ચિત્તવિચારસંવાદ/કેટલીક શબ્દાર્થ ચર્ચા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
છ. કેટલીક શબ્દાર્થચર્ચા

મધ્યકાલીન ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ કેટલુંક વિશિષ્ટ છે. એમાં એવા શબ્દો પણ મળતા હોય છે કે જેમનો અર્થ એના પ્રયોગો, વ્યુત્પત્તિ ઇત્યાદિને લક્ષમાં લઈને આપણે નિશ્ચિત કરવાનો રહે. જ્યાં બહુ પ્રયોગો પ્રાપ્ય ન હોય ત્યાં આપણે ભળતા અર્થમાં ખેંચાઈ જઈએ એવું પણ બને. ‘ચિત્તવિચારસંવાદ’ જેવી તત્ત્વવિચારાત્મક કૃતિઓમાં આવા સંભ્રમને વધારે અવકાશ રહે. અખાજી તો પાછા વિરલ અને વિલક્ષણ શબ્દપ્રયોગ કરવા ટેવાયેલા છે. વસ્તુતઃ ‘ચિત્ત-વિચારસંવાદ’માં એવા ઘણા શબ્દપ્રયોગો મળે છે જેના અર્થની સ્પષ્ટતા કરવી પડે અને એના આધારો પણ ખોળવા પડે. કેટલાક શબ્દોના અન્યત્ર લેવાયેલા અર્થ યોગ્ય જણાતા નથી તો કેટલાક શબ્દપ્રયોગોના અર્થ પરત્વે ગેરસમજણ થવાની શક્યતા દેખાય છે. કોઈક શબ્દપ્રયોગ એવો પણ કૂટ લાગ્યો છે કે જેનો અર્થ નિશ્ચિત કરી શકાયો નથી. આવી ઘણી શબ્દાર્થચર્ચા કૃતિની વાચનાની સાથે જ ‘સમજૂતી’ વિભાગમાં કરેલી છે. પરંતુ કેટલાક મહત્ત્વના પ્રયોગોની અર્થચર્ચા અહીં જ કરવી વધારે ઉચિત લાગે છે. એ રીતે એ પ્રયોગો તરફ વિશેષ ધ્યાન ખેંચી શકાશે. અહીં હવે પછી નીચેના શબ્દોની અર્થચર્ચા કરી છે : (૧) અજમાલ્ય (૨) અંથ (૩) તંત (૪) નાટ (૫) ન્યર્ત્ત્ય (૬) પ્રાયઃ (૭) બાધી (૮) રૂંસ/રુસલ્ય (૯) વરતણ્ય (૧૦) વિચેવીચપણું (૧૧) શંભ (૧૨) સમોગુણ (૧૩) સારોદ્ધાર (૧૪) સુરતિ, સુરત (૧૫) હુંસ. આ ઉપરાંત સમજૂતી વિભાગમાં જુઓ કેટલીક ગૌણ પણ ઉપયોગી શબ્દાર્થ-નોંધ : અવઘાય (૨૪૭), અહરો (૧૭૯), આરોપીને (૧૪૦), છામખેડૂ (૨૭૦) દ્ધા (૩૧૯), દુની (૨૦૯), દેઈ (૨૯૬), દૃષ્ટ્યમુષ્ટ્ય (૨૨૭), ધંધ (૩૩૮), નેડો (૩૪૩), પદું (૧૧૧), પેર્ય (૩૨૧), પ્રતીકાર (૩૪૩), મોરથી (૬૭), રશે (૩૪૨), શીર (૨૫૯), સમાસ (૩૧૮), સમોહોલે (૪૦૩).

૧. અજમાલ્ય

‘ચિત્તવિચારસંવાદ’માં બે સ્થાને આ શબ્દ વપરાયો છે :

અખેપદ તો છે અજમાલ્ય. ૨૦૪
અન્ય શાસ્ત્રે મેં મૂક્યું અજમાલ્ય. ૨૫૭

‘અજમાલ્ય’ શબ્દનો શો અર્થ કરવો તે કોયડો છે. અખાજીના છપ્પામાં પણ એક સ્થાને આ શબ્દ વપરાયેલો મળે છે :

ધન આયુ વિદ્યા બલ રૂપ, શૂર ચાતુરી ન્યાય સિધ્ય ભૂપ,
જ્ઞાન ભક્તિ વિવેક વૈરાગ્ય, ચોરી વ્રત તીરથ તપ ત્યાગ,
અખો કહે સર્વે અજમાલ, જો આપે આપનો માલ. ૬૦૩

ઉમાશંકર જોશી ‘અજમાલ’નો “અજા, માયા, તેની માળા?” એવો અર્થ સંદેહપૂર્વક નોંધે છે. ભૂપેન્દ્ર ત્રિવેદી “પરમાત્માની લીલા, માયા, જંજાળ” એવો શબ્દાર્થ નોંધી છેલ્લી પંક્તિનો અનુવાદ આમ કરે છે :

“એ સહુ માયાની નીપજ છે. માણસ પોતે આ બધાંને પોતાનાં માને છે.”

‘અજમાલ’ શબ્દમાં ‘અજા’ શબ્દ રહેલો માનવામાં સાહસ છે તે ઉપરાંત આ અર્થો આ છપ્પામાં જ યોગ્ય રીતે બેસતા નથી. વાક્યાન્વય તો ભૂપેન્દ્ર ત્રિવેદીએ કર્યો છે તેવો નહીં પણ આ જાતનો છે – ધન આયુ વગેરે જો ‘પોતાનો માલ આપે તો’ એ સર્વે અજમાલ છે. ‘પોતાનો માલ આપે તો’નો અર્થ પોતાનું સારતત્ત્વ આપે (આત્મદર્શન કરાવે?) એવો કરીએ તો ‘અજમાલ’નો અર્થ ‘માયાની નીપજ’ ન જ થઈ શકે. વળી, ‘ચિત્તવિચારસંવાદ’માં તો અક્ષય-પદને ‘અજમાલ’ કહ્યું છે. ‘માયાની નીપજ’ એ અર્થ ત્યાં સાવ અસંગત છે. છપ્પામાં એવો અર્થ હોઈ શકે કે ધન આયુ વગેરે પોતાનું સારતત્ત્વ આપે તો એ બધાં સાર્થક છે, ઉપયોગી છે, કામનાં છે. પણ અક્ષયપદને સાર્થક કહેવામાં કંઈ ઔચિત્ય જણાતું નથી ને ‘મૂક્યું અજમાલ્ય’માં તો એ અર્થ બેસાડી જ શકાતો નથી. અખાજીના એક પદમાં પણ આ શબ્દનો પ્રયોગ મળે છે :

જાણી શકો તો જાણજો, થોડામાં ઘણું ભાખ્યું,
લહી શકે તે લહે અખા, અજમાલે નાખ્યું. (૧૮૮/૮)

ભૂપેન્દ્ર ત્રિવેદી અહીં “અજમાલે =?” એટલી જ નોંધ મૂકે છે. ‘અખાની વાણી’ ‘અજમાલ્ય’ પાઠ લઈ “માયાનું ફૂલ” એવો અર્થ આપે છે પણ એ અર્થ તદ્દન અસંગત છે. ‘અજમાલે (કે અજમાલ્ય) નાખ્યું’ એ ‘મૂક્યું અજમાલ્ય’ જેવો જ પ્રયોગ છે અને એમાં ‘અજમાલ્ય’ શબ્દ ક્રિયાવિશેષણ તરીકે કાર્ય કરે છે એમાં શંકા નથી. અખાજીની એક હિંદી જકડીમાં ‘જમાલા’ શબ્દનો પ્રયોગ મળે છે :

બહુરંગી લટકાળા રે
સુરત બહુલ જમાલા રે
તિનકો છોડે અભાગી કાલા રે
જો લાગ્યા પ્રીતમકા હાવા રે! (અપ્રસિદ્ધ) અક્ષયવાણી, ૯૭)

અહીં ફારસી શબ્દ ‘જમાલ’ કે ‘જમીલ’ હોય એવું જણાય છે. ‘જમાલ’ એટલે સુંદરતા, શોભા, ઐશ્વર્ય; ‘જમીલ’ એટલે સુંદર, ઐશ્વર્યયુક્ત. અખાજીમાં ‘જમાલા’ વિશેષણ છે એટલે એનો ‘સુંદર’ અર્થ બરાબર બેસી જાય છે : એની સુરત (ચહેરો) ખૂબ સુંદર છે. ‘ભગવદ્‌ગોમંડલ’ ‘જમલ’ ‘જમીલ’ પરથી આવેલા શ્રેષ્ઠતાદર્શક રૂપ ‘અજમલ’ની નોંધ લે છે અને એનો અર્થ ‘સૌથી સુંદર’ આપે છે. અરબી ‘અજમાલ’ તે ‘જમાલ’ (સૌન્દર્ય)નું બહુવચન છે. અખાજીના ‘અજમાલ’ શબ્દને ‘અજમલ’ ‘જેવા શ્રેષ્ઠતાદર્શક અર્થમાં ‘ચિત્તવિચારસંવાદ’ની એક પંક્તિમાં બેસાડી શકાય છે – અક્ષયપદ તો સૌથી સુંદર છે, અદ્‌ભુત છે. અખાજીના ‘અદબદ’ જેવો આ શબ્દ ગણી શકાય. પરંતુ ‘ચિત્તવિચારસંવાદ’ની અન્ય પંક્તિમાં, છપ્પામાં અને પદમાં આ અર્થ બેસાડવાનું મુશ્કેલ જણાય છે. ‘સૌંદર્ય’ (બહુવચન) એ અર્થ તો કશે બેસતો નથી. ફારસી ‘ઇજમાલ’ ‘ઇજમાલી’ શબ્દ પણ છે. ‘ઇજમાલ’ એટલે ‘સંક્ષેપ’; ‘ઇજમાલી’ એટલે ‘સંક્ષેપમાં.’ ‘ઇજમાલ-ઇજમાલી’નું ‘અજમાલ્ય’ થઈ જઈ શકે, ૫ણ આ અર્થો બધે સ્થાને બેસાડવાનું ઘણું મુશ્કેલ લાગે છે. ‘ઉજ્જ્વાલ’ પરથી ‘અજમાલ’ શબ્દ આવ્યો હશે? ‘ઉજમાળ’ શબ્દ ગુજરાતીમાં છે તેનું ‘અજમાળ’ થઈ શકે. એમ હોય તો અર્થ બેસાડી શકાય તેવી સ્થિતિ લાગે છે : ‘અક્ષયપદ તો ઉજ્જ્વળ, પ્રકાશમાન છે.’ ‘સર્વે પોતાનો મર્મ પ્રગટ કરે તો ઉજ્જ્વળ છે’ વગેરે. અજમાલ્ય મૂક્યું કે નાખ્યું એટલે પ્રકાશિત કર્યું એમ અર્થ કરી શકાય. પણ શબ્દની આ વ્યુત્પત્તિ તથા આ પ્રયોગો માટે વધુ સમર્થનની અપેક્ષા છે. છેવટે ‘અજમાલ’ શબ્દ અર્થદૃષ્ટિએ સંદિગ્ધ જ રહે છે.

