ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ભિક્ષુ અખંડાનંદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગ્રંથકાર ચરિત્રાવળી

(વિદ્યમાન )


ભિક્ષુ અખંડાનંદજી

[ લોકસંગ્રહની દ્રષ્ટિએ સ્વામી શ્રી ભિક્ષુ અખંડાનંદજીની સાહિત્ય સેવા અજોડ છે. પરબ્રહ્મની જોડે તાદાત્મ્ય સાધવાની લગનીવાળા એ આજન્મ વિરાગવૃત્તિધારીએ, છ આનાના દેવદારના ખોખાના ટેબલથી શરૂઆત થઈને ગુજરાતને ગામડે ગામડે જ્ઞાનથી પરબો પહોંચાડનારી ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય’ જેવી વિસ્તૃત અને માતબર સ્થિતિએ પહોંચેલી સંસ્થાની ઉત્પત્તિ અને સ્થિતિ કઈ તાલાવેલીથી, કેટલી તનતોડ મહેનત અને કેવી અદ્ભુત ત્રેવડશક્તિ તથા વ્યવહારકુશળતાથી સાધી એની કથા આ નીચેના રેખાચિત્રમાં નથી. વરસોની સતત લોકસેવા પછી આજ પક્ષાઘાતને લીધે અનિચ્છાએ નિષ્ક્રિય થઈ પડેલા એ લોકસેવકના હાથ તળે તાલીમ પામવાનું સુભાગ્ય આ લખનારને મળ્યું છે, અને કોઈ કાળે એ શ્રમસાધ્ય જીવનની વાત આ પાનાંઓ ઉપર આપવાની અભિલાષા છે. પરંતુ તે દરમ્યાન, પ્રસિદ્ધિનો સદા અણગમો સેવનાર એ સાચા સંન્યાસીના પૂર્વજીવનની કથા કહેતું આટલું આ રેખાચિત્ર, એવી જ લાંબી તાલીમ પામેલા ભાઈશ્રી ત્ર્યંબકલાલ શુક્લ તરફથી આપણને મળે છે એ પણ એક મોંઘી પ્રાપ્તિ છે એમ સમજી ‘શારદા’માંથી એ તારવીને આ નીચે ઉતાર્યું છે.]

-બ.

સ્થૂળકાય છતાં તેજઃપુંજ સમા ઝગઝગતા ચહેરાવાળા કોઈ સંન્યાસીને, સાથી સાથે અથવા એકાકી, કોઈ દિવસ સંધ્યા સમયે અમદાવાદમાં એલિસબ્રિજ ઉપરથી પસાર થતા કે મુંબાઈમાં કાગળોના વેપારીઓને ત્યાં જતા આવતા જોયા હોય તો જાણજો કે એ ‘ગરીબોને સાહિત્યજલ પાતા, ગુજરાતને ગામડે ગામડે જેનાં પ્રકાશનો પહોંચી ગયાં છે તે સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયના એકનિષ્ઠ સંચાલક કર્મયોગી અખંડાનંદજી.’

વીર વિક્રમનું ૧૯૩૦ મું વર્ષ હતું. ખેડા જિલ્લાના બોરસદ ગામમાં જગજીવન ઠક્કર નામના એક હોશિયાર અને ધાર્મિક વૃત્તિવાળા વેપારી હતા. દરિયામાર્ગે વહાણો ભરીને તેઓ માલ મંગાવતા અને પોતાનો લોખંડ, ચિનાઈ વાસણ તથા અનાજનો ધંધોરોજગાર ધમધોકાર ચલાવતા. તેમને હરિબા નામનાં એક પવિત્ર, ધર્માત્મા, સુશીલ, ઉદાર ને દાનશીલ પત્ની હતાં. તેમનો ગૃહસ્થાશ્રમ સુખશાંતિમાં ચાલતો હતો. હરગોવિંદ, શિવલાલ અને મોહનલાલ જેવા ત્રણ ત્રણ ભડવીર દીકરા અને પાર્વતી તથા સદાબેન નામની બે દીકરીઓ હતી. આખા યે કુટુંબમાં આનંદ આનંદ હતો. પૈસેટકે એ કુટુંબ સુખી ગણાતું. પણ તેમના ભાગ્યમાં હજી એક પુત્રરત્નને જન્મ આપવાનું નિર્માએલું હતું. તે સૌથી નાના અને છેલ્લા પુત્રરત્ન તે અત્યારના આપણા ભિક્ષુ અખંડાનંદ.

