ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/જયંતીલાલ મફતલાલ આચાર્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જયંતીલાલ મફતલાલ આચાર્ય

શ્રી. જયંતીલાલ આચાર્યનો જન્મ ઈ.સ. ૧૯૦૬માં તા.૧૮ મી ઑક્ટોબરના રોજ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં ઉત્તર ગુજરાતના કડી ગામમાં થયો હતો. તેમનું મૂળ વતન અમદાવાદ. પિતાનું નામ મફતલાલ મોતીલાલ; માતાનું નામ વસંતબા. તેમનું લગ્ન ઈ.સ. ૧૯૨૪માં શ્રી. હીરાબહેન સાથે થયેલું છે. તેમણે માધ્યમિક શિક્ષણ અમદાવાદની નેટિવ સ્કૂલ તથા સીટી હાઈસ્કૂલમાં લીધું હતું. મેટ્રિકની પરીક્ષા ગણિતના વિષયમાં ૭૦ ટકા જેટલા ગુણ મેળવી તેમણે પસાર કરેલી. ઈ.સ. ૧૯૨૯માં તેઓ સંસ્કૃત અને ગુજરાતી વિષયો લઈને ગુજરાત કૉલેજમાંથી બી. એ. થયા હતા. પણ આ તો તેમની સામાન્ય કેળવણી. તેમને મળેલી કેળવણીની ખરી વિશેષતા તો તેઓએ શાંતિનિકેતનના વિદ્યાભવનમાં મધ્યકાલીન સંતસાહિત્ય અને યોગસાધનાનો અભ્યાસ કર્યો તેમાં, તેમજ આચાર્ય ક્ષિતિમોહન સેનની પાસે રહીને ઈ.સ. ૧૯૩૧-૩૪ના ગાળા દરમિયાન વિદ્યા, સંસ્કાર અને ભાવનાની તેમને પ્રાપ્તિ થઈ તેમાં રહેલી છે. હાલ તેઓ અમદાવાદની ભારતી વિદ્યાલયના આચાર્ય છે અને શેઠ ભો. જે. વિદ્યાભવન (ગુજરાત વિદ્યાસભા સંચાલિત)માં બંગાળી ભાષાસાહિત્યના માનાર્હ અધ્યાપક છે. વિદ્યાર્થીકાળ દરમિયાન શ્રી. પ્રભાસચંદ્ર બેનરજી નામના બંગાળી શિક્ષકે તેમના વ્યક્તિત્વ પર સારી અસર પાડી હતી. વ્યાયામની પ્રવૃત્તિ અને ઈતર કાર્યોમાં શ્રી. અંબાલાલ પુરાણીની અને કોસિન્દ્રાન્ડ આશ્રમમાં તેઓ હતા ત્યારે શ્રી. કરુણાશંકર ભટ્ટની છાપ તેમના ઉપર પડી છે. પોતાના મૂક ઉદાર અભિજાત સંસ્કારલક્ષી આતિથ્ય અને સદ્ભાવથી આચાર્ય સેને અને શ્રી. નંદલાલ બસુએ તેમનામાં ભાવનાસિચન કર્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી શ્રી. અરવિંદનાં સાહિત્ય, યોગસાધના અને વ્યક્તિત્વની અસર તેમના ઉપર થતી જાય છે. તેમણે લેખનપ્રવૃત્તિની શરૂઆત સારંગપુર સાર્વજનિક વ્યાયામ મંદિર (અમદાવાદ) તરફથી પ્રગટતા હસ્તલિખિત માસિક ‘વિદ્યાર્થી’માં લેખો લખીને કરી હતી. એ લેખો ઉપર પુરાણી ભાઈઓની પ્રવૃત્તિના દૃઢ સંસ્કાર હતા.’ ત્યારબાદ શાંતિનિકેતનના સંસ્કારલક્ષી વાતાવરણ અને રવિબાબુના પ્રત્યક્ષ પ્રેરણાદાયી પરિચયને લીધે તેમનું લેખનકાર્ય મહોરતું ગયું. પરમતત્ત્વની શોધને અંગે થતી સાધના અને તે પ્રસંગે થતું મનોમંથન રજૂ કરવાનો તેમનાં કાવ્યો-લેખોનો પ્રયાસ છે. મુખ્યત્વે રહસ્યવાદને અનુલક્ષીને તેમની લેખનપ્રવૃત્તિ ચાલે છે. રવિબાબુ એમના પ્રિય સાહિત્યકાર છે. એમના પ્રિય સાહિત્યપ્રકારો કાવ્ય, આત્મચરિત્ર અને, પત્ર છે. સમગ્ર જીવનને સ્પર્શતા બહુવિધ વિષયોનો અભ્યાસ કરવામાં તેમને રસ છે. તેમની પ્રથમ કૃતિ ‘મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ’, બંગાળીના અનુવાદ રૂપે ઈ.