૨. અંથ

૨૭૭મી કડીમાં આ શબ્દનો પ્રયોગ મળે છે : એ માહાં સંશે ન રહ્યો અંથ. અખાના છપ્પામાં પણ આ શબ્દ વપરાયેલો છે : શબ્દજાળ એ કર્મઠગ્રંથ એમાં સાર ન લાધે અંથ. ૨૯૪. ઉમાશંકર જોશી ‘અંથ’ શબ્દનો “સહેજ પણ” એ અર્થ આપે છે પરંતુ એ વિશે પ્રશ્નાર્થ કરે છે કેમકે, એક પ્રતમાં અહીં ‘આથ’ (=પૂંજી) એવો પાઠ મળે છે. ભૂપેન્દ્ર ત્રિવેદી આ શબ્દના “વસ્તુ, તત્ત્વ, (સં. અર્થ?), લેશમાત્ર” એમ અર્થો નોંધે છે પણ અનુવાદ “સહેજ પણ” કરે છે. પ્રેમાનંદના ‘ઓખાહરણ’માં (કડવું ૭) પણ આ શબ્દ વપરાયેલો છે :

તુજમાં જ્ઞાન બુદ્ધય નથી અંથ જો.

‘પ્રેમાનંદની કાવ્યકૃતિઓ’માં આ શબ્દનો અર્થ “સહેજ, લેશ” અપાયેલો છે. વધારે ચોક્કસ રીતે ‘સહેજ પણ’, ‘લેશ પણ’ કરવો જોઈએ. અખાજીના પદમાં પણ આ શબ્દ વપરાયેલો છે :

આ અવસર ભલો જો તું ચેતે હૃદે, સંસાર સરખો કદા નહિ જ કેને;
અંથ ઊડે એક પલકમાંહી ખરે, રખે પતિયાય સત જાણી એને. (૧૦૮/૧)

ભૂપેન્દ્ર ત્રિવેદી અહીં “સંપત્તિ” અર્થ આપે છે, પણ એ અર્થને સંદર્ભમાં બેસાડવો મુશ્કેલ છે. અહીં સંસારની વાત છે. એ જરા પણ ઊડે તો પાછો પલકમાં ખરી જાય છે એમ અન્વય થઈ શકે છે. એટલે ‘અંથ’નો ‘જરા પણ’, ‘સહેજ પણ’ એ અર્થ લેવામાં મુશ્કેલી નથી. મધ્યકાલીન ‘આથ’ (સં. અસ્તિ) એટલે મૂડી, સંપત્તિ, પણ ‘અંથ’ એટલે તો ‘જરા પણ; સહેજ પણ’ એવો જ અર્થ જણાય છે.

૩. તંત

આ શબ્દ ‘ચિત્તવિચારસંવાદમાં’ નીચેનાં સ્થાને મળે છે :

એ ઉપર તુંને કહું દૃષ્ટાંત, તે સોલે અંશે માને તંત,
જ્યમ સૂર્યધામ કોએ જોવા કરે, પણ જોઈ ન સકે મહાતેજ આકરે. ૩૭૮

‘તંત’ શબ્દના અહીં લીધેલા અર્થ માટે રાજસિંહકૃત ‘આરામશોભા-ચોપાઈ’માંથી સ્પષ્ટ આધાર મળે છે :

મંત્રીઇ કહિઉ વરતાંત, બાંભણ ભાખિત તંત (૯૫)
તિહારઇ હો પ્રત્યય એક તઇ જાણિવુ હો તારા કેસાં હુંતુ,
પડતુ હો મૂઉ નાગ તું દેખીસી હો, જાણે પુત્રી તંત. (૨૨૫)
સવિ વિચારઇ નિજ મનઇં રે, “ઇણિ નારિંઈ કહિઉ તે તંત ” (૩૬૨)
દુખ લહી સુખ જે તઇ લહ્યાં તંત કહૂં હવ તેમ રે. (૪૧૩)

આ બધે સ્થાને ‘તંત’નો ‘ખરી વાત’ ‘ખરું’ એવો અર્થ બરાબર બેસે છે. (જુઓ આરામશોભા રાસમાળા, સંપા. જયંત કોઠારી.) રાજસ્થાની કોશ ‘તંત’ શબ્દનો એક અર્થ ‘સત્યતા’ આપે જ છે. અખાના છપ્પામાં પણ આ શબ્દ વપરાયેલો મળે છે :

ધર્મ સતવાદી, ભીમ બળવંત, સહદેવ જોશી જાણ્યો તંત (૧૮)
આસુરીના ફેરા ફરે છે જંત, તે નવ જાણે વસ્તુ તંત (૬૯૩)

‘તંત’ શબ્દના વિવિધ અર્થો લેવાયેલા મળે છે – તંત્ર, યોજના, તાંતણો, પરંપરા, કેડો, મમત, ટાણું વગેરે. પરંતુ જયંત કોઠારી આ બે છપ્પામાં ‘છેડો, પાર’ એવો એવો અર્થ હોવાના તારણ પર આવે છે (અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર, પૃ. ૧૫). ‘ચિત્તવિચારસંવાદ’ની પ્રસ્તુત કડીમાં આ અર્થ ભાગ્યે જ બેસી શકે છે, ‘ખરી વાત’ કે ‘ખરું’ એ અર્થ જ બરાબર બેસે છે. છપ્પાના સંદર્ભોમાં પણ એ ન બેસે એવો તો નથી જ.

૪. નાટ

‘ચિત્તવિચારસંવાદ’માં આ શબ્દ ત્રણ વાર વપરાયો છે. અખાના છપ્પામાં પણ કેટલેક સ્થાને એ વપરાયો છે અને ઉમાશંકર જોશીએ એનો અર્થ ‘નાટક’ ‘તમાશો’ એવો કર્યો છે. છપ્પાની એ પંક્તિઓ નીચે મુજબ છેઃ

શી પેરે પરપંચ બેસે ઘાટ, જેનું મૂળ મિથ્યા છે નાટ. ૩૩૭
દ્વૈત વિના ન બેસે ઘાટ, અને એકલો તાં ન બોલે નાટ. ૩૪૭
સમજ્યો નર શો બાંધે ઘાટ, આપાપર ટળી ગયો નાટ. ૫૩૩

પરંતુ જોઈ શકાય છે કે આ પંક્તિઓમાં ‘નાટક’ કે ‘તમાશો’ અર્થને ભાગ્યે જ અવકાશ છે. એ અર્થ લેવાથી બરાબર વાક્યાન્વય પણ થતો નથી. બીજું’, ‘નાટ’ શબ્દને છોડી દઈએ તો પણ વાક્ય બેસી જાય છે. જેમકે, ૩૩૭મા છપ્પામાં ‘જેનું મૂળ મિથ્યા છે એ પ્રપંચની વાત મનમાં કઈ રીતે બેસે?’ એવો અર્થ સરળતાથી કરી શકાય છે. આનો અર્થ એ થાય કે ‘નાટ’ માત્ર ભારવાચક અવ્યય છે. એ નોંધપાત્ર છે કે ભૂપેન્દ્ર ત્રિવેદી ‘નાટ’ શબ્દનો ‘નિશ્ચિતપણે’ એવો અર્થ કરે છે અને એ અર્થ આ બધે સ્થાને બેસી જાય છે. જેમકે, ‘જેનું મૂળ નિશ્ચિતપણે (ખરેખર) મિથ્યા છે એ પ્રપંચની વાત મનમાં શી રીતે બેસે?’ ‘નક્કી’, ‘ખરેખર’, ‘જ’ એવો કોઈ પણ ભારવાચક અર્થ અહીં લઈ શકાય. ‘ચિત્તવિચારસંવાદ’ની નીચેની પંક્તિઓમાં પણ ‘નાટ’ શબ્દનો એ અર્થ સહેલાઈથી બેસાડી શકાય છે :

એ તો સઘલો બાંધેલ ઘાટ, પણ કોએ નહીં નિરાલે નાટ. ૮૪
સહજે ઊપજે નાના ઘાટ, અસંભાવ્ય મહા મોટો નાટ. ૮૯
એહેનો જો ત્યાં બેસે ઘાટ, તો અતિશે વારુ થાએ નાટ. ૨૬૮