જગજીવન ઠક્કરને ત્યાં સવારથી તે સાંજ સુધી કોઈપણ અભ્યાગતને માટે અનાજની લ્હાણી તો ચાલુ જ રહેતી. એમનો ધંધોરોજગાર ઘણો સારો ચાલતો અને તેઓ ગામના એક અગ્રગણ્ય સજ્જન ગણાતા. સંતસેવી અને ભક્તિપરાયણ પણ હતા. તેમને ત્યાં સંત મહંતોના અખાડા જામતા અને પંગતોની પંગત પડતી. આવા સાધુહૃદય અને સેવાપરાયણ પિતા તથા ભક્તિમયી માતાના પૂર્વ સંસ્કારો લઈ બાળક લલ્લુએ કોઈ પુણ્ય દિવસે આ સંસારમાં પગલીઓ પાડી.

કુળગુરુ મોહનદાસજી સાપર તરફથી પોતાના સંતમંડળ સાથે બોરસદ આવે ત્યારે જગજીવન ઠક્કરને ત્યાં જ ઉતારો કરતા. એક દિવસ મહંતજીનો બેરખો લઈને બાળક લલ્લુભાઈ રમે છે અને એ બેરખાના મણકા ચૂસ્યા જ કરે છે. મહંતજી આ જોઈ આશ્ચર્યચક્તિ થાય છે. બાળકની ભવ્યતા જોઈ તેઓ ભવિષ્ય ભાખે છે કે ‘આ બાળક ભવિષ્યમાં કોઈ સમર્થ સંન્યાસી નીવડશે.’ આ વાત સાંભળી કુટુંબમાં ક્ષોભ થયો. પણ દિવસો જતાં એ ભુલાઈ ગઈ.

સાત વર્ષના થયા એટલે લલ્લુભાઈને કુટુંબનાં બીજાં બાળકો સાથે ઉમિયાશંકર મહેતાજીના હાથ નીચે કક્કો ને એકડા ઘૂંટવા મૂક્યા. ત્રણેક વર્ષમાં બારાખડી અને આંક વગેરે પૂરાં કર્યા પછી તેમને ગુજરાતી નિશાળમાં મૂકવામાં આવ્યા.

બારતેર વર્ષની ઉમરમાં લલ્લુભાઈએ છસાત ચોપડી પૂરી કરી અને તે જ અરસામાં, એટલે સંવત ૧૯૪૩ માં, પિતાશ્રી દેવલોક પામ્યા એટલે આખુ યે કુટુંબ ખંભાતથી સાતેક ગાઉ દૂર સારોદ ગામમાં રહેવા ગયું. ત્યાં યે દુકાન ચાલતી જ હતી. મોટા ભાઈઓ વગેરે ત્યાં જ રહેતાં હતાં. એ બધાને પરણાવી દીધેલા હતા, અને તેજ પ્રમાણે નાના લલ્લુને પણ બાળપણમાં સાતમે આઠમે વર્ષે જોતરૂં વળગાડી દીધું હતું.

