ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/રંગીલદાસ લક્ષ્મીદાસ સુતરીઆ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રંગીલદાસ લક્ષ્મીદાસ સુતરીઆ

એઓ જાતે વીસા લાડ વાણીઆ છે. એમનો જન્મ એમના વતન નવસારી ખાતે સંવત્‌ ૧૯૩૭ ના માહ વદ ૭ ને રવિવાર (તા. ૨૦ મી ફેબ્રુઆરી સને ૧૮૮૧) ને રોજે થયો હતો. એમના પિતાનું નામ લક્ષ્મીદાસ મકનદાસ, માતાનું નામ ગુલાબ. એમની પત્ની સૌ પાર્વતી બારડોલીવાળા શાહ ભૂખણદાસ ઈચ્છારામની દીકરી થાય. સરકારી ગુજરાતી શાળામાં છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ અંગ્રેજી કેળવણી એમણે નવસારીમાં જ દાદાભાઇ કાવસજી તાતા એ. વી. સ્કૂલમાં તથા સર કાવસજી જહાંગીર નવસારી જરથોસ્તી મદરેસામાં લીધી હતી. એમની સ્કૂલ કારકિર્દી ઝળકતી હતી. ગુજરાતી પહેલી ચોપડીથી માંડીને મૅટ્રિક સુધી દરેક ધોરણમાં ઉપલે નંબરે પાસ થઈ એમણે ઇનામો તથા સ્કૉલર્શિપો મેળવ્યાં હતાં. અંગ્રેજી છઠ્ઠા ધોરણનો તથા મૅટ્રિકનો અભ્યાસ એક જ વર્ષમાં પૂરો કરી સને ૧૯૦૦ માં મૅટ્રિક થઈ મુંબઇની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી “કેમિસ્ટ્રિ અને ફિઝિકસ”નો ઐચ્છિક વિષય લઈ સને ૧૯૦૪ માં એમણે બી. એ., ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી હતી. કાને ઓછું સાંભળતા હોવાથી કાયદાનો અભ્યાસ કરવાનો વિચાર એમણે પડતો મૂક્યો હતો. કાલેજ છોડયા પછી એઓ વેપાર ધંધામાં પડ્યા હતા, કપાસિયામાંથી તેલ કાઢવાના ઉદ્યોગની હિંદુસ્થાનમાં એમણે પહેલ કીધી હતી. તેલી બિયાં પીલવાના ઉદ્યોગના નિષ્ણાત તરીકે ખાસ આમંત્રણથી સને ૧૯૧૭માં ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયલ કમિશન સન્મુખ એમણે જે લેખિત અને મોઢેની જુબાની રજુ કરી હતી તેને માટે કમિશનના પ્રમુખ સર થોમસ હૉલાંડે એમને નીચે પ્રમાણે શાબાશી આપી હતીઃ— “Thanks very much, Mr. Sutaria. You have evidently studied your subject very closely. If all the witnesses that came before us gave evidence as well as you have done, the task of the Commission would be easy.” એઓ આયાત-નિકાસનો વેપાર પણ મોટા પાયા ઉપર કરતા હતા, અને કેટલાક અમેરિકન કારખાનાવાળાઓના હિંદુસ્થાન ખાતેના સોલ એજંટ હતા. લડાઇ પછી માલના ભાવોમાં જે ઉથલપાથલ થઈ તેને લીધે કમનશીબે એમને મોટો ફટકો લાગ્યો, અને એક વેળાની એમને ધીકતી પેઢી, કોઠારી, સુતરિયાની કું. સને ૧૯૨૧ માં બંધ પડી. ત્યાર ૫છી જુદી જુદી દેશી તેમજ યુરોપિયન ઑફિસોમાં વેજીટેબલ ઘી ખાતાના મેનેજર તરીકે કામ કરી સને ૧૯૩૧ ના માર્ચમાં એઓ નિવૃત્ત થયા, અને હાલ નવસારી ખાતે શાંત જીવન ગાળે છે. એઓ અચ્છા એમેચ્ચોર ફોટોગ્રાફર છે. જ્યોતિષનો પણ એમણે ઉંડો અભ્યાસ કર્યો છે. નિશાળમાં ભણતા હતા ત્યારે એમને માસિકોમાં અને વર્તમાનપત્રોમાં લખવાનો છંદ લાગ્યો હતો. પણ કૉલેજમાં ગયા પછી બૈરીછોકરાંને ભૂખે મારવાનો એ ધંધો એમણે સદંતર છોડી દીધો હતો. ત્રીસ વર્ષ બાદ ધંધામાંથી નિવૃત્ત થતી વખતે, એમણે કલમ પાછી હાથમાં લીધી, અને જાણે ગયેલાં વર્ષોનો ખંગ વાળતા હોય તેમ આજે બેઠાં બેઠાં લાંબી ટુંકી વાર્તાઓ લખ્યા જાય છે. ‘Astrology of the Race Course’ નામનું એમનું અંગ્રેજી પુસ્તક એ વિષયમાં રસ લેનારાઓએ સારૂં વખણાયું છે. એમની જે કૃતિઓ નીચે જણાવી છે તે ઉપરાંત ‘સાહિત્ય’ માસિકમાં પ્રગટ થએલી બે, ‘ફુરસદ’ માસિકમાં પ્રગટ થએલી અનેક અને બીજી અપ્રગટ નાની મોટી વાર્તાઓનો સારો જેવો જથો એમની પાસે થયો છે, જે હવે પછી પ્રસંગાનુસાર પુસ્તકરૂપે બહાર પાડવાની એઓ ઉમેદ રાખે છે.

: : એમની કૃતિઓ : :

Astrology of the Race Course (અંગ્રેજીમાં, મૌલિક) સને ૧૯૨૫
ઈંદિરા અને બીજી વાર્તાઓ (બંગાળી ઉપરથી અનુવાદ)  ”  ૧૯૩૦
શ્રી ()  ”  ૧૯૩૨