કડી ૮૪માં ષડ્‌દર્શનો ચીલાચાલુ વિચારો આપે છે, તેમાં કોઈ નવીનતા નથી એવો સંદર્ભ છે. એમાં ‘નાટ’ના ‘નાટક’ કે ‘તમાશો’ એ અર્થને સહેજે અવકાશ નથી. ખરેખર કોઈમાં નવીનતા નથી એ અર્થ લઈ શકાય. આવું જ અન્ય પંક્તિઓમાં પણ છે. ત્યાં બધે જ ‘નાટ’ શબ્દને છોડી દઈને પણ વાક્યાન્વય થઈ શકે છે. કડી ૮૯માં ‘નાટ’નો ‘નાટક’ અર્થ કરવાનું મન થાય એવી સ્થિતિ છે પણ એ અર્થને ટેકો આપતો બીજો કોઈ અસંદિગ્ધ પ્રયોગ મળે નહીં ત્યાં સુધી ‘નિશ્ચિતપણે’ ‘ખરેખર’ એ અર્થ જ સ્વીકારવો જોઈએ. આ કડીમાં પણ એ અર્થ બેસાડી તો શકાય. જેમકે, ‘આ ખરેખર મોટી અસંભાવનાની સ્થિતિ છે.’ પ્રેમાનંદના ‘અભિમન્યુ આખ્યાન’માં નીચેની પંક્તિમાં ‘નાટ’ શબ્દ વપરાયો છે :

મારા પુત્રજી રે એમ ન કીજે નાટ. (કડવું ૪૬)

લક્ષ્મણના મૃત્યુ પછી એને ઉદ્દેશીને કહેવાયેલ આ ધૃતરાષ્ટ્રની ઉક્તિ છે. જોઈ શકાય છે કે તેમાં ‘નાટક’ અર્થને અવકાશ નથી. ‘ખરેખર’ એ અર્થ લઈ શકાય છે. મધ્યકાળમાં ‘ખરેખર’, ‘ચોક્કસ’ એવા અર્થમાં ‘નેટ’ શબ્દ ઘણો જાણીતો છે. એ ‘નેટ’નું ઉચ્ચારભેદથી ‘નાટ’ થયું હોવાની સંભાવના વિચારવા જેવી છે. મધ્યકાળમાં આવા કેટલાક ભારવાચક અવ્યયો પાદપૂરક તરીકે પણ આવતા. તેનો કશો અર્થ ન લઈએ તોપણ ચાલે. ‘નાટ’ના કેટલાક પ્રયોગોને પણ એ રીતે લઈ શકાય.

૫. ન્યર્ત્ત્ય

આ શબ્દ અહીં નીચેની કડીમાં વપરાયો છે :

પંડ્યે પંડ્યે કેહી પેર્યે વ્યર્ત્ત્ય, તેહેની કાંઈ કેહેની મુજ ન્યર્ત્ત્ય. ૧૧૨

‘ન્યર્ત્ત્ય’ શબ્દ કયા અર્થમાં છે અને શાના પરથી આવ્યો છે તે વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. આ શબ્દ સંસ્કૃત ‘નિરુક્તિ’ પરથી આવ્યો હોવાની થોડી સંભાવના છે. ‘નિરુક્તિ’ એટલે વ્યુત્પત્તિ, અર્થવિવરણ, ખુલાસો એવો અર્થ છે. તો ‘ન્યર્ત્ત્ય’ એટલે સમજૂતી, સમજણ એવો અર્થ લઈ શકાય. ‘નિર્વૃત્તિ’ કે ‘નિર્વૃતિ’ પરથી એ શબ્દ આવ્યાનો પણ સંભવ છે. એ શબ્દો સિદ્ધિ, નિષ્પત્તિ, પરિપૂર્તિ, પરિણતિ, પૂર્ણ થવું તે વગેરે અર્થો બતાવે છે તો અહીં ‘ન્યર્ત્ત્ય’નો ‘પરિણામ (છેવટનું)’ એવો અર્થ હોઈ શકે. અખાના છપ્પામાં ‘નર્ત્ય’ અને ‘નરત’ એ શબ્દો વપરાયેલા જોવા મળે છે :

સહુ ઉપાસે મનની વૃત્ય, અખા ન લાધે હરિની નર્ત્ય. ૩૩૪
મુક્તિ-બંધ પૂછે મતિમંદ, શોધી જોતાં સ્વે ગોવિંદ,
પ્રાણપિંડમાં હું કે હરિ, એ જુએ અખા નરતે કરી,
બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર, જ્યમ આકાશકુસુમનો નોહે હાર. ૬૩૦

ઉમાશંકર જોશી બંને સ્થાને ‘નૂરત’ શબ્દ રહેલો માને છે અને તેનો અર્થ ‘પ્રકાશ’ કરે છે. ભૂપેન્દ્ર ત્રિવેદી ‘પ્રકાશ’ અર્થ સ્વીકારવા ઉપરાંત ૬૩૦માં ‘લગની, પ્રેમ કે ભક્તિભાવ’ અને ૩૩૪મા છપ્પામાં ‘ભાળ’ એવો અર્થ કરે છે. ‘નર્ત્ય’ શબ્દનો ‘ભાળ’ અર્થ કઈ રીતે આવે તે તો સમજાય તેવું નથી. (સંદર્ભમાં એ અર્થ બેસી જાય છે એ જુદી વાત છે.) ‘નિરત્યે’ પાઠ લઈ કરેલા “લગનીથી”, “ભક્તિભાવપૂર્વક” એ અર્થો શક્ય છે પણ અહીં સંદર્ભમાં ઉપકારક લાગતા નથી. ‘પ્રકાશ’ એ અર્થ ૩૩૪મી કડીમાં બેસી શકે પણ ૬૩૦મીમાં એ ઘણો ખેંચાયેલો લાગે છે. આમે ‘નૂરત’ શબ્દ ‘સૂરતનૂરત’ના જોડકા રૂપે આવતો હોય છે. અખાભગતમાં પણ એ કેટલેક ઠેકાણે વપરાયેલો છે પણ એ તો આધ્યાત્મિક યોગની કોઈક દશા સૂચવે છે. તેના ચોક્કસ અર્થ પરત્વે ઘણા ભિન્ન મતો પ્રવર્તે છે. એ શબ્દ અહીં હોવાનું માનવા માટે કોઈ કારણ દેખાતું નથી. એટલે ‘ન્યર્ત્ત્ય’, ‘ન્યર્ત્ય’ અને ‘નરત’ એ શબ્દો કોઈ સામાન્ય અર્થમાં હોય એવું જ સમજાય છે. વિશ્લેષણ, વિવરણ, ખુલાસો, સમજૂતી, સમજણ એવી અર્થછાયા વધારે બંધબેસે છે. જેમકે, ૩૩૪મા છપ્પામાં પરમાત્મા મનની ગતિથી પર છે એ મુદ્દો છે ત્યાં ઉપર્યુક્ત પંક્તિનો અર્થ આમ કરી શકાય : ‘બધા મનની વૃત્તિથી ઉપાસના કરે છે પરંતુ એમને હરિની સમજણ (જ્ઞાન) પ્રાપ્ત થતી નથી.’ ૬૩૦મા છપ્પામાં આત્મા તે જ પરમાત્મા હોઈ મુક્તિ અને બંધની વાતને કોઈ અવકાશ નથી એવો મુદ્દો છે ત્યાં બીજા – ત્રીજા ચરણનો અન્વય અને અર્થ આમ કરી શકાય : ‘પ્રાણ – પિંડમાં હું છું કે હરિ છે તે તું વિશ્લેષણપૂર્વક – સ્પષ્ટ કરીને – સમજણપૂર્વક જુએ તો બંધમોક્ષની વાત ન કરે.’ આ બંને છપ્પાઓમાં ‘પરિણામ’નો અર્થ પણ કદાચ બેસાડી શકાય. ૩૩૪મા છપ્પામાં ‘પરિણામ રૂપે હરિ મળતા નથી’ એવો અર્થ કરી શકાય અને ૬૩૦મા છપ્પામાં ‘તું પરિણામે, છેવટે જુએ તો’ એમ અર્થ કરી શકાય. દેખીતી રીતે જ આ અર્થ બેસાડવામાં થોડી અગવડ પડે છે. છેવટે આ શબ્દનો કોઈ અસંદિગ્ધ અર્થ આપવાનું શક્ય જણાતું નથી.

૬. પ્રાય :

અખાજીમાં ‘પ્રાયઃ’ શબ્દનો ઉપયોગ ખાસ નોંધ માગે છે. તેનો પ્રચલિત અર્થ તો ‘મોટે ભાગે’, ‘ઘણું ખરું’ એવો છે પરંતુ અખાજીમાં આ શબ્દ જુદા અર્થમાં પ્રયોજાતો હોય એવું જણાય છે. કેટલાક સંદર્ભ એવા છે જેમાં એ શબ્દ નિશ્ચિતતા, સિદ્ધ હકીકત દર્શાવવા વપરાયો છે એટલે કે એ ‘જ’કારનો અર્થ બતાવે છે. જેમકે,

માનનહારો ચિત્ત મુખ્ય તું, અને પોષણહારો નિકટે હું,
માને તો પરમ ચૈતન પ્રાઇ, નહીં તો ચિત્ત રૂપે સદાઈ. ૧૩૪

અહીંયાં ચિત્ત જો માને તો એ પરમ ચૈતન્ય ‘જ’ છે એમ જ અર્થ હોઈ શકે, એ ‘મોટે ભાગે’ પરમ ચૈતન્ય છે એવો અર્થ ન હોઈ શકે.