હવે તો દુકાને બેસવાનું થયું અને બીજું કામકાજ પણ માથે પડ્યું. શાળામાં ગોંધાઈ રહેવા પ્રત્યે તિરસ્કાર છતાં વાચનનો રસ જાગેલો અને હિસાબકિતાબ શીખી લીધેલા. એ વાચનનો રસ તૃપ્તિ શોધ્યા જ કરે, એટલે લલ્લુભાઈ દુકાને બેસે, ઘરાકને માલ આપે ને મોં પાછું ચોપડીમાં ઘાલે. રાત્રે મંદિરમાં આરતી અને ભજનો થાય તેમાં જાય અને આનંદ કરે. આમતેમ મનોવૃત્તિને અનુકૂળ પડે તેવો જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ તેમણે શોધી કાઢ્યો અને તેમાં એટલો બધો રસ લેવા લાગ્યા કે એક સુંદર ભજનિક ગાનાર, ગજાવનાર અને મંડલીના આગેવાન જેવા એ ગણાવા લાગ્યા. ભજનો સાંભળવાનું તો તેમને હજુ યે ખૂબ ગમે છે અને એ વખતની તેમની એકાગ્રતા ને તલ્લીન્તા યોગીના જેવી હોય છે. આ લખનારે કોઈ કોઈ વખત તો એ ભજમંડળીઓમાં ભિક્ષુજીની આંખેમાં અશ્રુપાત થતો પણ જોયો છે. ભજનાનંદી સ્વામીજી સંન્યાસી થયા પછી પણ પોતાની પાસે નાનકડી સિતાર રાખતા. પાછળથી એ બિચારી પણ બાવાજીને લપ જેવી લાગેલી એટલે તેને ગંગાજીમાં પધરાવી દીધી હતી.

વેપારમાં સત્ય, પ્રમાણિકતા અને નીતિ જાળવીને જે કમાઈ શકાય તે જ કમાવું એેવો તેમનો નિયમ હતો અને એ પ્રમાણે વેપાર ચલાવવા છતાં યે લલ્લુ ઠક્કરનો વેપાર સારો ચાલતો હતો, ને ઠીક ઠીક કમાણી થતી હતી.

પણ બીજા ભાઈઓને વેપારની તેમની આવી રીતિનીતિ પસંદ પડી નહિ, એટલે તેમણે પિતાની સંપત્તિ વહેંચી લીધી અને દુકાન ભાગમાં ચાલવા લાગી. વેચાણનું કામ બીજા ભાઈઓએ સંભાળવા માંડ્યું ને લલ્લુભાઈને માથે મોટે ભાગે ખરીદનું કામ કરવાનું આવ્યું. આ કામ તેમને ગમતું. ગ્રાહકોની સાથે કશી રકઝક કે પંચાતમાં ઊતરવાનું નહિ અને આ કામ તો અવકાશને સમયે સ્વતંત્રતાપૂર્વક થઈ શકતું, સોદો કરીને માલ મોકલવાની વ્યવસ્થા કરી દે પછી તેઓ છૂટા ને છૂટા.

બાહ્ય રીતે કશો ડોળડમાક પસંદ કરતા નહોતા. ટીલાં ટપકાં કરવાની કે હરિકથામાં નિયમિત જવાની તેઓને ઝાઝી પરવા નહોતી. આથી કોઈ કોઈ માણસો તેમને નાસ્તિક, છેલીઆ ને લહેરી તરીકે ઓળખતા; અને તે વખતે તો જુવાન લલ્લુ ઠક્કર બાબરાં રાખતા ને છોગાળો ફેંટો પણ બાંધતા.

ત્યાર બાદ છપ્પનનો દુકાળ પડ્યો ને સંવત ૧૯૫૭ માં તેમનું કુટુંબ પાછું બોરસદમાં રહેવા આવ્યું. એ અરસામાં બોરસદમાં નડિયાદવાળા ગોપાળદાસજી મહારાજે કથા માંડી હતી, તેમાં તેએ પ્રસંગેપાત જતા આવતા. આ કથામાં તેમને ગીતા ને યોગવસિષ્ઠને વાચનનો રસ લાગ્યો. સંસારમાંથી મન ઊડી જવા ઈચ્છતું અને ઈશ્વરને માર્ગે જતા ભક્તોની આતુરતા તેમનામાં ખીલતી જતી હતી.