સ. ૧૯૩૩માં પ્રગટ થઈ. તેમણે રહસ્યવાદ ઉપર ખૂબ લખ્યું છે. ‘ત૫સનો વિકાસક્રમ’ (બુદ્ધિપ્રકાશ, ઓકટો. ૧૯૩૬); ‘બંગાળાના બાઉલ’ (‘પ્રસ્થાન’); ‘સહજિયા સંપ્રદાય’ (‘પ્રસ્થાન’ માગશર સં. ૧૯૯૧) ‘મહારાષ્ટ્રનો રહસ્યવાદ’ (‘કૌમુદી’, ૧૯૩૪ એપ્રિલ); ‘બાહ્યાંતર અનુભૂતિ’ (‘બુ. પ્ર.’ જુલાઈ ૧૯૩૭); ‘Mysticism’ (Kalyan Kalpataru Vol. I No. 4); ‘મૃત્યુની નિબિડ ઉપલબ્ધિ’ (પ્રસ્થાન, જેઠ સં. ૨૦૦૦); ‘આચાર્ય ક્ષિતિમોહન સેન’ (‘ભારતી’ દીપોત્સવી અંક, ૨૦૦૨); ‘મારું મંતવ્ય’ (‘પ્રસ્થાન’ ૧૯૪૫) ‘મંત્રપ્રાપ્તિ’ (‘પ્રસ્થાન’ ચિત્ર ૨૦૦૨); ‘આંતર પલટોટે’ (‘પ્રસ્થાન,’ વૈશાખ ૨૦૦૨); ‘મૌન’(‘પ્રસ્થાન,’ વૈશાખ ૨૦૦૨); ‘અગમ્યવાદની કાંઈક ઝાંખી’ (‘ભારતી’ દીપોત્સવી અંક ૨૦૦૩)-વગેરે મનનીય લેખો એમના તત્ત્વનિષ્ઠ અભ્યાસની સાક્ષી પૂરે છે અને લેખકનું વિશિષ્ટ દૃષ્ટિબિંદુ સમજાવી જાય છે. તેઓ બંગાળી ભાષા-સાહિત્યના સારા અભ્યાસી હોઈ સુંદર ને શિષ્ટ બંગાળી કૃતિઓ ગુજરાતીમાં પીરસતા રહ્યા છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ *ઇતિહાસ * ? *૧૯૩૩ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ *બંગાળીમાંથી અનુવાદ
૨. માનવ ધર્મ *નિબંધ * ? *૧૯૩૮ *ગુ.વિ. સભા અમદાવાદ *’માનુષેર ધર્મ’નો અનુવાદ
૩. દીવડા *બાલગીત * ? *૧૯૩૯ *જેચંદ તલકશી એન્ડ સન્સ, રાજકોટ *મૌલિક
૪. પુંડરિકનાં બાલકાવ્યો *બાલકાવ્યો * ? *૧૯૩૯ *જેચંદ તલકશી એન્ડ સન્સ, રાજકોટ *મૌલિક
૫. તાનસેન *જીવનચરિત્ર * ? *૧૯૪૦ *જેચંદ તલકશી એન્ડ સન્સ, રાજકોટ *અનુવાદ
૬. ઠાકુરદાની વાતો *વાર્તાઓ * ? *૧૯૪૦ *જેચંદ તલકશી એન્ડ સન્સ, રાજકોટ *મૌલિક
૭, ગોરસ *કાવ્યસંગ્રહ * ? *વિ.સં. ૧૯૯૫ *ગોવિંદભાઈ ઠાકર બાલકુંજ, અમદાવાદ *મૌલિક
૮. સાહિત્ય *વિવેચન * ? *૧૯૪૦ *પોતે *રવિબાબુની કૃતિઓનો અનુવાદ
૯. શ્રી. શારદાદેવી *ચરિત્ર * ? *૧૯૪૩ *ગુ. વિદ્યા સભા *મૌલિક
૧૦. શિક્ષણસાધના *ચરિત્ર * ? *૧૯૪૭ આદર્શ પુસ્તક ભંડાર, અમદાવાદ *સંપાદન
૧૧, તંત્રની સાધના *ચરિત્ર * ? *વિ.સં. ૨૦૦૩ *સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય *સંપાદન
૧૨, બ્રહ્મચર્ચા *ચરિત્ર * ? * ૧૯૪૭ *સંદેશ લિમિટેડ અમદાવાદ *સંપાદન

અભ્યાસ-સામગ્રી

‘માનવધર્મ’ માટે, ઈ.સ. ૧૯૩૮નું ગ્રંથસ્ય વાઙ્મય.
‘ગોરસ’ માટે, તેનો સ્વ. ગિજુભાઈએ કરાવેલો પરિચય.
‘શિક્ષણસાધના’ માટે ઇ. સ. ૧૯૪૭નું વાઙ્મય.
‘સાહિત્ય’ માટે પરિભ્રમણ ભા. ૧ (સ્વ. મેઘાણી).

***