કામ ક્રોધ મદ મછર પ્રાઇ, તુજ મરતે એકે મરી જાઇ. ૨૮૫

ચિત્તની ચિત્તદશા ટળી જતાં કામ, ક્રોધ, મદ, મત્સર રહેતા નથી એવું અહીં તાત્પર્ય છે. તો ‘મોટે ભાગે’ રહેતા નથી એમ નહીં પણ રહેતા ‘જ’ નથી. એમ જ અર્થ કરવો જોઈએ. અન્યત્ર પણ નિશ્ચિતતાનો અર્થ લેવામાં કોઈ મુશ્કેલી પડતી નથી.

વિચાર કહે સાંભલ્ય ચિતરાઇ, મોરું એ લક્ષણ છે પ્રાઇ, ૬૩
પ્રાએ એ તે ચૈતનનો ઠાઠ, પણ તાહારે જોગ્યે ચાલે ઘાટ. ૧૬૨
ચિત્ત કેહે તાહારી કીમત્ય ન થાઇ, તોરા મૂલ ઊંડા છે પ્રાઇ. ૨૩૬

અખાના છપ્પાનું નીચેનું ઉદાહરણ આ સંદર્ભમાં ઉપયોગી છે :

જીવ બ્રહ્મને હાથે સાહે, એમ અખા હોયે નહિ પ્રાયે. ૫૪૦

પ્રસ્તુત સંદર્ભમાં બ્રહ્મની અરૂપતાની વાત છે. એટલે જીવ બ્રહ્મને હાથથી પકડી શકે એવું બની ‘જ’ ન શકે એમ અર્થ કરવો જોઈએ. ‘મોટે ભાગે’ બની શકે નહીં એવો અર્થ ન કરી શકાય. સંસ્કૃતનો પ્રાયઃ શબ્દ ‘મોટે ભાગે’ ઉપરાંત ‘સામાન્ય નિયમ તરીકે’ એવો અર્થ પણ આપી શકે. ‘જ’ કારનો અર્થ આ બીજા અર્થમાંથી આવી શકે અને આવ્યો જણાય છે. મધ્યકાળમાં કેટલાક શબ્દો પદ્યમાં માત્ર પાદપૂરક તરીકે વપરાતા હતા. ‘પ્રાયઃ’ને પણ એવો શબ્દ ગણવો હોય તો ગણી શકાય. એનો કંઈ અર્થ ન લઈએ તો પણ ઘણે સ્થાને ચાલે. પણ તેનો ‘મોટે ભાગે’ કે ‘ઘણું ખરું’ એ અર્થ તો ન કરવો જોઈએ.

૭. બાધી

આ શબ્દ ‘ચિત્તવિચારસંવાદ’માં નીચેનાં સ્થાને મળે છે :

ચિત્ત કહે છે મુજપણું ભલું કહ્યું, કારણ સહિત ભલું નિરવહ્યું,
જીવપણાનો એ નિરવાહ કર્યો, અને ઈશ્વરતા બાધી એ ઊચર્યો. ૧૭૭

‘બાધી’ એટલે તો શબ્દશઃ ‘બધી’ થાય પણ ગુજરાતીમાં ‘બધી’ શબ્દ બે રીતે વપરાય છે. ‘બધી’ એટલે ‘આખી’ (સમગ્રતાવાચક) અને ‘બધી’ એટલે સઘળી, સર્વ, ઘણી (અનેકતાવાચક). ‘બાધું’ શબ્દ માત્ર સમગ્રતાવાચક છે, અનેકતાવાચક નથી. એટલે તેનો અનુવાદ ‘આખું’ જ કરવો જોઈએ, ‘બધું’ નહીં. અખાના છપ્પામાં પણ ઘણે સ્થાને ‘બાધું’ શબ્દ આ રીતે વપરાયેલો જોવા મળે છે :

જ્યમ નર નૌકામાં આસન કરે, બેઠો બાધી પૃથિવી ફરે. ૧૪૯
જ્યમ બાધા દામ વ્યાપારી લખે, પણ અખા વણજ નોહે છૂટા પખે. ૨૪૮
એમ જોતાં અખો તે કશો? બાધા મેઘમાં એક બુંદ જશો. ૫૧૮
અકસ્માત ઉપન્યો વિચાર, સત્યાસત્ય બાધો સંસાર. ૫૩૩
જળ જામે ને જળ વીઘરે, તે બાધી અવની પરવરે. ૫૮૭
અખા બ્રહ્મ છે બાધું નામ, તે મધ્યે અળગા અળગા ગામ,
જેમ બાધું જોતાં એક જ ઝાડ, વિગતે જોતાં ભાગે જાડ્ય. ૬૬૯

જોઈ શકાય છે કે બધે ‘બાધું’ એટલે ‘આખું’, ‘અખંડ’ એ અર્થ જ સ્વાભાવિક છે.

૮. રૂંસ/રુસલ્ય

‘ચિત્તવિચારસંવાદ’માં આ શબ્દો બે સ્થાને વપરાયા છે.

વિચાર કહે એ તો ચિત્ત હૂંસ, જીવપણાની ચાલી રૂંસ. ૧૧
અને બોલ્યા પાખીએ તે શું કરું, એમ જાણી રૂસલ્ય ઊચરું. ૨૧૮

અખાના છપ્પાઓમાં ‘રૂંસ’/રૂસલ’ શબ્દ વપરાયેલો મળે છે :

ભણેગણ્યે શી સાધી વાત? અવળાં પડ વળ્યાં વળી સાત.
ઊંચનીચ રૂસલમાં હતાં, અખા થાપીને કીધાં છતાં.
પાંડિત્ય કરતાં લાગ્યું પાપ, પાઈ દૂધ ઉછેર્યો સાપ. ૨૯૮
એમ અખાને હરિ તાં જડ્યો, કાયક્લેશ કરવો નવ પડ્યો.
તાં લગે ધા-ધૂપ પૂજ પખાળ, જ્યાંહાં ન લાધી હરિની ભાળ.
અજ્ઞાન, હૂંસ ને રૂસલમાંય, અળગા અળગા સહુ કો ધાય. ૩૫૫
ઊંચ ખરારે ઊંચ મ જાણ, નીચ તે નોહે નીચ નિર્વાણ.
ઊંચમાં રામ બમણો નથી ભર્યો, અને નીચ પિંડ ઠાલો નથી કર્યો.
કહે અખો રૂસલમાં બકે, જ્યમ છે ત્યમ જોઈ નવ શકે. ૩૭૧
ઘણા શબ્દ પડ્યા જે કાન, તેને તેનું લાગ્યું ધ્યાન.
કો રૂસલમાં પ્રવાહે વહ્યા, કો શબ્દને ગ્રાહે ગ્રહ્યા.
એમ ગોથાં ખાયે સંસાર, અખા વિના વસ્તુવિચાર. ૩૮૮

ઉમાશંકર જોશી ‘રૂસલ’ શબ્દનો અર્થ ‘રોષ’, ‘રિસાયેલાપણું, એવો નોંધે છે. (છપ્પાઓના ટિપ્પણમાં ‘અચેતન અવસ્થા’ એવો અર્થ પણ છે) પરંતુ રોષ કે રિસાયેલાપણાનો આ છપ્પાઓમાં કોઈ સંદર્ભ જણાતો નથી. વસ્તુતઃ રાગયુક્ત ભ્રમિત મનોદશા – જે સાચું જોવા ન દે એટલે કે ભ્રાન્તિ એવો આ શબ્દનો અર્થ જણાય છે. સં. ‘રોષ’નો એક અર્થ ‘રાગ’ છે અને આ શબ્દ એના પરથી આવ્યો હોવાનો પૂરતો સંભવ છે. ‘રૂંસ’ પરથી ‘રૂસલ’ થયું જણાય છે. ‘ચિત્તવિચારસંવાદ’ની ૧૧મી કડીમાં જીવપણાને જ ‘રૂંસ’ કહેલ છે ત્યાં ‘રોષ’નો અર્થ તો કઈ રીતે લઈ શકાય? જીવપણાની ભ્રાંતિ કે મનોદશા એવો જ અર્થ લેવો જોઈએ. ૨૧૮મી કડીમાં ‘રૂસલ્ય ઊચરું’ એટલે ‘ભ્રાંતિભર્યું બોલું છું’ એવો અર્થ સંદર્ભમાં બરાબર બેસે છે. નીચેની પંક્તિઓમાં પણ અજ્ઞાનની સાથે ‘રૂસ’ શબ્દ છે. એટલે મનુષ્યને બાંધનાર અજ્ઞાન જેવો જ એ કોઈ મનોભાવ છે એમ સમજાય છે.

બીજો નથી બોલણહાર, અજ્ઞાનરૂસે બંધાણો!
રૂસે બંધાણો જન્ત, ફરી નિત નિત પાશે. (કુંડળિયા, ૧૭)

રૂસ એટલે અજ્ઞાનથી જન્મેલી ભ્રાન્તિ એવો અર્થ પણ લઈ શકાય. અખાજીના એક પદમાં પણ ‘રૂસલ’ શબ્દનો પ્રયોગ મળે છે :

રૂસલ જપવો રામને, ગળવો પાનનો બીડલો;
રંગ સો રંગ જાણ્યા વિના, ખાધો નવ ગણવો. (૮૯/૫)
રૂસલ જપવો રામને, બીડાં પાન જ ગળવા;
(તેહને) રંગ સો રંગ ને ગુણ વિના, ખાધા નવ ગણવા. (૨૧૬/૫)

અહીં વાત તો રામનામના જાપની છે. રામનામના ‘રૂસલ’ જાપને પાનના બીડાને ગળી જવા સાથે સરખાવેલ છે. પાનના બીડાને એમ ને એમ ગળી જવાથી એના રંગ અને ગુણનો અનુભવ થતો નથી તેથી રામના અનુભવ વિનાના નામ-જપનની અહીં વાત છે એમ સમજાય છે. એમાં ‘રૂસલ’નો ‘ભ્રાંતિભર્યો’ એવો અર્થ બરાબર બંધ ન બેસે પણ અનુભવ વિનાનું એટલે કે અજ્ઞાનમય એવો અર્થ કદાચ બેસે. આ શબ્દના અર્થ માટે વિશેષ વિચારણાને અવકાશ છે.