શેરખીવાળા વયોવૃદ્ધ પરમહંસ જાનકીદાસજી મહારાજ સાથે તેમને સારો પરિચય હતો. આ જાનકીદાસજી મહારાજને તમાકુ પ્રત્યે ખાસ અણગમો હતો. લલ્લુભાઈ પણ તે સમયે બીડી, તમાકુના વ્યસનમાં સપડાએલા હતા. મહારાજને કાને વાત આવી. મહારાજે કહ્યું: ‘લલ્લુ ઠક્કર! તમે પણ બીડી તમાકુ છોડી શકતા નથી કે ?’ લલ્લુ ઠક્કર શરમાયા અને જળ મૂક્યું.

હવે તેમના ગૃહસ્થાશ્રમ તરફ વળીએ. તેમનાં લગ્ન જે બાઈ સાથે થએલાં તેઓ એક ધનવાન ઘરનાં પુત્રી હતાં. સંસ્કારિતાના અભાવે પતિદેવની બદલાતી મનોવૃત્તિઓ અને ભાવનાઓ તેઓ સમજી શકતાં નહિ. આ કારણોથી લલ્લુ ઠક્કરને કેટલીકવાર ભારે મનોવ્યથા થાય તેવા પ્રસંગો પણબનતા. છતાં સાચી ઉપરામતા ન જાગે ત્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં જ રહેવું એ એમનો નિશ્ચય હતો. સંસારનાં કષ્ટો ને મુશ્કેલીઓથી ભાગી જવું એને પણ તેઓ એક પ્રકારની નિર્બળતા માનતા. સાચી વૈરાગ્યવૃત્તિ સિવાય સાધુતા ને સંન્યાસે શોભતા નથી એટલે એમણે ૨૮-૨૯ વર્ષની ઉમર થતાં સુધી સંસારના અનેક કડવા અનુભવો થતાં છતાં યે ગૃહસ્થાશ્રમ સારી રીતે ચલાવ્યે રાખ્યો અને તે અરસામાં તેમને એક પુત્ર થયો.

ગૃહસ્થાશ્રમના બીજા અનેક પ્રકારના અનુભવોથી મન ઉપરામ થવા લાગ્યું હતું અને આધ્યાત્મિક દ્રષ્ટિ ખીલતી હતી; અંતે સ્ત્રી, પુત્ર, તેમજ હજારોની સંપત્તિ પડતી મૂકી લલ્લુ ઠક્કર દયાધર્મ માટે છસેએક જેટલા રૂપિયા લઈ સંન્યાસને પંથે પરવર્યા. સંવત ૧૯૬૦ના મહાવદી ત્રયોદશી (શિવરાત્રી) ને દિવસે વૃદ્ધ સ્વામી શિવાનંદજી પાસે સંન્યાસદીક્ષાની વિધિપુરઃરસથી ક્રિયા સાબરમતીને તીરે અમદાવાદમાં કરાવી. આ સંન્યાસની તેમનાં પત્નીને ખબર પડતાં તેમને ઘણું ઘણું લાગી આવેલું, પશ્ચાત્તાપ થએલો અને વિરહવેદનામાં ને વેદનામાં દોઢેક માસમાં જ તેમણે દેહત્યાગ કરેલો તે જ અરસામાં સ્વામીજીને પણ સ્વપ્નમાં એ બાઈનાં દર્શન થએલાં. સ્વામીજીની દ્રષ્ટિ નીચે છે; બાઈ હાથ જોડીને ઊભા છે; ક્ષમા માગે છે; પશ્ચાત્તાપ કરે છે અને વિલીન થઈ જાય છે, અને સ્વામી અખંડાનંદ અનુપમ જ્યોતિને માર્ગે સંચરે છે.

