ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/સાકરચંદ માણેકચંદ ઘડિયાળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સાકરચંદ માણેકચંદ ઘડિયાળી

શ્રી. સાંકરચંદ માણેકચંદ ઘડિયાળીનો જન્મ સુરતમાં તા. ૧૭-૧૧-૧૮૭૭ના રોજ થયો હતો. તેમનાં માતાનું નામ ઇચ્છાબહેન હતું. અમદાવાદની વીસાશ્રીમાળી જૈન જ્ઞાતિમાં તે હતા. શ્રી. સાકરચંદના પિતામહ મોતીચંદ જયચંદ આશરે ૧૫૦ વર્ષ પૂર્વે અમદાવાદથી સુરતમાં આવી વસ્યા હતા. શ્રી. માણેકચંદ પહેલાં ઝવેરાતનું કામકાજ કરતા અને પાછળથી ઘડિયાળોનો વેપાર શરુ કર્યો ત્યારથી તેમની અટક ઘડિયાળી તરીકે સ્થપાઈ હતી. શ્રી. સાકરચંદ ઘડિયાળીએ પ્રાથમિક અને માધ્યમિક કેળવણી સુરતમાં લીધી હતી. ચૌદ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને તે મુંબઇમાં વિલ્સન કૉલેજમાં અભ્યાસ માટે દાખલ થયા હતો.. બી.એ. ની પરીક્ષામાં, બે વખત નાપાસ થવાથી અભ્યાસ છોડી દઇને તે દૈનિક “અખબારે સોદાગર”ના તંત્રીખાતામાં જોડાયા હતા. જૈન શ્વે. કૉન્ફરન્સને જન્મ આપવાના યત્નોમાં જેઓએ મુખ્ય ભાગ લીધો હતો તેમાંના એક શ્રી. ઘડિયાળી પણ હતા. કેટલાંક જૈન મંડળોના તે સભ્ય હતા અને કેટલાકના મંત્રી તરીકે પણ તેમણે કામ કર્યું હતું. “અખબારે સોદાગર" ઉપરાંત “મુંબઈ સમાચાર"માં, “હિંદુસ્તાન” અને “સાંજ વર્તમાન”માં પણ તેમણે કેટલોક વખત તાલીમ લીધી હતી. છેલ્લે કેટલાંક વર્ષોથી ‘મુંબઈ સમાચાર' પત્રમાં તે ‘જૈન ચર્ચા'ના કોલમનું સંપાદન કરે છે. તેમણે લખેલાં પુસ્તકોમાંનાં મુખ્ય નીચે મુજબ છેઃ (૧) દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ (૧૯૦૨), (૨) મોતની ખીણ (૧૯૦૩), (૩) પારસમણિ-Will-Power (૧૯૨૦), (૪) વિજયકળા-Art of Success (૧૯૨૩), (૫) હિપ્નોટિઝમ અથવા જીવતું વશીકરણ (૧૯૨૫). છેલ્લું પુસ્તક માનસવિદ્યાઓના તેમના વિશાળ અભ્યાસના ફળરૂપ છે. તેમનું પહેલું લગ્ન સં.૧૯૬૨માં ચુનીલાલ છગનચંદ શ્રોફનાં પુત્રી રતનબાઈ સાથે થએલું અને તેમનું અવસાન થતાં બીજું લગ્ન સં.૧૯૬૭માં શેઠ ડાહ્યાભાઈ કરમચંદનાં પુત્રી ગુલાબબાઈ સાથે થયું હતું. સં.૧૯૯૫માં બીજાં પત્ની પણ અવસાન પામ્યાં છે.

***