૯. વરતણ્ય ‘ચિત્તવિચારસંવાદ’માં આ શબ્દ બે વાર વપરાયેલો મળે છે :

વિવેક વડે જે છે જ્ઞાન, ચિદાકાશ માંહાં તેહેનું ધ્યાન,
વરતણ્ય માત્ર આવે દેહ ભણી, પણ સુરતિ રહે ચિદમાંહાં તે તણી. ૩૦૪
દેશકાલ તાં તેહેને નહીં, પિતા વરતણે વરતણ્ય સહી,
પર્વત ચઢે કે જાએ પાતાલ, પણ રંચ આયાસ ન પામે બાલ. ૩૨૨

આ શબ્દ અખાના છપ્પામાં પણ બે સ્થાને વપરાયેલો મળે છે :

ચતુર તે જે ચતુરાઈ વમે, વરતણ માત્ર જગતમાં રમે,
લક્ષ સદા રહે ત્રિગુણાતીત, જ્યમ વહ્નિને લાગે નહિ શીત,
ભવજળથો કોરો નીસરે, અખા એવો ચતુર તે સરે. ૪૦૦
દશવિધજ્ઞાની લક્ષણ લક્ષ, તેનાં કહું આચરણ જે મુખ્ય,
નામ એક પણ લક્ષ જૂજવાં, જ્યમ પૃથ્વી એક ને ભિન્નભિન્ન કૂવા,
કૂપકૂપ જૂજવા નીરસ્વાદ, એમ અખા મન વરતણ વાદ. ૪૯૦

ઉમાશંકર જોશી આ બંને સ્થાને ‘વરતણ’નો ‘આજીવિકા’ અર્થ આપે છે અને એ અર્થના ટેકામાં માંડણની ‘વરતણ કાજિ વર્ત’ આ પંક્તિ ટાંકે છે. ભૂપેન્દ્ર ત્રિવેદી ૪૦૦મા છપ્પામાં ‘આજીવિકા’ અર્થ કરે છે પરંતુ ૪૯૦મા છપ્પામાં તે શબ્દના ‘વરતવું,’ ‘પરખવું’ એ અર્થો આપે છે. વસ્તુતઃ આ છપ્પાઓમાં ‘આજીવિકા’ અર્થ માટે અવકાશ હોય એવું જણાતું નથી. ૪૦૦મા છપ્પામાં ‘ખરા ચતુર’ એટલે કે જ્ઞાની પુરુષનું વર્ણન છે : જ્ઞાનીપુરુષનું લક્ષ હંમેશાં ત્રિગુણાતીત બ્રહ્મ તરફ હોય છે, માત્ર તેમનું ‘વરતણ’ જગતમાં હોય છે. દેખીતી રીતે અહીંયાં ‘વરતણ’ એટલે વર્તન, વ્યવહાર એવો અર્થ બેસે. ૪૯૦મા છપ્પામાં દસ પ્રકારના જ્ઞાનીઓનો ઉલ્લેખ છે અને તેમાં તેમના આચરણ વગેરેમાં જે ભિન્નતા છે તેની વાત છે. આ સંદર્ભમાં ‘એમ અખા મન વરતણ વાદ’નો અર્થ આ જ્ઞાનીઓનાં મન અને વર્તન એટલે કે આચાર-વિચારમાં, વાદ એટલે કે વિરોધ, ભિન્નતા હોય છે એમ જ અભિપ્રેત હોઈ શકે. ‘આજીવિકા’ એ અર્થ માટે અહીં પણ કશો અવકાશ નથી. ‘ચિત્તવિચારસંવાદ’ની ઉપર્યુક્ત કડીઓમાં ‘વરતણ’નો ‘વર્તન’, ‘વ્યવહાર’ એ અર્થ અત્યંત સ્પષ્ટ છે. ૩૨૨મી કડીમાં તો બીજો અર્થ આવી પણ કેમ શકે?

૧૦. વીચેવીચપણું

‘ચિત્તવિચારસંવાદ’ની ૨૩૫મી કડીમાં આ શબ્દ મળે છે :

જે પોતા માંહે વીચેવીચપણું, તે સમઝીએ તો વારું ઘણું.

આ ‘વીચેવીચપણું’ શબ્દ ચર્ચા માગે તેવો છે. સૌ પ્રથમ આ શબ્દના મળતા પાઠભેદોની નોંધ લેવી જોઈએ. ક ગ સિવાયની સર્વ પ્રતો અહીં ‘વિચેં વીચણું’ ‘વેચે વેચણૂં’ એવા પાઠ આપે છે, એટલે કે એમાં ‘વીચપણું’નો ‘પ’ નથી. આ પાઠને અખાના છપ્પાનો પણ ટેકો છે. ત્યાં આપણને ‘વીંચે વીંચણું’ એ પ્રયોગ મળે છે :

પોતામાં વીંચે વીંચણું, તે ન સંભાળે ઘર આપણું.
થૈ ગયું કે વળી આગળ થશે, તેની વાત કરે સહુ રસે.
એમ ચાલ્યો આવતો સંસાર, અખા ઘરમાં ખોયું સાર. ૩૯૧

અહીં ‘વીંચે વીંચણું’નો શો અર્થ કરવો તે પ્રશ્ન છે. ઉમાશંકર જોશી “પોતામાં–દેહભાવમાં વીંચણું-મીંચવું તે. ઘર આપણું-પોતાનું ઘર, બ્રહ્મ” એવા અર્થો આપે છે. ભૂપેન્દ્ર ત્રિવેદી, એમને જ અનુસરતા જણાય છે પણ ‘વીંચણું’ એટલે “બંધન, આડ” “દેહાભિમાન રૂપી આડ” એવો અર્થ આપે છે ને પહેલી પંક્તિનો અનુવાદ આમ કરે છે : “જે પોતાની બાબતમાં આંખ મીંચી દે છે, આડ ઊભી કરીને જાતતપાસ કરતો નથી, તે પોતાનું ઘર (આત્મસ્વરૂપ – મૂળધામ) જાળવી શકતો નથી.” એમ લાગે છે કે ‘ઘર’ શબ્દે આ બંને વિદ્વાનોને ભરમાવ્યા છે. એમણે ‘ઘર’ શબ્દને ‘મૂળ ધામ’ ‘આત્મ-સ્વરૂપ’ના અર્થમાં લીધો છે પણ એ યોગ્ય જણાતું નથી. છપ્પાની બીજી બે પંક્તિઓમાં સંસારી લોકોનું વર્ણન છે અને એ લોકોએ ‘ઘરમાં ખોયું સાર’ એવી વાત આવે છે. આનો અર્થ ઘરની આસક્તિમાં સારરૂપ તત્ત્વ - આત્મતત્ત્વ ગુમાવ્યું એવો જ થાય. (ભૂપેન્દ્ર ત્રિવેદી “ઘરમાં ને ઘરમાં જ, પોતામાં જ જે સારરૂપ છે – ચૈતન્ય છે – તેને તે ખોઈ નાખે છે” એવો અર્થ કરે છે તે પ્રતીતિકર નથી.) એટલે કે ‘ઘર’ શબ્દ અહીં સંસારી ઘરના અર્થમાં છે. પહેલી પંક્તિમાં પણ એમ જ ગણવું જોઈએ. ત્યાં પોતાના ઘરની ચિંતા ન કરનાર જ્ઞાનીની વાત છે એમ સમજવું જોઈએ, અને એ જ્ઞાનીની સ્થિતિનું વર્ણન ‘પોતામાં વીંચે વીંચણું’માં છે એમ માનવું જોઈએ. આ સંદર્ભમાં વિચારીએ ત્યારે ‘પોતામાં વીંચે વીચણું’નો અર્થ ‘દૃષ્ટિ અંતરમાં વાળે, આત્મદર્શન કરે’ એવો કરવાનું સહેજે સૂઝે પણ ‘વીંચણું’નો અર્થ ‘દૃષ્ટિ’ થઈ શકે? ‘વીચણું’નો અર્થ વીચવું તે એટલો જ કરીએ તો ‘વીચે વીચણું’એ પુનરુક્તિ ન બને? આ જાતના પ્રયોગને ક્યાંયથી ટેકો મળે છે? – વગેરે પ્રશ્નો ઊભા થાય છે. એ નોંધપાત્ર છે કે ‘ચિત્તવિચારસંવાદ’ની કડીમાં ‘વીચે વીચણું’ જ નહીં ‘વેચે વેચણૂં’ જેવાં પઠાંતર પણ મળે છે. એટલે લહિયાઓએ અહીં ‘વીચવું’ ક્રિયાપદ જ રહેલું હોવાનું માન્યું નથી. આથી એમ લાગે છે કે ‘વીચેવીચપણું’ જ કદાચ ખરો પાઠ હોય. કડીનો અન્વય પણ આ એક સંજ્ઞા હોવાની વાતને પુષ્ટ કરે એવો છે : જે પોતામાં ‘વીચેવીચપણું’ છે તે સમજાય તો ઘણું સારું. પછી સવાલ એ આવે કે ‘વીચે-વીચપણું’નો શો અર્થ કરવો? ‘વીચેવીચપણું’માં ‘વચ્ચેવચ્ચપણું’ શબ્દ રહેલો હોવાનું સહેલાઈથી માની શકાય. પણ ‘વચ્ચેવચ્ચપણું’નો અર્થ અહીં કેવી રીતે બેસાડી શકાય? એમ બની ન શકે કે પોતામાં વચ્ચોવચપણું એટલે પોતામાં ઓતપ્રોતપણું, આત્મરત સ્થિતિ એવો અર્થ હોય? ‘વીચેવીચણું’ પાઠ સ્વીકારીએ તોપણ એનો અર્થ આવો જ ન કરી શકાય? છેવટે આ શબ્દ એના રૂપ તથા અર્થની દૃષ્ટિએ અસ્પષ્ટ રહે જ છે. પણ એટલું ચોક્કસ છે કે છપ્પામાં તેમજ ‘ચિત્તવિચારસંવાદ’માં જ્ઞાનીની સ્થિતિનું વર્ણન છે અને તેથી આ શબ્દમાં કાં તો અંતર્મુખ દૃષ્ટિનો અથવા તો આત્મરતતાનો અર્થ રહેલો છે.

