ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/શંકરલાલ ગંગાશંકર શાસ્ત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શંકરલાલ ગંગાશંકર શાસ્ત્રી

શ્રી. શંકરલાલ ગંગાશંકર શાસ્ત્રીનો જન્મ તા. ૨-૫-૧૯૦૨ના રોજ ચુણેલ (તા. નડીયાદ)માં થએલો. તે ન્યાતે સાઠોદરા નાગર છે. તેમના વતનનું ગામ મલાતજ છે. તેમના પિતાનું નામ ગંગાશંકર વ્રજલાલ શાસ્ત્રી અને માતુશ્રીનું નામ રુક્ષ્મણીબા. શ્રી. શંકરલાલનું લગ્ન ઇ.સ.૧૯૨૪માં શ્રી. શારદાગૌરી ભાઈલાલ પંડ્યા સાથે કાસોરમાં થએલું. શ્રી. શંકરલાલે પ્રાથમિક કેળવણી મલાતજમાં લઈને વર્ના. ફાયનલની પરીક્ષા ઊંચા નંબરે પાસ કરી ઇનામ મેળવેલું. ઈ.સ.૧૯૧૯માં તે સોજીત્રા હાઇસ્કૂલમાંથી મેટ્રિક થએલા. ત્યારપછી બી. એ. સુધીનો અભ્યાસ તેમણે ગુજરાત કૉલેજમાં કરેલો. બી. એ.નાં બે વર્ષમાં તેમણે સરકારી મેરિટ સ્કૉલરશીપ મેળવેલી અને બી.એ.ની પરીક્ષામાં પહેલો વર્ગ મેળવ્યો હતો. ૧૯૨૫માં તે સંસ્કૃત અને ગુજરાતી લઈને એમ. એ. થયા હતા, અને ૧૯૨૯માં એલ. એલ. બી. થયા હતા. ઇ.સ.૧૯૩૨ની સાલથી તે જુનાગઢની કૉલેજમાં અધ્યાપક છે. ઇતિહાસ અને પુરાતત્ત્વ એ તેમના રસ તથા અભ્યાસના વિષયો છે. સ્વામી વિવેકાનંદ તથા રામતીર્થનાં પુસ્તકો, દી. બા. કેશવલાલ ધ્રુવ, પ્રો. કે. વી. અભ્યંકર, અને પ્રો. ફિરોજ દાવર વગેરેનો સંપર્ક એ તેમના જીવન ઉપર ખાસ અસર કરનારા ગ્રંથો તથા વ્યક્તિઓ છે. પ્રોપ્રાયટરી હાઇસ્કૂલમાં ચારેક વર્ષ તેમણે શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું અને પછી થોડો વખત અમદાવાદમાં વકીલનો વ્યવસાય કરેલો. જુનાગઢની કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા પછી ૧૯૩૯-૪૦માં તેમણે જુનાગઢના યુવરાજના શિક્ષક તરીકે કામ કર્યું હતું. ૧૯૩૪માં તેમણે સ્વ. વ્રજલાલ શાસ્ત્રીનું 'રસગંગા’ સંપાદિત કરી પ્રસિદ્ધ કરેલું તે તેમનું પહેલું પ્રકાશન હતું. તેમનાં બીજાં પુસ્તકો મુખ્યત્વે કરીને વિવેચનોનાં તથા સાક્ષરોના સમભાવી જીવનચરિત્રોનાં છે. તેમનાં પુસ્તકોની નામાવલિ નીચે મુજબ છે: (૧) રસગંગા (વ્રજલાલ શાસ્ત્રીકૃત) ઈ.સ. ૧૯૩૪ (૨) સાહિત્યને ઓવારેથી ઈ.સ. ૧૯૩૮ (૩) સાહિત્યદૃષ્ટાને ઈ.સ.૧૯૪૧ (૪) પાનદાની (નવલિકાઓ) ઈ.સ.૧૯૪૧ ‘સાહિત્યને ઓવારેથી’ એ પુસ્તક ૧૯૩૯-૪૦ ફર્સ્ટ ઇયર આર્ટ્સ અને કૉમર્સ માટે પાઠ્ય પુસ્તક તરીકે મંજુર થયું હતું.

***