ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા

From Ekatra Foundation
Jump to navigation Jump to search


કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા

એઓ જાતે વૈશ્ય; સુરતના વતની; એમના પિતાનું નામ ઇચ્છારામ રંગીલદાસ મશરૂવાળા અને માતાનું નામ શ્રી. મંગળાબહેન મનમોહનદાસ શરાફ છે. એમનો જન્મ સન ૧૮૯૦ માં મુબાઈમાં થયો હતો; અને લગ્ન પણ ત્યાંજ સન ૧૯૧૩ માં શ્રીમતી ગોમતીબાઈ સાથે થયું હતું. ઘણુંખરૂં શિક્ષણ એમણે મુંબાઈમાં લીધું હતું અને કૉલેજ અભ્યાસ દરમિયાન સ્કોલરશીપો પણ મેળવેલી. સન ૧૯૦૯ માં વિલ્સન કૉલેજમાંથી “પદાર્થ વિજ્ઞાન તથા રસાયનશાસ્ત્રનો ઐચ્છિક વિષયો લઇને બી. એ. ની પરીક્ષા પાસ કરી હતી; તે પછી સન ૧૯૧૩ માં એલ એલ. બી. ની ડીગ્રી મેળવી હતી. સન ૧૯૧૭ માં તેઓ વકીલાતનો ધંધો છોડી ગાંધીજી સાથે જોડાયા હતા, ત્યારથી સામાન્ય રીતે એમ કહી શકાય કે તેઓ એમની પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠના તેઓ પહેલા મહામાત્ર હતા. એમના જીવનપર સ્વામિનારાયણીય સાહિત્ય, તેમ એ પંથના સંસ્થાપક અને સાધુઓએ તેમ મહાત્મા ગાંધીજીએ ઘણી ઉંડી અસર કરેલી છે. સ્વામિનારાયણીય સાહિત્યનું વાચન એમનું કેટલું વિસ્તૃત અને બારીક છે, એનો ખ્યાલ, છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ માટે રજુ કરેલા એમના નિબંધપરથી આવશે. એમનું જ્ઞાન પાંડિત્યભર્યું નથી; પરંતુ તે ચેતનવંતુ અને સંસ્કારી છે, એમ એમના અન્ય ગ્રંથો વાંચતાં પ્રતીતિ થશે. એઓ એક શોધક-મુમુક્ષુની દૃષ્ટિએ આપણું આર્ય તત્ત્વજ્ઞાન અવલોકે છે; અને તેની કસોટી પણ બહુ ઉંચા ધોરણે, તદ્દન તટસ્થ વૃત્તિથી, સ્વતંત્રપણે કરે છે. એમના ચરિત્રગ્રંથો રામ અને કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર, ઈસુખ્રિસ્તી, સહજાનંદ સ્વામી, જીવનશોધન ભા. ૧-૨ વગેરે વખણાઇ, તેમની ગણના શિષ્ટ ગ્રંથોમાં થયલી છે. એક કેળવણીકાર તરીકેના એમના વિચારો “કેળવણીના પાયા” એ પુસ્તકમાંથી મળશે; પણ એમના જીવનનું હાર્દ સમજવાને, એમના જ્ઞાન અને શક્તિનું માપ કાઢવાને એમના “જીવન શોધન” એ પુસ્તકના બે ભાગો વાચકે જોવા જોઇએ. ગુજરાતીમાં એ જાતિનું સ્વતંત્ર ચિંતન હાલમાં થોડું મળી આવશે. એમાં ઉડું નિરીક્ષણ અને મનન જણાશે; તે સાથે તત્ત્વ-સત્ય શોધન માટે જે ભેદક નજર અને તીવ્ર લાગણી પ્રત્યક્ષ અનુભવાય છે, તે આહ્‌લાદક નીવડી, કર્તા માટે માનની લાગણી પેદા કરે છે. એમાં કોઈ સંપ્રદાય માટે પક્ષપાત નહિ જણાય; પણ જીવનનું તારત્મ્ય, જીવનચિંતામણી મેળવવા માટેની લગની સ્પષ્ટ તરવરતી દૃષ્ટિગોચર થશે. ગયા વર્ષે “પ્રસ્થાન”માં પ્રકટ થયેલ “સામુદાયિક ઉપાસના” નામક એમનો નિબંધ પણ ઉંચી કોટીનો છે. શારીરિક નબળાઈ-મંદવાડના કારણે તેઓ ઝાઝું કાર્ય કરી શકતા નથી; પણ એમની કલમમાંથી જે કાંઈ આવે છે, તે હંમેશાં ચિંતનભર્યું, વિચારોત્તેજક અને માર્ગદર્શક હોય છે, એમ કહેવું જોઇએ.

: : એમની કૃતિઓ : :

૧. રામ અને કૃષ્ણ (બીજી આવૃત્તિ-૧૯૩૦) સન ૧૯૨૩
૨. બુદ્ધ અને મહાવીર (બીજી આવૃત્તિ-૧૯૩૦)  ”  ૧૯૨૩
૩. ઈશુખ્રિસ્ત  ”  ૧૯૨૪
૪. સહજાનંદ સ્વામી  ”  ૧૯૨૪
૫. કેળવણીના પાયા*  ”  ૧૯૨૫
૬. જીવન શોધન ભા-૧*  ”  ૧૯૨૯
૭. ભા-૨*  ”  ૧૯૩૦

* સ્વતંત્ર કૃતિઓ છે; બાકીની જાણીતા ગ્રંથોને આધારે.