સાથે લીધેલા છસો રૂપીઆ ઉત્તર હિંદમાં દુષ્કાળ કે રેલ સંકટમાં પડેલા દીન દુ:ખીઓની સેવામાં ખરચી નાંખે છે અને અખંડાનંદજી હ્રુષિકેશ તથા ઉત્તર કાશીને રસ્તે હિમાલય જવા ઉપડે છે. ગંગોત્રીની યાત્રા કરે છે. એ સાત્વિક તપિભૂમિનાં હવાપાણી અને ઉમદા અસરોમાં તથા પાવનકારી વાતાવરણમાં રહી અધ્યયન, મનન ને નિદિધ્યાસ આદરે છે. ધ્યાન, ધારણા ને સમાધિના કાંઈક અનુભવો પણ લે છે. અનેક સંત મહાત્માઓનાં ચરણ સેવે છે. સત્સંગનો લાભ લે છે. આ જ અરસામાં તેમને બ્રહ્મનિષ્ઠ સ્વામી રામતીર્થજીનાં દર્શન થાય છે અને એકાદ બે માસ કાશી વગેરે તરફ તેમની સાથે રહેવાનો લાભ મળે છે.

અખંડાનંદજીએ કેટલાક ગુરુઓ કરેલા, પણ સ્વામી રામતીર્થજીની સાથે જે સમય ગાળેલો તેમાં તેમની બધી ગૂંચો-મૂંઝવણો-ઉકલી ગઈ હતી અને આત્મસંતોષ થયો હતો

આ પછી તેઓ મુંબઈ આવેલા ત્યારે કોઈ બુકસેલરને ત્યાં ભજનની એક ચોપડી લેવા ગએલા. કિંમત જોઈ તો ચાર પાંચ ગણી ચડાવેલી. વિચાર આવ્યો કે આ સ્થિતિમાં જ્ઞાનપિપાસુ ગરીબોની શી દશા? પણ કરવું શું? ત્યાં અચાનક પૂર્વાશ્રમના કુટુંબીમાંથી કોઈ સંબંધીના મૃત્યુનો પત્ર આવ્યો ને સાથે ત્રણસો જેટલી રકમ ધર્માદામાં ખર્ચવાની વૃત્તિ જણાવી. સ્વામીજીને ભાગવતનું પારાયણ કરતાં એકાદશ સ્કંધ ખૂબ ગમી ગએલો, એટલે આ પૈસામાંથી ખોટ ખાવી પડે તો ખાવી એવી ગણત્રી રાખીને એકાદશ સ્કંધની હજારેક પ્રત છપાવીને પાંચેક આનાની કિંમત રાખી. આમ સ્વામીજીએ સાહિત્ય પ્રચારમાં પહેલાં પગલાં માંડ્યાં. હવે તો સ્વામીજી બાવાજી છતાં યે ચોપડીઓનાં પાકીટ બાંધનાર, રવાના કરનાર અને ધર્મપુસ્તકના પ્રચારક બન્યા. તે જ અરસામાં સ્વર્ગનાં પુસ્તકના ઇજારદાર સ્વ. શ્રી અમૃતલાલ સુંદરજી પઢિયાર સ્વામીજીને મળ્યા. તેમને સ્વામીજીએ પ્રસિદ્ધ કરેલું આ પુસ્તક બહુ ગમ્યું હતું અને તેઓ પણ સાહિત્યપ્રચારની આવી કોઈ પ્રવૃત્તિ થાય તો સારૂં એમ ઈચ્છતા હતા. સ્વામીજીને તો આ પછી અનેક પ્રકારના શુભ સાહિત્યના પ્રચારના વિચારો ને યોજનાઓ મનમાં આવવા લાગ્યાં હતા. એમ કરતાં કરતાં એકાદશ સ્કંધ ખલાસ થઈ ગયો ને સ્વામીજી હ્રુષિકેશ તરફ ઊપડી જવાના વિચારમાં હતા. ત્યાં ગીતાની સસ્તી આવૃત્તિ કાઢવાનો વિચાર મનમાં જાગ્યો ને તેની પ્રથમ આવૃત્તિ પાંચ હજાર પ્રત જેટલી કાઢી. એક ભાઈને તેની વ્યવસ્થાનું કામ સોંપી તેમણે હિમાલય જવાની ગણત્રી રાખેલી પણ ગીતાની આવૃત્તિ ખલાસ થાય ત્યાં સુધી તો તેમણે રોકાઈ જવું પડે તેમ લાગ્યું. એટલે મુંબઈના હવાપાણી પ્રતિકૂળ લાગવા છતાં યે ત્યાં રોકાયા. પછી તો કોઈ ઈશ્વરી સંકેતથી વિવિધ ગ્રંથમાળા શરૂ થઇ, ચરિત્રમાળા અને બૃહદ ગ્રંથમાળા પણ કાઢી ને તેને સારો લોકાદર મળ્યો. ધારવા કરતાં યે વિશેષ ગ્રાહકસંખ્યા થઈ. કેટલીક મદદમાં શ્રી પઢિયાર તો હતા જ; તે ઉપરાંત આફિસકામ વગેરે માટે ભાઈ વેણીશંકરને રોક્યા ને કામ ચલાવ્યું. તે અરસામાં આ બધું ચલાવનારી એક મંડળી અથવા કમિટી જેવું પણ બનાવેલું.

