ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/ગ્રંથ પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ગ્રંથ પરિચય

‘ગ્રંથ અને ગ્રંથકાર’નું છઠું પુસ્તક વાચક વર્ગ સમક્ષ મૂકતાં આનંદ થાય છે. આ યોજના જનતામાં પ્રિય થઈ પડી છે એ નિઃસંશય છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીનાં વાર્ષિક વિવિધ પ્રકાશનોમાં આ પુસ્તક ઉપયોગિતાની દૃષ્ટિએ મહત્ત્વનું છે એમ સર્વત્ર સ્વીકારાય છે.

પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારોની માહિતીમાં વિશેષ આકર્ષક વિદેહ લેખકોનાં ચરિત્રો છે. ગ્રંથોની માહિતી પ્રતિ વર્ષ જેવી જ ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓ માટે જરૂરી સાધન પુરનાર સામગ્રીરૂપે છે. માસિકોમાં પ્રસિદ્ધ થયેલા લેખોની યાદી પણ એક ઉપયોગી અંગ છે એ જણાશે. પ્રકીર્ણ લેખોમાં દિ. બા. દેશવલાલ ધ્રુવના વિદ્વત્તાપૂર્ણ લેખો આ પુસ્તકમાં કાયમી સ્થાન પામશે એ હર્ષનો વિષય છે એ સંપાદન કરવા માટે પ્રયોજકને ધન્યવાદ ઘટે છે.

ગુજરાતનાં જૂનાં ખત પત્રો સંબંધી માહિતી અને તેના કેટલાક નમુના ભાષાશાસ્ત્રીઓને માટે શોધખોળનું સાધન પૂરું પાડવા કામ લાગે તેવા છે અને સામાન્ય વાંચનારને પણ તેમાંથી અનેક વસ્તુઓ જાણવાની મળે તેમ છે. આ વિભાગ શ્રી. સાંડેસરા જેવા એ કામના પૂર્ણ અનુભવીને હાથે રચાયો છે, જેથી આ પુસ્તકનું મૂલ્ય વધ્યું છે.

કવિ સુન્દરમ્ તરફથી ૧૯૩૪ની કાવ્ય કૃતિઓમાંથી પસંદગી કરી જે વાનગીઓ આપી છે તે ગુજરાતી કવિતા સમૃદ્ધિનો સારો ખ્યાલ આપે તેમ છે. વિશેષમાં ગુજરાતી કવિતાનું વલણ, કવિઓનો અમુક વિષયો તરફનો ઝોક, ગુર્જર પ્રજાનું માનસ રજૂ કરતું વિવેચન, વિચારપૂર્વક અને શ્રમ લઈ લખેલું છે એ જોઈ શકાશે.

‘વર્તમાન ગુજરાતી સાહિત્ય’નો રા. હીરાલાલ પારેખનો લેખ સાહિત્ય સમાલોચનાના સાચા વિવેચકના દૃષ્ટિબિન્દુથી લખાયેલો હોઈ આદરને પાત્ર થશે. ગુજરાતી સાહિત્યનો ફાલ વર્ષોવર્ષ વધતો જાય છે અને તેનાં અનેક અંગો વિકાસ પામતાં જાય છે એ ઉપલક જોનારને પણ જણાઈ આવે તેમ છે. છતાં અમુક અંગો હજી જોઈએ તેવાં વિકાસ પામ્યાં નથી–તેવા શક્તિશાળી લેખકો ગુજરાતમાં બહુ જૂજ સંખ્યામાં છે, એ સત્ય પણ તરી આવે છે. ગુજરાતી ભાષાના વાંચનાર અને લખનારની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. એ બીના સંતોષપ્રદ છે. ગુર્જર સાહિત્ય હિન્દની અન્ય પ્રાન્તીય ભાષાઓના સાહિત્યની બરોબરી કરી શકે એ કક્ષાએ પહોંચી ગયું છે એમ કહેવામાં વધારે પડતું કથન નથી. કદાપિ કોઇને તેમ લાગે તો બહુ અલ્પ સમયમાં ત્યાં પહોંચી જશે એ નિઃશંક છે.

ગુર્જર ભાષાના નાના મોટા સર્વ લેખકોને યથાશક્તિ માતૃભાષાની સેવા કરવા ખાતે અભિનંદન ઘટે છે. જે ક્ષેત્રો વગર ખેડાયેલાં પડ્યાં છે તેમાં પ્રવેશ કરી સ્વભાષાનું ગૌરવ વધારવા, તેને વિશેષ પ્રાણવાન બનાવવા શક્તિશાળી સાહિત્ય સર્જકો પોતાનો સમય અને શક્તિ અર્પણ કરશે એવી શુભાશાથી આ પરિચય સમાપ્ત કરૂં છું.

અમદાવાદ, તા. ૧૪-૧-૩૫ }
વિદ્યાબહેન ર. નીલકંઠ