ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/પ્રીતમરાય વૃજરાય દેસાઇ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રીતમરાય વૃજરાય દેસાઇ

એઓ જ્ઞાતે બ્રહ્મક્ષત્રિય અને અમદાવાદના વતની છે; પણ જન્મ સાણંદમાં તા. ૨જી જાન્યુઆરી ૧૮૯૧ના રોજ થયો હતો. એમના પિતાનું નામ વૃજરાય ખુશાલરાય દેશાઇ અને માતાનું નામ સુભદ્રાબ્હેન હતું. એમનું લગ્ન ત્રણ વાર થયું છે. છેલ્લું સન ૧૯૨૧માં સૌ. નિર્મળાબહેન સાથે થયું હતું. પ્રાથમિક કેળવણી સુરત અને અમદાવાદમાં લીધી હતી. માધ્યમિક અને ઉંચું શિક્ષણ અમદાવાદમાં ન્યુ ઇંગ્લિશ સ્કુલ અને ગુજરાત કૉલેજમાં લીધેલું. કૉલેજ અભ્યાસ દરમિયાન દી. બા. અંબાલાલ સાકરલાલ સ્કોલરશીપ તેમને મળી હતી. હમણાં તેઓ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક છે. એમના ભાઈ ડૉ. હરિપ્રસાદની એમનાપર ઘણી અસર થયેલી અને તેમની પ્રેરણાથી સાહિત્યવાચન અને લેખન પ્રતિ એઓ દોરાયલા. સન ૧૯૨૦થી ૧૯૨૫ સુધી તેઓ ગુજરાત સાહિત્ય સભાના મંત્રી હતા. શાળોપયોગી છ પુસ્તકો એમણે આજ સુધીમાં લખ્યાં છે; પણ એમનું મહત્વનું અને પ્રસિદ્ધ કાર્ય અમદાવાદમાં હાઉસિંગ સોસાઇટીની સ્થાપનાનું છે. પ્રથમ મંડળી એમણે કાઢેલી અને એમનું અનુકરણ કરીને તેમ એમના પ્રોત્સાહનથી ત્યાર પછી લગભગ ત્રીસેક હાઉસિંગ સોસાઇટીઓ નિકળી છે તેનું માન તેમને ઘટે છે; અને એ વ્યવસાયને લઇને એમના સાહિત્ય વાચન અને લેખન કાર્યમાં એઓ ઝાઝો સમય આપી શકતા નથી. તેમના નામ ઉપરથી બ્રહ્મક્ષત્રિય હાઉસિંગ સોસાયટી તરફનો ભાગ પ્રીતમનગર કહેવાય છે.

: : એમની કૃતિઓ : :

સાહિત્ય વાચનમાળા, ભા–૧ સન ૧૯૨૪
ભા-ર  ”
મુંબાઇ ઈલાકો  ”  ૧૯૨૬
હિન્દુસ્તાન  ”  ૧૯૨૯
આરોગ્ય વિજ્ઞાન પ્રવેશપોથી  ”  ૧૯૩૨
ગૃહવિજ્ઞાન પ્રવેશપોથી  ”