આ રીતે સસ્તું સાહિત્ય વર્ધક મિત્રમંડળની મુંબઈમાં શરૂઆત થયા પછી તેની અમદાવાદ ખાતે શાખા ખોલવામાં આવી અને સ્વામીજી પણ ત્યાં આવ્યા અને હ્રુષીકેશ રહ્યા રહ્યા જ્ઞાન તથા ચારિત્ર્યવર્ધક સાહિત્યના પ્રચારનું કામ કરવા લાગ્યા. વચ્ચે વચ્ચે સ્વામીજીને હિમાલય તરફ ચાલ્યા જવાનું તે આ લપ છોડવાનું ઘણું યે મન થાય, પણ પરમાત્મા એવા સંજોગો ઊભા કરે કે તેઓ આ બધું છોડીને તદ્દન છૂટા તો થઈ શકે જ નહિ. કંઈક ને કંઈક વધી જાય અને કામ ચલાવ્યે જ રાખવું પડે. આમ ઈશ્વરેચ્છાને અનુકૂળ થતાંથતાં અને તેને વધાવી લેતાંલેતાં ભિક્ષુ અખંડાનંદજીએ પહેલાં દસબાર વર્ષમાં કેટકેટલાંયે ગ્રંથરત્નો માતા ગુર્જરીને ચરણે ધર્યાં અને એ બધો સાહિત્યપ્રચાર કરતાં કરતાં સ્વામીજીને કેવા કેવા સંજોગોમાંથી પસાર થવું પડયું તથા ‘સસ્તું સાહિત્ય’ની સંસ્થા કેમ અસ્તિત્વમાં આવી તથા જામી તે વિષેનો તેમણે પોતે જ લખેલો રસિક, ઉત્સાહપ્રેરક અને વિવિધ અનુભવથી યુક્ત અહેવાલ ‘ઉત્પત્તિ, સ્થિતિ ને ભવિષ્ય’ નામના એ સંસ્થાના પુસ્તક ઉપરથી મળી શકે છે. એ પુસ્તક ખાસ કરીને લોકસેવાનાં ક્ષેત્રોમાં કામ કરનાર લોકસેવકોએ અને લોકસેવા પ્રેમી યુવક યુવતીઓએ અવશ્ય વાંચવું વિચારવું સમજવું ઘટે છે.

