ભુલાભાઈ', 'ગાંધીજીના સાન્નિધ્યમાં' ‘મહારાજની સાથે', 'શ્રીમન્નૃસિંહાચાર્યજી', 'કવિવર રવીન્દ્રનાથ ઠાકુર', 'કાઠિયાવાડના ઘડવૈયા', આદિ છોટાંમોટા નોંધપાત્ર જીવનવૃત્તાંતોમાં તેમના લેખકોનાં અભ્યાસ, વિભૂતિપૂજા, અનુભવસંસ્મરણોની ઉષ્મા અને આકર્ષક શૈલી વરતાય છે. સર્જનાત્મક અંશો દાખવતી, આન્દ્ર મોર્વાંને અનુસરીને લખાણમાં કલ્પના અને ચિત્રશૈલીનો રસ લાવતી સ્વ. નવલરામ પંડ્યાની જીવનકથા 'શુક્રતારક' રા. વિજયરાયે આ દાયકે આપી છે. પરંતુ એ કૃતિ ટૂંકું જીવનચિત્ર છે. ચરિત્રની પ્રમાણભૂતતા જોખમાય એટલા પ્રમાણમાં એમાં કલ્પનાનો રંગ છે. વળી ચરિત્રનાયકની સળંગ શૃંખલિત સર્વગ્રાહી આકૃતિ પણ એમાંથી ઊપસતી નથી એ એની મોટી મર્યાદા છે. આદરપાત્ર વ્યક્તિ વિશેનાં સ્વાનુભવજન્ય સંસ્મરણો આલેખતાં, તેમનાં જીવન અને પ્રવૃત્તિનો દ્યોતક, સમભાવી તથા રસદાયી પરિચય કરાવતાં કે તેમના વિસ્તૃત જીવનચરિત્ર માટેની બહુવિધ સામગ્રી મેળવી આપતાં મધ્યમ બરનાં ચરિત્રો આ દાયકે ઠીક ઠીક સંખ્યામાં મળ્યાં છે. ‘અમારાં બા', 'બાપુની પ્રસાદી', 'રવિશંકર મહારાજ'. ‘મહાદેવભાઈનું પૂર્વચરિત' જેવી કૃતિઓ તો દાયકાઓ સુધી ગુજરાતનાં કિશોરકિશોરીઓને પ્રેરણા આપશે. ‘કલાપી' અને 'બાપુની ઝાંખી' ચરિત્રસ્વાધ્યાયના વર્ગમાં આવે. ગુજરાતનો વાચકવર્ગ ચરિત્રપુસ્તકોનો નવલકથાના જેટલો શૉખ ધરાવતો નથી. જીવનચરિત નવલકથાના જેટલું જ લોકપ્રિય અંગ થઈ શકે. વળી ચરિત્રો કેવળ ખ્યાતિ પામેલા મહાન પુરુષોનાં જ લખાય એવો ખ્યાલ પણ પ્રવર્તતો લાગે છે. પરંતુ વિખ્યાત મહાન પુરુષોની ગણતરી કરીએ તો પણ હજી ક્યાં બધી વિભૂતિઓનાં ચરિત્ર લખાયાં છે? દયારામ, કાન્ત, નરસિંહરાવ, રમણભાઈ, આનંદશંકર, ન્હાનાલાલ, મુનશી, બ. ક. ઠાકોર આદિ સાહિત્યકારો; સર પ્રભાશંકર પટ્ટણી, સર મનુભાઈ, વિઠ્ઠલભાઈ પટેલ, સર ફિરોજશાહ મહેતા આદિ રાજપુરુષો; ઠક્કર બાપા, મુનિશ્રી, સંતબાલજી આદિ મૂક પ્રજાસેવકો; સર જમશેદજી ટાટા, રણછોડલાલ છોટાલાલ આદિ ઉદ્યોગપતિઓ અને પ્રૉ. ગજ્જર આદિ વૈજ્ઞાનિકોનાં વિસ્તૃત, પ્રમાણભૂત ચરિત્રો હવેના દાયકે લખાશે ખરાં?