૧૧. શંભ

કડી ૧૩૭માં અને કડી ૨૭૩માં ‘શંભ’ શબ્દ વપરાયો છે તે ખાસ ચર્ચા માંગે છે.

હિરણ્યગર્ભનું સર્વે પ્રતિબ્યંબ, થાએ જાએ પણ પ્રાયે શંભ,
તે માહાનિધ્ય કેહેવો કેવડો, કરે સાખ્યાત તો તું વડો. ૧૩૭
તું છે અવાચ્ય કારણ કેરું પ્રતિબિંબ, તે માટે તું પ્રાએ શંભ. ૨૭૪

‘શંભ’ શબ્દ ‘શંભુ’ને સ્થાને છે તેમાં તો કોઈ શંકા નથી. વળી, એ દ્વારા શંકર ભગવાનનો નિર્દેશ થયો નથી એ પણ સ્પષ્ટ છે. કેમકે, એને માટેનો કોઈ સંદર્ભ અહીં નથી. ૧૩૭મી કડીમાં સર્વ જગત હિરણ્યગર્ભનું પ્રતિબિંબ છે, એ ઉત્પન્ન થાય છે તેમ નાશ પામે છે, પરંતુ અંતે શંભુરૂપ જ છે એવો અન્વય છે. અહીં શંભુરૂપ=બ્રહ્મરૂપ એવો અર્થ બેસે. પછીથી તરત જ એને માટે ‘મહાનિધિ’ શબ્દ વપરાયો છે તે પણ એ અર્થનું જ સૂચન કરે છે. ૨૭૪મી કડીમાં પણ ‘શંભ’ શબ્દ એ જ રીતે વપરાયેલો છે. ‘શંભુ’ શબ્દ ‘બ્રહ્મ’ના અર્થમાં વપરાતો હોવાની કોઈ પરંપરા જાણવા મળી નથી પરંતુ બ્રહ્મતત્ત્વનો શિવતત્ત્વ એટલે કે કલ્યાણકારી તત્ત્વ તરીકે ઉલ્લેખ થાય છે – અખાજીમાં પણ ‘શિવ’ શબ્દ એ રીતે વપરાયો છે. શિવ-જીવનું જોડકું બહુ જાણીતું છે. તેથી ‘શંભુ’ શબ્દ પણ એ રીતે અવશ્ય વાપરી શકાય. ‘શંભુ’ શબ્દ આહ્‌લાદકારી, આનંદકારી એવા અર્થ આપે છે તે પણ બ્રહ્મતત્ત્વને વર્ણવનારા ગણી શકાય. અખાજીના છપ્પામાં પણ આ શબ્દ વપરાયેલો છે.

અહંબ્રહ્મ રોપી રહે થંભ, એ પ્રાયે પરમેશ્વર ઊગ્યો શંભ. ૩૭૬

અહીં ‘અહં’ બ્રહ્મભાવમાં પરિણમે તે સ્થિતિનું વર્ણન છે. ત્યારે જે પરમેશ્વરપણું ઉદય પામે છે તેને ‘શંભ’ કહેવામાં આવ્યું છે. એ કલ્યાણકારી પરબ્રહ્મની જ અવસ્થા હોઈ શકે. ઉમાશંકર જોશી અહીં આ પ્રમાણે નોંધ કરે છે : “શંભ - ૧, શંભુ; ૨. (કે. હ. ધ્રુવ પ્રમાણે સં. ‘સંભૂય’માંથી) બધો, સર. શંભુમેળો.” આમાં ‘શંભુ’ એટલે ‘શંકરભગવાન’ ઉદ્દિષ્ટ હોવાનું સમજાય છે, જે યોગ્ય નથી. કે. હ. ધ્રુવને અનુસરી આપેલો ‘બધું’ એ અર્થ તો દૂરાકૃષ્ટ છે અને અહીં અપ્રસ્તુત છે. ભૂપેન્દ્ર ત્રિવેદી ‘શંભ’નો ’કલ્યાણકારી’ એવો વિશેષણાત્મક અર્થ કરે છે. અખાજીના પદમાં પણ આ શબ્દ મળે છે :

પવન તેજ ને પરથવી, અંબર ને અંબુ;
પાંચે શૂન્ય સમાવતાં, શેષ રહે એ તો શંભુ. (૯૨/૩)

પંચ મહાભૂતો નાશ પામતાં જે શેષ રહે તે બ્રહ્મચૈતન્ય છે, એમ અહીં ‘શંભુ’નો ‘બ્રહ્મ’ એ અર્થ સ્પષ્ટ છે. અહીં ‘કલ્યાણકારી’ એવું વિશેષણ પણ નહીં ચાલે. પછીથી કવિ એને ગુણાતીત ગોવિંદ તરીકે ઓળખાવે છે તે પણ ‘શંભુ’ના આ અર્થને ટેકો આપે છે. અહીં ભૂપેન્દ્ર ત્રિવેદીએ ‘શિવ’ ‘સર્વવ્યાપી વિષ્ણુ’ એવો અર્થ આપ્યો છે તે તો તદ્દન અસંગત છે. બીજા એક પદમાં આ પ્રમાણે કડી મળે છે :

શંભુ ઉત્પન્ન માંહાં શું શું રે ઊપજે, અર્ક ઉદ્યોત કેરે જ ન્યાયે;
વસ્તનો ઉદધિ સાવ સમરસ ભર્યો, લોઢને લહરી ત્યાંહાં હોય જ પ્રાયે. ૨૧૫/૧

આ કડીના અન્વયો થોડા અસ્પષ્ટ છે પરંતુ ‘શંભુ’ શબ્દ શંકરભગવાનના અર્થમાં નથી તેમ વિશેષણ પણ નથી એ સ્પષ્ટ છે. પછીથી એને માટે ‘વસ્ત – વસ્તુ’ શબ્દ પણ વપરાયો છે એટલે એ ‘બ્રહ્મ’ના અર્થમાં વપરાયો છે એમ માનવામાં પણ ખાસ મુશ્કેલી જણાતી નથી. આમ ‘શંભ – શંભુ’ શબ્દને ‘પરબ્રહ્મ’ની વાચક સંજ્ઞા ગણવી જોઈએ.

૧૨. સમોગુણ

૧૨૮મી કડીમાં ‘વિષ્ણુશરીર સમોગુણરૂપ’ એવો ઉલ્લેખ આવે છે તેમાં ‘સમોગુણ’ શબ્દ નોંધપાત્ર છે. પછીની કડીમાં બ્રહ્માને રજોગુણી અને શંકરને તમોગુણી કહ્યા છે તે પરથી એ તો તરત ખ્યાલમાં આવે એવું છે કે અહીં તો સત્ત્વગુણી વિષ્ણુ અભિપ્રેત છે. અ બ પ્રતે અહીં ‘સમોગુણ’નું ‘સત્ત્વગુણ’ કર્યું છે પણ એક પણ હપ્રનો તેને ટેકો નથી. આઠમાંથી સાત હપ્ર ‘સમોગુણ’ શબ્દ જ આપે છે એટલે એ પાઠ ભ્રષ્ટ હોવાની શક્યતા નહીંવત્‌ છે. એમ લાગે છે કે અખાજીએ ‘સત્ત્વગુણ’ના અર્થમાં ‘શમગુણ’ શબ્દ વાપર્યો છે (જેનું રજોગુણ, તમોગુણના સાદૃશ્યમાં ‘સમોગુણ’ થયેલું છે.) સત્ત્વગુણના અર્થમાં ‘શમગુણ’ વાપરવાની કોઈ પરંપરા હોવાનું જાણવા મળ્યું નથી પરંતુ સત્ત્વગુણ એટલે શાંતત્વનો ગુણ કે શાંતવૃત્તિ, તેથી ‘શમગુણ’ શબ્દ સત્ત્વગુણના અર્થમાં જરૂર વાપરી શકાય. અખાજીના આ શબ્દઘડતરમાં સાદૃશ્ય પ્રેરક બન્યું જણાય છે.

