ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ

સ્વ. ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ (સોલીસીટર)નો જન્મ સંવત ૧૯૦૧ના શ્રાવણ સુદી ૧૧ના રોજ અમદાવાદ જિલ્લાના તેમના વતન ભુવાલડી ગામે થયો હતો. તેમના પિતાનું નામ નાનાભાઈ રાજારામ ભટ્ટ હતું. તેમનાં માતુશ્રીનું નામ કૃષ્ણબાઈ હતું. ન્યાતે તે રાયકવાળ બ્રાહ્મણ હતા. તેમનું લગ્ન સાણંદમાં મહાનંદ ભટ્ટનાં પુત્રી રેવાબાઈ સાથે થયું હતું. તેમને કાંઈ સંતાન થયાં નહોતાં. ભુવાલડીમાં પ્રાથમિક કેળવણી લેવાની સાથે તેમણે થોડું સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ મેળવ્યું હતું. ત્યારપછી અમદાવાદમાં તે માધ્યમિક કેળવણી લેવા આવ્યા હતા અને મધુકરી કરીને તથા ટ્યુશન કરીને ચાર-પાંચ ધોરણ જેટલું અંગ્રેજી જ્ઞાન સંપાદન કર્યું હતું. ત્યારપછી તે શેઠ દલપતભાઈની મુંબઈની પેઢીમાં નોકરી કરવા ગયા હતા. હિસાબી કામના સારા જાણકાર હોવાથી તેમને ત્યારપછી સુરતની બેન્કમાં નોકરી મળી હતી. ત્યાંથી તે પાછા મુંબઈમાં મેસર્સ જાફરસન અને પેન સોલિસીટરોની પેઢીમાં મેનેજિંગ કલાર્ક તરીકે આવ્યા હતા. સાહેબના ઉત્તેજનથી તેમણે અભ્યાસ કરીને હાઇકોર્ટ વકીલની પરીક્ષા પસાર કરી હતી અને તેમાંથી આગળ વધીને તે સને ૧૮૭૫-૭૬માં સોલીસીટર થયા હતા. આ બધો ખાનગી અભ્યાસ તથા પરિશ્રમનો પ્રતાપ હતો. લોકમાન્ય તિલક સામેના સરકારના કેસમાં બચાવ પક્ષ તરફથી લડવા કોઈ તૈયાર નહોતું, ત્યારે તે માટે ભાઈશંકરભાઈ તૈયાર થયા હતા. ધંધામાં તેમણે પુષ્કળ દ્રવ્ય સંપાદન કર્યું હતું. મેળવેલા ધનનો સદુપયોગ પણ તેમણે અનેક લોકોપયોગી સંસ્થાઓને મોટાં દાનો આપીને કર્યો હતો સેલીસીટરના ધંધામાંથી નિવૃત્ત થઈને તે કેટલોક વખત અમદાવાદમાં રહ્યા હતા, જ્યાં તેમણે અમદાવાદ મ્યુ.ના પ્રમુખ તરીકે અને ગુ. વ. સોસાયટીના પ્રમુખ તરીકે થોડો-થોડો વખત કામ કર્યું હતું. તા.૬ઠ્ઠી મે ૧૯૨૦ને રોજ મહાબળેશ્વરમાં તેમનું અવસાન થયું હતું. ધર્માદા અને વિદ્યાવૃદ્ધિનાં કાર્યોમાં તેમણે પુષ્કળ ધનનો વ્યય કર્યો હતો. પિતાને નામે તેમણે રાયપુરમાં ‘નાનાભાઈ ગુજરાતી શાળા’નું વિશાળ મકાન બંધાવી આપ્યું છે. ‘અમદાવાદ સંસ્કૃત પાઠશાળા'ને એક મકાન અર્પણ કર્યું છે. માતાને નામે અમદાવાદમાં સ્મશાનભૂમિમાં લાયબ્રેરી અર્પણ કરી છે. તે ઉપરાંત જમાલપુરમાં સપ્તર્ષિનો આરો અને સ્મશાનની પડાળીઓ તેમણે બંધાવી આપી છે. પત્નીને નામે અમદાવાદ રેલ્વે સ્ટેશન સામે ‘રેવાબાઈ ધર્મશાળા' બંધાવીને તે જીલ્લા લોકલ બોર્ડને અર્પણ કરી છે. પત્નીને નામે કાશીમાં તેમણે એક વિશાળ ધર્મશાળા બંધાવી છે અને દ્વારકા બેટમાં નાની ધર્મશાળા બંધાવી છે. ‘રેવાબાઈ ડિસ્પેન્સરી’ (રાયપુર), પાલડી મ્યુ. ડિસ્પેન્સરી તથા લાયબ્રેરી, ‘ભાઈશંકર નાનાભાઈ લાયબ્રેરી’ (રાયપુર) અને જમાલપુરમાં મ્યુ બાગ, એ બધાં તેમનાં જ દાનોનાં ફળરૂપ છે. આ ઉપરાંત તે વિદ્યાર્થીઓને સ્કૉલરશીપ વગેરે દ્વારા આર્થિક મદદ કરતા, અને ગુ. વ. સોસાયટીને વિદ્યાર્થીઓને ઈનામ તથા સ્કૉલરશીપ આપવા માટે મોટી રકમ ટ્રસ્ટ તરીકે સોંપી છે. વિશેષમાં મુંબઈમાં પણ તેમણે કેટલાંક દાનો કર્યાં છે. વ્યવસાયની સાથે સાથે તેમનો સાહિત્યરસ પણ વાચન તથા લેખન દ્વારા વહેતો. તેમણે પૂર્વાવસ્થામાં કેટલાક છૂટા નિબંધો લખેલા અને વ્યવહાર તથા નીતિના શ્લોકોનાં સમશ્લોકી ભાષાંતર કરેલાં. તેમનાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકો નીચે મુજબ છે : (૧) કામનાથ ને રૂપસુંદરી (નાટક), (૨) સંસાર દુઃખદર્શન (નાટક), (૩) રંભા-રતિલાલ ત્રોટક (અલંકારપ્રધાન), (૪) વ્યવહાર મયૂખભાષાંતર, (૫) શિવલક્ષ્મી ને દીપચંદ શાહ (સુધારક લગ્નવિશિષ્ટ વાર્તા ), (૬) મારા અનુભવની નોંધ (નોંધપોથીની તારવણી). આ ઉપરાંત “મહાભારત"નું સાદ્યંત ભાષાંતર પ્રસિદ્ધ કરવા માટે તથા “સ્વદેશવત્સલ” માસિક પત્ર ચલાવવા માટે તેમણે સ્વ. મણિશંકર મહાનંદને સારી પેઠે સહાય કરેલી.

***