આત્મકથા

આત્મકથા ચરિત્રનો જ એક પ્રકાર છે. એ પ્રકાર પરત્વે આ દાયકો જાણે આગલા બધા દાયકાનું સાટું વાળી નાખવાને પ્રવૃત્ત થયો હોય એમ આત્મચરિત્રોની સંખ્યા અને સમૃદ્ધિ જોતાં જણાય છે. ભાવનાશાળી જુવાન તનસુખ ભટ્ટથી માંડીને ઉચ્ચ કોટિના સર્જક અને રાજપુરુષ રા. મુનશી સુધીના લેખકોએ આ દાયકે આપવીતીઓ પ્રસિદ્ધ કરી છે. ‘અડધે રસ્તે' અને 'સીધાં ચઢાણ ભા. ૧-૨’ (મુનશી), ‘આથમતે અજવાળે' (ધનસુખલાલ મહેતા), 'જીવનનાં ઝરણાં' (રાવજીભાઈ પટેલ), 'જીવનપંથ' (ધૂમકેતુ), 'ગઈ કાલ' (રમણલાલ), ‘પંચોતેરમે' (બળવંતરાય ક. ઠાકોર), ‘મેં પાંખો ફફડાવી' (તનસુખ ભટ્ટ), એમ મળીને આઠેક આત્મકથાઓ આ દાયકે પ્રકાશન પામી છે. એ ઉપરાંત દુર્ગાશંકર શાસ્ત્રી અને દી બ. કૃષ્ણલાલ ઝવેરીએ પોતાના અક્ષરજીવનનાં સંસ્મરણો છૂટક લેખો રૂપે સામયિકોમાં પ્રગટ કર્યા છે. ચંદ્રવદન મહેતાની આપવીતી પણ 'કુમાર'માં હપ્તે હપ્તે છપાય છે. આમાંથી ‘જીવનનાં ઝરણાં’ સિવાયની બધી જ આત્મકથાઓ સાહિત્યકારોની છે એ બિના ખાસ ધ્યાન ખેંચે છે. આપણી ભાષામાં ગાંધીજી અને નારાયણ હેમચંદ્રને બાદ કરીએ તો આપવીતીઓ માત્ર સાહિત્યકારોએ જ કેમ લખી હશે? સાહસિક વેપારીઓ, ધારાશાસ્ત્રીઓ, ડૉકટરો, અખબારના તંત્રીઓ, ઉચ્ચ કોટિના અમલદારો, શિક્ષિકાઓ કે મિડવાઈફોનાં વીતકો કે અનુભવો તેમને જ હાથે લખાઈને મળે તો આપણું આત્મકથાસાહિત્ય અને માનવીસામાન્ય વિશેનું જ્ઞાન કેવું વિપુલ, શુદ્ધ અને વૈવિધ્યયુક્ત બને! શૈલી અને દૃષ્ટિ પરત્વે ‘જીવનનાં ઝરણાં' ગાંધીજીની 'સત્યના પ્રયોગો’ને અનુસરે છે, તો અન્ય આત્મકથાઓ મુનશીની 'અડધે રસ્તે'ની જેમ કથારસને વિશેષ મહત્ત્વ આપે છે; જ્યારે ‘મેં પાંખો ફફડાવી' 'સ્મરણયાત્રા’ની ઢબે આલેખાઈ છે. ગુજરાતી આત્મકથાના સ્વરૂપવિકાસમાં મુનશીની આત્મકથાનો ફાળો સૌથી વિશેષ મૂલ્યવાન ગણાશે. આત્મકથાને શુદ્ધ સર્જનનો એક પ્રકાર નિર્મી બતાવવાનો મુનશીનો એ પ્રગલ્ભ પણ સફળ પ્રયત્ન છે. તેમની આત્મકથા 'અડધે રસ્તે' નવલકથાના જેવી સાદ્યંત રસપૂર્ણ છે. તેમની રસૈકલક્ષી કલમે સર્જનાત્મક કલ્પનાનું સિંચન તેમની આ વિસ્તૃત આત્મકથામાં પણ કરેલું છે. પોતે અનુભવેલી ઊર્મિઓ અને ભાવનાઓને સીધે સીધી વાચકના અંતરમાં સંક્રમિત કરીને આત્મકથાનો લેખક સર્જકની ધન્યતા અનુભવી શકે એ વાતની પ્રતીતિ સૌથી મોટા પ્રમાણમાં મુનશીની આત્મકથા કરાવે છે. પરંતુ સત્ય કરતાં પ્રતિષ્ઠા અને અહમ્ને લેખક વધુ મહત્ત્વ આપતા હોવાથી તેમના જીવનની વિકૃત બાજૂનું વર્ણન કે