ચાંદનીના હંસ/૭ વગડાની આંખો ઊઘડતાં...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વગડાની આંખો ઊઘડતાં...

વગડાની આંખો ઊઘડતાં
કોયલ કૂવે જઈ પ્રલંબ સૂર પાથરે
તાડ પર ગીધ તીણું તીણું કંઈ ચૂંથે
પીળક પીળાં, ઘાસ ને ખોરડાં
ઘાસભરી ક્ષિતિજે તરે ઝૂંપડાં
ને અધવચે
સૂરજની ગાંસડી જાય તૂટી... ...
બળદ સહુ શાન્ત થઈ શીળે બેસે અને
એકલો હું ચરું તેજઘાસિયું.
વગડાની આંખો ઊઘડતાં
આજ ફરી થાય કે
કોઈ વાગોળતું હોય મને
તૃણની જેમ બે હોઠ વચ્ચે.
હુંય તડકે બની જઈ ઢળું કઈ વેરાનમાં, રાનમાં...

૧૮-૯-૭૨