ચાંદરણાં/આંસુ
Jump to navigation
Jump to search
9. આંસુ
- આંસુ એક સંબંધવાચક નામ હોય છે.
- બધાં આંસુ કંઈ આંખ સુધી આવતાં નથી.
- નનામા આંસુ પાસે એક અજાણ્યું નામ હોય છે.
- અંગતતાનું શિખર કે શિખરનો કળશ તે આંસુ.
- ભીની આંખ ફળદ્રુપ હૃદયની નીશાની છે.
- સુરદાસને દૃષ્ટિ ભલે ન મળે, આંસુ તો મળે...
- બધાં જ આંસુ અલ્પવિરામ હોય છે.
- બહુ મીઠો પ્રેમ ખારાં આંસુ પડાવે છે.
- આંસુ અને પાલવને ઘણીવાર છેટું પડી જાય છે.
- સઘન પ્રેમ જ ક્યારેક આંસુ રૂપે પ્રવાહી થઈ જાય છે.
- સ્મિત માંગો તો આંસુ પણ મળે.
- હર્ષનાં આંસુનો સુખદ અકસ્માત પણ ક્યારેક બને છે.
- કશુંક મૂલ્યવાન ખોવાય છે ત્યારે આંસુ તો મળે જ છે.
- દુઃખ પોતીકું ન હોય તોયે આંસુ પોતીકાં હોય છે.
- આંખોની અલગતામાં રહેલી એકતા આંસુ પ્રગટ કરે છે.
- આંસુની ખારાશ સૌથી મોંઘી હોય છે.
- આંસુ પોતે જ પોતાનું સરનામું શોધી લે છે.
- સરનામા વગરનાં આંસુ પણ હોય છે.
- સ્વાશ્રયી આંસુ પડે, સ્વાશ્રયી માણસ આંસુ પાડે.
- આંસુ ક્યાંથી આવ્યાં એ જોનારો નહીં, રડનારો જ જાણે છે!
- આંસુ પાડવા પડતાં નથી, પડી જાય છે.
- સૌથી વધુ અંગત આંસુ હોય છે.
- ભવિષ્ય પાસે આપણું હાસ્ય જ નહીં, આંસુ પણ હોય છે.
- દરિયો કંઈ મગરનાં આંસુઓથી ખારો નથી થયો.
- અશ્રુની ક્ષણો જ સ્મરણીય હોય છે.