નિખાલસ આત્મચિંતન જોઈએ તેટલી તટસ્થતાથી આવશ્યક પ્રમાણમાં એમાં થઈ શક્યું નથી. આ દૃષ્ટિએ નર્મદ: મણિલાલ અને ગાંધીજીની આત્મકથાઓની સરખામણીમાં મુનશીની આત્મકથા ઊતરતી જણાય છે. તેમ છતાં તેની સરસતા અને કલામયતાને કારણે તેમજ તેની ચિત્રાત્મક રસમધુર ગદ્યશૈલીને કારણે ગુજરાતી આત્મચરિત્રના ઇતિહાસમાં 'અડધે રસ્તે' એક અવિસ્મરણીય સીમાસ્તંભ તરીકે ચિરંજીવ રહેશે એમાં શંકાને સ્થાન નથી. 'આથમતે અજવાળે', 'જીવનપંથ', 'ગઈ કાલ' આદિ આત્મવૃત્તાંતો તેમના નાયકોનો અંગત તેમજ તેમના કુટુંબીઓ, બાલમિત્રો, સહાધ્યાયીઓ, શિક્ષકો, શુભેચ્છકો ઈત્યાદિનો રસળતી શૈલીમાં પરિચય આપવા સાથે પોતાનાં બાલપણ અને કિશોર-તરુણ-અવસ્થાનાં ખટમધુરાં સ્પંદનોને તાજાં કરી આજથી અર્ધી સદી પર વીતી ગયેલા જમાનાનાં ચિત્રોને ખડાં કરી દે છે. પણ આમ બનવાથી પાર્શ્વવર્તી ભૂમિકાને કેન્દ્રસ્થ નાયકનું મહત્વ મળતાં લેખકની જીવનકથા ગૌણ બની બેસે છે; આપવીતી માત્ર સંસ્મરણોનાં વિશૃંખલ ચિત્રોનું રૂપ ધારણ કરે છે. રા. દુર્ગાશંકર શાસ્ત્રી, પ્રૉ. બ. ક. ઠાકોર અને દી. બ. ઝવેરીનાં સંસ્મરણોમાં આમ બને છે એ તો એમની વિશિષ્ટ દૃષ્ટિ ને હેતુને લઈને. પોતા કરતાં પોતાના જમાનાનો સ્મરણમાં સંઘરેલો અહેવાલ આલેખી પોતાના સમયના ઇતિહાસની અભ્યાસસામગ્રી પૂરી પાડવી તથા પોતાના સમકાલીન મિત્રો, પંડિતો, આગેવાનો અને લોકસંસ્થાઓ વિશે નવીન માહિતી આપી તેમને પ્રકાશમાં આણવાં, એવું પ્રયોજન તેમના સ્મરણ-લેખ પાછળ રહેલું છે. પણ અન્ય આપવીતીઓમાં તો પોતાના જમાનાના સંદર્ભમાં સ્વવ્યક્તિત્વનું જ નિરૂપણ એ મુખ્ય લક્ષ્ય હોવાથી આ મર્યાદા ખૂંચે છે. વળી તેથી ય મોટી મર્યાદા આત્મચરિત્રકારોમાં અંતર્મુખતાના અભાવની છે. આત્મકથા એટલે ઊંડી આત્મનિરીક્ષામાં તવાઈને આકાર પામતું વ્યક્તિનું સ્વલિખિત સત્યપૂર્ણ આંતરચિત્ર. અંતર્મુખ બન્યા વિના આત્મકથાનો લેખક પોતાનું વ્યક્તિત્વ યથાર્થ નિરૂપી શકે નહિ. આ દાયકાના આત્મકથાકારો ઊંડા સહૃદય આત્મમંથન કે પરીક્ષણમાં ઊતરવાને બદલે ગંભીર, અગંભીર કે અર્ધગંભીર દૃષ્ટિએ પોતાના જીવનપ્રસંગો તથા સમકાલીન સમાજ ને સમયના રંગો આલેખવાનું પસંદ કરતા જણાય છે. આથી આત્મચરિત્રમાં કથારસ આવે છે, પણ તેમાં આંતર સંઘર્ષ ગોચર થતો નથી. કથાનાયક વિશેની કેટલીક રસિક વિગતો, તેના વ્યક્તિત્વનું ઘડતર વગેરે કુતૂહલપોષક બાબતો વિશે જાણવા મળે છે, પણ આંતર સંવિત્ને સમૃદ્ધ કરે તેવું માનવજીવનનું અકળ નિર્મળ રહસ્ય તેમાંથી લાધતું નથી.