એ સંસ્થાદ્વારા નીકળેલી વિવિધ ગ્રંથમાળા, ચારિત્ર્યમાળા, અને બૃહદ ગ્રંથમાળા દ્વારા જે ગ્રંથરત્નો ગુજરાતને ચરણે રજુ થયાં છે તેની સંખ્યા હવે તો લગભગ સવા બસો જેટલી થવા જાય છે. તેની પાંચ હજાર જેટલી ગ્રાહકસંખ્યાજ એ સંસ્થાનાં પ્રકાશનોની લોકપ્રિયતાનો પુરાવો છે.

હવે સ્વામીજીના જીવનનાં કેટલાંક ઉમદા તત્ત્વોનો અત્રે ઉલ્લેખ કરીએ. તેઓ કદિ પણ કામ વિનાના રહેતા નથી. તેઓ હિમાલયના શાંત ને એકાંત પ્રદેશોમાં હોય, મુસાફરીમાં હોય કે શહેરની ધમાલમાં વસતા હોય તોપણ તેમનું નિયત કાર્ય તો ચાલુજ હોય. પ્રાતઃકાળે ચાર વાગ્યે ઊઠીને કામ કરવું અને રાત્રે મોડે સુધી કામ કરવું, એ તો તેમને કેટલાંયે વર્ષો સુધીનો નિયત ક્રમ રહ્યો છે. આજે સાઠ સાઠ વર્ષની સંખ્યાઓ વટાવતાં છતાં ભલભલા યુવાનને શરમથી નીચું જોવડાવે એવી કાળજાંતૂટ મહેનત તેઓ કરતા આવ્યા છે, અને એ બધું કાર્ય બજાવવા છતાં યે અંતરથી તે તદ્દન નિર્લેપ.

તેમને મોટાભા થઈને ફરવાનું કે જગબત્રીશીએ ચડવાનું જરા યે ગમતું નથી. તેમને નથી કોઈ સાક્ષરોનો પરિચય કે નથી કોઈ દુન્યવી મહત્તાની આકાંક્ષા. તેઓ તો માત્ર ઈશ્વરેચ્છા સમજીને સંચિત પ્રારબ્ધ કર્માનુસાર કામ કામ ને કામ કર્યે જાય છે. ગુજરાતના એ મૂક સાહિત્યસેવક ને ઉપાસક આત્મપ્રશંસાથી દૂર ભાગનારા છે. તેઓ પોતાને દેહભાવે મેલા, જીવભાવે ઘેલા ને આત્મભાવે અખંડાનંદજી તરીકે ગણે છે. પ્રસિદ્ધ તથા સન્માનથી એ દૂર ભાગનારા છે. ભાગ્યે જ તેઓ કોઈ સાહિત્ય પરિષદમાં ગયા હશે, અને ગયા હશે તો સૌથી છેલ્લી હારમાં છુપાતા સંતાતા બેઠા હશે.

તેમની ચોક્સાઈ અને ચીવટ તથા પરિશ્રમી સ્વભાવને પરિણામે તે સંસ્થા અયાચક વ્રત જાળવી શકી છે અને શૂન્યમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય તેમ અત્યારની સંસ્થાને વિસ્તાર અને સમૃદ્ધિ એ તેમના ઉપલા બે ગુણો તેમજ તેમની કાર્યદક્ષતાને આભારી છે. ‘સસ્તું સાહિત્ય’ એ કોઈનાં દાન કે દયાધર્મમાંથી ઉત્પન્ન થએલી સંસ્થા નથી, પણ ભિક્ષુ અખંડાનંદજીની ચીવટ, ઝીણામાં ઝીણી વિગતની કાળજી, ચોક્સાઈ, સતત કાર્યપરાયણતા ને નિષ્કામ સેવાબુદ્ધિ તથા સખ્ત પરિશ્રમમાંથી ઉત્પન્ન થએલી ને વિસ્તાર પામેલી સંસ્થા છે.