૧૩. સારોદ્ધાર

‘ચિત્તવિચારસંવાદ’ની ૧૯૭મી કડીમાં ‘સારોધાર’ શબ્દ વપરાયેલો છેઃ

જે સત ચિદ ને આનંદ સદાઇ, તે માંહાં તત્‌પદ ને ત્વંપદ બેઉ પ્રાઇ,
તો તાં મ્યેં તુજ કહ્યો પ્રકાર, તે સદા નિરંતર સારોધાર, ૧૯૭

આ ‘સારોધાર’ (સારોદ્ધાર) શબ્દ થોડી ચર્ચા માગે છે. ‘સારોદ્ધાર’નો જાણીતો અર્થ તો ‘સાર તારવવો તે’ છે, જે કોશ પણ નોંધે છે. પરંતુ અખાજીના છપ્પામાં આ શબ્દ બે સ્થળે વપરાયો છે ત્યાં ઉમાશંકરે સાર એટલે મદદ – સહાય અને ઉદ્ધાર એવો અર્થ લીધો છે. ભૂપેન્દ્ર ત્રિવેદી પણ કેટલેક અંશે આવું કરે છે પણ આ અર્થઘટન યોગ્ય લાગતું નથી. સંદર્ભમાં એ બેસતું પણ નથી. જેમકે, –

વેદનો લક્ષ તે કૈવલ્ય રહ્યો, અને ઈશ્વરલક્ષ તે પુરાણે ગ્રહ્યો.
તે ઈશ્વરના ચોવીસ અવતાર, તેમાંહે વળી સાર ઉદ્ધાર.
તે સ્થળ વળી પ્રતિમા કરી, એમ અખા માળા વિસ્તરી. ૫૧૦

અહીં વેદમાં કૈવલ્યબ્રહ્મની કલ્પના હતી તે બદલાતી બદલાતી મૂર્તિની કલ્પના સુધી પહોંચી એનું વર્ણન થયેલું છે. પુરાણે ઈશ્વરની કલ્પના કરી પછી ઈશ્વરના ૨૪ અવતાર મનાયા. એના સાર રૂપે બીજા વિચારો પ્રવર્ત્યા અને મૂર્તિની કલ્પના આવી – આમ અર્થનો અન્વય બેસાડી શકાય છે. એટલે કે ‘સાર-ઉદ્ધાર’નો સાર રૂપે તારવેલી સ્થિતિ, કલ્પના, વિચાર એમ અર્થ કરી શકાય છે. ભૂપેન્દ્ર ત્રિવેદી અહીં ઈશ્વરના ચોવીસ અવતારમાંથી “કેટલાક ઉત્તમ તો કેટલાક મધ્યમ (કે ઊતરતી કક્ષાના) ગણાયા” એમ અર્થ લે છે. આમાં તારવણીનો અર્થ આવે છે પણ ઉત્તમતા-મધ્યમતાનો અર્થ અખાજીને અભિપ્રેત હોય કે કેમ તે શંકાસ્પદ છે.

જે વિરલા રસિયા હરિ તણા, જ્યમ કેસરીસિંહ દીસે નહિ ઘણા.
સુભટ સૈન્ય મધ્યે બેચાર, ત્યમ માળા મુદ્રા સારોદ્ધાર.
જ્યમ અન્ય પંખી અતિ ઊંચો ચઢે, પણ અખા અનલ દર્શન નવ કરે. ૫૨૫

આ છપ્પામાં હરિના રસિયા એટલે કે બ્રહ્મજ્ઞાની અત્યંત વિરલ હોય છે એમ કહેવામાં આવ્યું છે. એને માટે કેટલાંક દૃષ્ટાંત યોજવામાં આવ્યાં છે. સિંહોમાં કેસરી સિંહ વિરલ હોય છે, સૈન્યમાં સુભટ (ખરા યોદ્ધા) વિરલ હોય છે, પંખીમાં અનલ વિરલ હોય છે. આ સમગ્ર અન્વયમાં ‘ત્યમ માળા-મુદ્રા સારોદ્ધાર’ એ ચરણ છૂટું રહી જાય છે. ઉમાશંકર એનો અર્થ “સાર (મદદ) અને ઉદ્ધાર કરનાર જપમાળા કે પંથની મુદ્રા (છાપ) કોઈક જ હોય” એવો અર્થ આપે છે. ને ભૂપેન્દ્ર ત્રિવેદી “માળા (મંત્રજાપ) અને (યોગની) મુદ્રાઓ (અથવા ધાર્મિક પંથ)ના સાર કે રહસ્ય સારી રીતે જાણનાર બહુ ઓછા હોય છે” એવા અર્થ આપે છે, જે ભાગ્યે જ સ્વીકારી શકાય એવા છે. એમાં તો માળા અને મુદ્રાનું સમર્થન થાય છે જે અખાજીને અભિપ્રેત હોવાનો સંભવ જરાય નથી. અખાજીને અભિપ્રેત તો એવું હોઈ શકે કે માળા-મુદ્રા ધારણ કરનારા તો અનેક હોય પણ તેમાં ખરા હરિરસિયા તો વિરલ જ હોય છે. જો આ અર્થ બરાબર ગણીએ તો ‘સારોદ્ધાર’ના પ્રચલિત અર્થને અવકાશ રહે છે. માળા અને મુદ્રા ધારણ કરનારાઓમાંથી તારવણી રૂપે થોડાક વિરલા હરિભક્તો જ બચે છે. આ જ રીતે ‘ચિત્તવિચારસંવાદ’ની પ્રસ્તુત કડીમાં ‘સારોદ્ધાર’ શબ્દ છે એટલે સારરૂપ તત્ત્વ એ અર્થ લઈ શકાય છે અને તે જ કરવો જોઈએ. સચ્ચિદાનંદમય સ્થિતિમાં જીવ અને બ્રહ્મ બંનેનો સમાવેશ છે એ વાત તત્ત્વદર્શનના દોહન રૂપે કહી શકાય એમ તાત્પર્ય છે.

૧૪. સુરતિ, સુરત

સુરતિ, સુરત્ય, સૂરત, સૂર્ત્ય, સૂરત્ય – એ શબ્દો અહીં નીચેની કડીઓમાં વપરાયેલા છે :

ચિત્ત કેહે તેં તે શો પુરુષાર્થ કર્યો, જૈ-જૈને કેટલે સંચર્યો,
વિચાર કહે જો તું મુજ પૂઠ્યે થાઇ, જોને સુરતિ ક્યાંહાં જાઇ. ૩૨
જ્યારે સુરત્ય ચાલે તોરી બાહાર્ય, ત્યારે તું કેવલ સંસાર,
તે જ સુરત્ય જ્યારે પાછી શમી, આવી વસ્તુપણે વિશમી. ૯૨
ચૌદ લોક લગી ચાલી સુર્ત્ય, તે તાં જ્યમ હસ્તામલકર્ત્ય,
જીવ-ઈશ્વરને ભેદ્યે કરી, બ્રહ્માંડ લગી એ બુધ્ય વિસ્તરી. ૧૩૬
ત્યમ વસ્તુ મોટમ્ય માંહાં સુર્ત્ય સંચરે,
પણ મોટમ્ય સારુ ડગ નવ્ય ભરે. ૧૮૦
જ્યારે અવ્યક્ત વૃક્ષની કીધી વાત, ત્યારે સુર્ત્ય ચાલી થૈ સાક્ષાત. ૧૯૦
જ્યમ ચંબુકગિરિની સત્તાએ કરી, લોહોનૌકા આવે આદરી;
તેહેનાં અંતર માંહાં છે લોહોના બંધ, તેહેને આવે ચંબુકનો ગંધ,
લોહોની સુરતિ ચંબુકગિરિ જાઇ, તે લોહોને લીધે કાષ્ટે તણાઇ. ૨૧૯–૨૦
વિવેક વડે જે છે જ્ઞાન, ચિદાકાશ માંહાં તેહેનું ધ્યાન,
વરતણ્ય માત્ર આવે દેહ ભણી, પણ સુરતિ રહે ચિદમાંહાં તે તણી. ૩૦૪
....ત્યમ પ્રગન્યાવંતની સુરતિ સંચરે. ૩૦૯
દેહારામી તે તાંહાં ન હોઇ, જેહેની સુરતિ ચૈતન્યમે હોઇ. ૩૧૩

નીચેના છપ્પાઓમાં પણ ‘સૂર્ત’ અને ‘સૂરત’ શબ્દ વપરાયા છે :

વિચાર અણલિંગી ક્યમ ઊપજે, જ્યમ કો નર નેવેલા ભજે,
ગ્રથલ લઈ જાય તેની વૃત્ય, ત્યમ કૈવલ્યપણું પામે સૂર્ત. ૫૪૧
ઈશ્વર સાથે રતિ બંધાય, તો કાંઈ સૂરત ચૈતન્યમય થાય. ૫૪૬