રોજનીશી

રોજનીશી આત્મચરિત્રનો જ ઉપપ્રકાર છે. આપણી ભાષામાં રોજનીશીના સાહિત્યપ્રકારનો પ્રદેશ ‘મહાદેવભાઈની ડાયરી-ભા. ૧' પ્રગટ થઈ ત્યાંસુધી કલામયતાથી ખેડાયેલો ન હતો. અલબત્ત, નોંધપોથી લખવાના પ્રયત્નો આપણે ત્યાં દુર્ગારામ મહેતાજીથી ભોળાનાથ, ભાઈશંકર ભટ્ટ અને નરસિંહરાવ સુધી થતા આવ્યા છે, પણ સાહિત્યપ્રકાર તરીકે ખીલવે અને તેને ગૌરવભર્યું સ્થાન અપાવે તેવી એક પણ રોજનીશી ઈ. ૧૯૩૭ સુધી પ્રગટ થઈ જાણી નથી એટલે 'મહાદેવભાઈની ડાયરી'નાં ચાર પુસ્તકોનું પ્રકાશન ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો એક અપૂર્વ બનાવ ગણાય. ગાંધીજીના સમગ્ર વ્યક્તિત્વનો બહુરંગી ખ્યાલ અન્ય કોઈ ગ્રંથ કરતાં આ રોજનીશીમાં વિશેષ મળે છે. આ ડાયરીઓના લેખક મહાદેવભાઈ સવાયા બોઝવેલનાં શ્રમ, ખંત, ચીવટ, ઉત્સાહ, સંયમ, ભક્તિ, કલા અને સત્યમંડિત નિરૂપણશક્તિ બતાવી જાય છે. એમાં જીવનના સર્વ પ્રશ્નો-રાજકારણ, સાહિત્ય, ઉપવાસ, બ્રહ્મચર્ય, ખોરાક, બાલઉછેર આદિ તમામ-ની મીમાંસા અને ચર્ચા તાત્ત્વિક ભૂમિકા ઉપર સરલતાથી વ્યવહારુપણે થતી માલૂમ પડે છે. એમાં ગાંધીજીને કેન્દ્રસ્થાને રાખીને લેખકે પોતાના, સરદારના તથા અન્ય અંતેવાસીઓને વ્યક્તિત્વનું મિતદર્શન કરાવ્યું છે; અનેક જાણીતી, અજાણી મહત્ત્વની વ્યક્તિઓનાં સુરેખ, જીવંત રેખાચિત્રો દોર્યાં છે અને અનેક યાદગાર ઘટનાઓ, પુસ્તકો, પ્રવૃત્તિઓ, અને સંસ્થાનો રસદાયી, બોધપ્રદ યથાર્થ પરિચય કરાવ્યો છે. એક રીતે કહીએ તે આ ડાયરીઓ ગાંધીજીના જીવન-વિચારના સર્વસંગ્રહ (Encyclopaedia) જેવી છે. શુદ્ધ અને સંયમપૂત વાણીમાં ગાંધીજીના પત્રો, લખાણોના યોગ્ય ઉતારાઓ, લેખો-ભાષણોના અનુવાદો, સૂચનો, નોંધો વગેરેનો અક્ષરશ; સંગ્રહ આ રોજનીશીમાં થયો છે. મહાન વ્યક્તિ સાથેના પોતાના સહવાસની એકે એક પળ, તેનો એકેએક બોલ, કે વિચાર, અંગત નહિ પણ જગતની સંપત્તિ છે એમ સમજીને મહાદેવભાઈએ નોંધો લખવામાં અદ્ભુત જાગરુકતા, તાટસ્થ્ય અને નિષ્ઠા બતાવ્યાં છે. એમાંની દૃષ્ટિ અને સામગ્રી ઉપરાંત મોહક, સુશ્લિષ્ટ, સત્ત્વગુણી, પારદર્શક શૈલી તથા જીવનને અવલોકવાનો ઉદાર સમભાવી દૃષ્ટિકોણ આ રોજનીશીઓને તથા તેના લેખકને આપણા સાહિત્યમાં ઉચ્ચ પદ અપાવે છે. એ પ્રમાણે 'દિલ્હી ડાયરી' પણ તેમાંના વિષયની ઉદાત્તતા અને ગાંધીજીના વેધક દૃષ્ટિકોણને લીધે પ્રેરક બની છે. એમાં ગાંધીજીની જિંદગીના છેલ્લા મહિનાઓનાં ૧૩૯ પ્રાર્થનાપ્રવચનો સંગ્રહાયાં છે. સર્વ પ્રવચનોમાંથી હિંસા અને દ્વેષના ભયાનક દાવાનળને પ્રેમ અને શાંતિની શીતળ અમૃતવર્ષાથી ડારવાનો એક માત્ર સૂર ઘોષણા કરતો સંભળાય છે. એમાં રજૂ થયેલા પ્રસંગોની કોઈ વ્યવસ્થિત સાંકળ નથી, તેમ છતાં પ્રજા અને રાજ સત્તા વચ્ચે જીવંત કડી રૂપ બનતા શહીદ સંત ગાંધીજીનું વ્યક્તિત્વ અને આત્મમંથન પ્રત્યેક પ્રવચનમાંથી ઉપસતું દેખાય છે. આ પાંચે રોજનીશીઓ ગાંધીજીના ચરિત્રકારને કે ભાવિ ઈતિહાસકારને સૌથી વિશેષ પ્રમાણભૂત હકીકતો પૂરી પાડનાર દસ્તાવેજ તરીકે અમર રહેશે. પ્રત્યેક સંસ્કારવાંચ્છુ જનને એમાંથી નવી દૃષ્ટિ અને ચેતના પ્રાપ્ત થશે અને સાહિત્યના અભ્યાસીને રોજનીશીનું સુઘડ કલાત્મક સ્વરૂપ જેવા મળશે.