ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ભોગીલાલ ત્રીકમલાલ વકીલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભોગીલાલ ત્રિકમલાલ વકીલ

સ્વ. ભેગીલાલ ત્રિકમલાલ વકીલનો જન્મ ખેડા જીલ્લામાં આવેલા તેમના વતન આસોદરમા સં.૧૯૧૦ના માગશર વદને દિને થયો હતો. તે સાઠોદરા નાગર ગૃહસ્થ હતા. તેમના પિતાનું નામ ત્રિકમલાલ ઉજમરામ અને માતાનું નામ કાશીબા હતું. તેમણે મેટીક સુધીનું શિક્ષણ અમદાવાદની મિશન હાઈસ્કૂલમાં લીધું હતું. પાલનપુર એજન્સીના વકીલની તથા વડોદરા રાજ્યની પ્રાંતન્યાયાધીશીઓના વકીલની પરીક્ષાઓ પસાર કરીને તેમણે સનદો મેળવી હતી. વકીલ તરીકે વડોદરા રાજ્યની સારી સેવા બજાવ્યા બદલ મર્હુમ મહારાજ સયાજીરાવે તેમને વરિષ્ઠ ન્યાયાધીશના વકીલ તરીકેની સનદ ઉપરાંત રૂ. ૩૦૦ ઈનામ આપ્યું હતું. વૈદકનો ધંધો તે પરમાર્થ માટે કરતા અને અ. ભા. આયુર્વેદ મહામંડળ તરફથી તેમણે પહેલા અધિવેશનમાં જ “ચિકિત્સક ચૂડામણિ”ની પદવી પ્રાપ્ત કરી હતી. ‘આર્યભિષક્'ના કર્તા શંકર દાજી શાસ્ત્રીપદે અને સુરતના વૈદ્ય તિલકચંદ તારાચંદ તેમના પરમ મિત્રો હતા. નિસર્ગોપચાર-‘નેચરોપથી’નો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો, અને એ તેમના અભ્યાસનો પ્રિય વિષય હતો. સ્વ. પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીની તેમણે વૈદ્યકીય સારવાર કરેલી તેનું બદલામાં તેમણે ભેગીલાલભાઈને પ્રાણવિનિમય (મેસ્મેરિઝમ) વિદ્યા શીખવી હતી અને ત્યારબાદ એ વિદ્યામાં પારંગત થઈને ઘણા વિધેયોને વિશ્વદૃષ્ટિમાં આણી જનતાને ઉપકારક થાય એ માર્ગે દોર્યા હતા. ડૉ. બેસંટનાં ‘થીઓસોફી' વિષેનાં પુસ્તકો, શ્રેયઃસાધક અધિકારી વર્ગનાં પુસ્તકો, સ્માઈલ્સનાં 'જાતમહેનત', 'સદ્વર્તન' અને 'કરસર' વગેરે પુસ્તકો, વૉશિંગ્ટન તથા બેકનનાં જીવનચરિત્રો અને એડોલ્ફ જુસ્ટનું ‘રિટર્ન ટુ નેચર' એ પુસ્તકો તેમનાં જીવનભર પ્રિય પુસ્તકો રહ્યાં હતાં. “ધન્વંતરી” નામનું વૈદ્યક વિદ્યાનું માસિક પત્ર તેમણે કાઢેલું તેના તંત્રી તરીકે ઈ.સ.૧૯૦૮.થી ૧૯૨૨ સુધી તેમણે સતત કામ કર્યું હતું. તેમનું પહેલું પુસ્તક ઈ.સ.૧૮૯૮માં “દૈવી અદ્ભુત ચમત્કાર અને બાળાસ્તવન” બહાર પડ્યું હતું. ત્યારપછી તેમણે લખેલાં નીચેનાં પુસ્તકો બહાર પડ્યાં હતાં: “અનંત જીવન શી રીતે પ્રાપ્ત કરવું?” (૧૯૧૪), “હું રોગી છું કે નીરોગી?” (લુઈ કુન્હેનો અનુવાદ) (૧૯૧૬), “ચિકિત્સાસાગર” (૧૯૨૫), “આર્ય રસાયણશાસ્ત્ર” (૧૯૨૨). તેમનાં પત્ની શિવલક્ષ્મીથી તેમને બે પુત્રો તથા બે પુત્રીઓ થયાં હતાં. મોટા પુત્ર ડૉ. મંજુલાલ (એમ. સી. પી. એસ.; એમ. સી. એસ. સી.)૧૯૦૮માં પ્લેગથી 'ગુજરી ગયા હતા. નાના પુત્ર ડૉ. મહાદેવપ્રસાદ (એમ. ડી., એન. ડી.) વિદ્યમાન છે.

***