ઉમાશંકર જોશી ‘સૂરત’ શબ્દના ‘સૂરતા’, ‘લગની’, ‘સુધ’ એવા અર્થ નોંધે છે. ભૂપેન્દ્ર ત્રિવેદી ‘ધ્યાન’, ‘લગની’, ‘બ્રહ્મ સાથે એકતાર થવાની વૃત્તિ’, ‘આનંદ’, ‘સુખની દશા’, આનંદકારી સમાધિ દશા’ એવા અર્થો નોંધે છે. ૫૪૬મા છપ્પામાં એમણે ‘વૃત્તિ’નો અને ૫૪૧મા છપ્પામાં ‘આનંદકારી સમાધિદશા’ એવો અર્થ લીધો છે. આ શબ્દના અર્થઘટનમાં ‘ચિત્તવિચારસંવાદ’ની ૧૩૬મી કડી ચાવીરૂપ બને છે. ત્યાં ‘સુર્ત્ય’ના પર્યાય રૂપે જ પછીથી ‘બુધ્ય’ શબ્દ વપરાયો છે અને એ બંને શબ્દો દ્વારા ‘મનની – ચિત્તની વૃત્તિ’ એ અર્થ અભિપ્રેત જણાય છે. ‘આનંદની કે બ્રહ્માનંદની દશા’ એ અર્થ તો ત્યાં ન જ બેસે કેમકે, એ કડીમાં બ્રહ્મ સાથે એકરૂપ થવાનો કોઈ સંદર્ભ નથી પણ જગતને – બ્રહ્માંડને ગ્રહણ કરવાની વાત ચાલે છે. ૫૪૧મા છપ્પામાં પણ બે શબ્દો વપરાયેલા છે. ત્યાં ‘સુરત’ કૈવલ્યપણું કેમ પામે છે તેની વાત કરવામાં આવી છે અને તે માટે ‘નેવેલા’ (=માદક પદાર્થો?)નો ભોગ કરનાર નરનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. એવા નરની વૃત્તિ જેમ ઘેલી, મસ્ત – આપમસ્ત બની જાય છે તેમ જેનામાં બ્રહ્મની સૂઝ ઊપજે છે તેની ‘સુરત’ કૈવલ્યપણું પામે છે એમ ત્યાં કહેવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે ‘નેવેલા’નો ભોગ કરનાર નરની ‘વૃત્તિ’ને સ્થાને જ્ઞાનીની ‘સુરત’ને મૂકી છે. એટલે કે ‘સુરત’નો ‘વૃત્તિ’ અર્થ અભિપ્રેત છે. સુરત એટલે આનંદ કે બ્રહ્માનંદની સ્થિતિ એ અર્થ ‘ચિત્તવિચારસંવાદ’ની ૯૨મી કડીમાં પણ ચાલી શકે તેમ નથી. ત્યાં સંસારનો અનુભવ અને વસ્તુ એટલે બ્રહ્મનો અનુભવ ચિત્તની કેવી જુદીજુદી સ્થિતિને આભારી છે તે બતાવવામાં આવ્યું છે. ચિત્તની સુરત જ્યારે બહાર તરફ વળેલી હોય ત્યારે સંસાર ઊભો થાય છે અને અંદર શમેલી હોય ત્યારે બ્રહ્માનુભવ થાય છે. દેખીતી રીતે જ અહીં ચિત્તવૃત્તિની બહિર્મુખતા અને અંતર્મુખતાની વાત છે. એટલે કે ‘સુરત’નો ‘વૃત્તિ’ એ અર્થ અહીં બરાબર બંધ બેસે છે. ૩૦૪મી કડીમાં વિવેકજ્ઞાનીનું વર્ણન કરવામાં આવ્યું છે. કવિ કહે છે કે એનું વર્તન દેહધારીનું હોય છે – કેવળ વર્તન જ એ પ્રકારનું હોય છે પણ એની ‘સુરતિ’ તો ચૈતન્યમાં રહેલી હોય છે. અહીં પણ સુરતિનો ‘વૃત્તિ’ અર્થ જ બેસે. વર્તન તે બાહ્ય ચીજ છે ત્યારે ‘વૃત્તિ’ તે આંતરિક ચીજ છે. ‘સુરતિ’ શબ્દનો મનનું વલણ, વૃત્તિ એ અર્થ લેવામાં અન્ય કોઈ ઉલ્લેખ બાધક બનતો નથી. કેટલાક સંદર્ભોમાં એનો ‘ધ્યાન’ કે ‘લગની’ એવો અર્થ બેસાડી શકાય અને ૩૦૪મી કડીમાં તો ‘ધ્યાન’ અને ‘સુરતિ’ એકસરખા સંદર્ભમાં જાણે એકબીજાના પર્યાય રૂપે વપરાયા છે. પરંતુ અખાજીએ ‘સુરત ચાલે’, ‘સુરત શમે’, ‘સુરત સંચરે’, ‘સુરત જાય’, ‘સુરત ચૈતન્યમય થાય’ એવા પ્રયોગો કર્યા છે તે એમ બતાવે છે કે એમણે સુરતને કંઈક નક્કર પદાર્થ તરીકે કલ્પેલ છે. તેને માટે યોગ્ય પર્યાય ‘લગની’ નહીં પણ ‘વૃત્તિ’ જ બને. ૫૪૬મા જેવા કોઈ ઉદાહરણમાં તો ‘લગની’નો અર્થ બેસી પણ શકે તેમ નથી. ઈશ્વર સાથે ‘રતિ બંધાય’ એટલેકે પ્રીતિ થાય, ઈશ્વરની લગની લાગે ત્યારે સુરત ચૈતન્યમય થાય છે એમ કહેવામાં આવ્યું છે. અહીં લગની કે ધ્યાન ચૈતન્યમય થાય છે એવો અર્થ નહીં કરી શકાય. વૃત્તિ ચૈતન્યમય થાય છે એવો જ અર્થ કરી શકાશે. બધું વિચારતાં ‘સુરત’ શબ્દનો ‘વૃત્તિ’ અર્થ જ વધુ ઉચિત લાગે છે. અખાજીના પદમાં પણ ‘સુરત’ શબ્દના આવા પ્રયોગ મળે છે :

સ્વર્ગ વૈકુંઠ તે મનના કિંકર સદા, મન તણી સુરત તો ત્યાંહાં ન ચાલે;
અણલિંગી આકાશવત નિર્મળો, તે બાહ્ય મધ્યે સલગસૂત્ર માહાલે. (૧૭૧/૩)

‘સુરત’ શબ્દનો એક બીજો અર્થ ‘કામક્રીડા’ જાણીતો છે. અહીં કડી ૨૧૧માં ‘સુરતસુખ’ એ શબ્દમાં એ અર્થ રહેલો છે. એ જુદો જ પ્રયોગ છે. ઉપરની ચર્ચા સાથે એને સંબંધ નથી. અખાજીનાં પદોમાં જ્યાં જ્ઞાનશૃંગારનો સંદર્ભ છે ત્યાં ‘સુરત’ શબ્દ સહજ રીતે જ આ અર્થમાં વપરાય છે. જેમકે :

વીર્ય વિનોદ વિધવિધ વાહાલા તણો, શ્યામિની સેજ શકી સંભાળી;
અખા અવિલોકતાં અર્થ સાધ્યો ખરો, સુરત અંત પછે દીધી તાળી. (૨૮/૫)

સંતવાણીમાં ‘નૂરત સુરત’ એ શબ્દજોડકું પણ ઘણું પ્રચલિત છે. એ અધ્યાત્મયોગની પરિભાષાના શબ્દો છે. અખાજીમાં પણ – ખાસ કરીને તેમનાં ૫દોમાં – તેનો પ્રયોગ મળે છે, જેમકે –

નુરતસુરતની શેરીએ અનભે ઘર જોયું (૯૪/૩)
નુરતસુરત ચાલી શૂન્યમાં મહાધૂનમાં મોહીજી (૧૬૬/૧)

આ શબ્દજોડકાના વિવિધ અર્થો નોંધાયેલા છે. જેમકે, સૂરત=અંતર્મુખી-વૃત્તિ, નૂરત=બહિર્મુખીવૃત્તિ. સુરત=સગુણબ્રહ્મ, નૂરત=નિર્ગુણ બ્રહ્મ વગેરે. આ અર્થો વિશે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે પરંતુ અધ્યાત્મયોગની આ કોઈક પ્રક્રિયાઓ હોય એવું સમજાય છે. ‘નુરત-સુરત’નો આ પ્રયોગ એ જુદો જ પ્રયોગ છે અને ‘સુરત’ શબ્દને અખાજી સામાન્ય સંદર્ભમાં ‘વૃત્તિ’ના અર્થમાં પ્રયોજે છે તે હકીકતને એનાથી બાધ આવતો નથી.

૧૫. હૂંસ

‘આ શબ્દ ‘ચિત્તવિચારસંવાદ’માં નીચેનાં સ્થાનોએ વપરાયેલો છે :

વિચાર કહે તાહારી હૂંસ ટાલ્ય. ૨૯
પણ જ્ઞાનભરૂંશે કરતા જશે, તે અંત્યે હૂંસને રશે. ૩૪૨
જ્યારે હૂંસરૂપી વસ્ત્ર જ શડ્યું, ત્યારે ચિત્તરૂપિયું રહ્યું લાકડું. ૩૬૩

આ ઉપરાંત અખાજીના છપ્પામાં પણ ઘણે સ્થાને આ શબ્દ વપરાયેલો છે. જુઓ :

ગુરુ થઈ બેઠો હૂંસે કરી, કંઠે પા’ણ શકે ક્યમ તરી? ૧૨
હેત વિના પ્રવૃત્ય બહુ વધે, જ્યમ હૂંસે કુબુદ્ધિ બેસે ગધે. ૩૨
અજ્ઞાન, હૂંસને રૂસલ માંય, અળગા અળગા સહુ કો ધાય. ૩૫૫
હૂંસે જીવ કર્માધીન થાય, જ્યમ વ્યસને વ્યસની માદક ખાય. ૩૬૬

પ્રસ્તુત છપ્પાઓમાં ઉમાશંકર જોશી ‘હૂંસ’નો અર્થ ‘ચડસાચડસી, સ્પર્ધા’ એવો તથા ભૂપેન્દ્ર ત્રિવેદી ‘હોંસાતોસી’ એવો આપે છે, પરંતુ એમાં ઘણે સ્થાને એ અર્થ યોગ્ય લાગતો નથી ને બધે જ અહંભાવ – હુંપણું એ અર્થ બરાબર બેસે છે. ‘ચિત્તવિચારસંવાદ’નાં પણ બધાં સ્થાનોમાં ‘હૂંસ’ શબ્દ સ્પષ્ટ રીતે ‘અહંભાવ’ના અર્થમાં છે. ‘ચડસાચડસી’ના અર્થને ત્યાં અવકાશ જ નથી.