ચિલિકા/સ્વામીઆનંદ
અલ્મોડા જવાનું નક્કી થયું ત્યારે જ પં. ઉદયશંકર અને સ્વામી આનંદની આ પ્રિયભૂમિ જોવાનો રોમાંચ હતો. સ્વામી આનંદ દશકાઓ સુધી અહીં આશ્રમ સ્થાપીને રહ્યા હતા તેવો મને ખ્યાલ હતો. સ્વામી આનંદે ચાહી ચાહીને આ સુંદર ભૂમિને વધુ સુંદર કરી છે તેથી તે ભૂમિ સાથે અનાયાસે જ એક પરિચિતતા અને સંધાન થઈ ગયાં હતાં. ઉદયશંકર તો અલ્મોડામાં હતા તે મને ખબર હતી પણ સ્વામી આનંદ અલ્મોડામાં રહ્યા હતા? અહીંયાં કુમાઉ યુનિવર્સિટીમાં હિંદીનાં અધ્યાપિકા કવયિત્રી દિવા પાંડેને ઘરે અનાયાસ જ એક બેઠક ગોઠવાઈ ગઈ. અલ્મોડા આકાશવાણીની પાછળ જ તેમના સુંદર મકાનની ખુલ્લી પોર્ચ-અગાશીમાંથી સાંજ અને દૂર દૂરની ઝાંખી ગિરિમાળાઓ જોતાં જોતાં સ્વામી આનંદની વાત નીકળી. દિવાબહેન ગુજરાતમાં વરસો સુધી રહેલાં. ગૂજરાત વિદ્યાપીઠ અને લોકભારતી જેવી સંસ્થાઓમાં અધ્યયન-અધ્યાપન કરેલું. એ વખતે બુર્ઝવા સાહિત્યને પડકારતા – હોટલ પોએટ્સ ગ્રૂપમાં તેમની પણ બેઠક. દિવાબહેન આમ તો કુમાઉની, પણ ‘બી રોમન ઈન રોમ'ની જેમ ગુજરાતમાં રહી ગુજરાતી શીખેલાં. પારકી ભાષાને સહેજ બુચકારી, થપકાવી પોતાની કરી તો તે તો વહાલી થઈ વળગી પડી. તેમની અંદર છટપટાતી, ઘૂમરાતી, ઊભરાતી ઘણી લાગણી ઘણા ભાવો ગુજરાતીમાં ઊતરી આવ્યા. દિવા પાંડેના કુમાઉની કવિતાની સાથે સાથે તેમનો ગુજરાતીમાં કાવ્યસંગ્રહ હમણાં જ ચીનુભાઈની પ્રસ્તાવના ‘ઉઘાડ’ સાથે પ્રકાશિત થયો. હું તેમની સાથે ગુજરાતીમાં જ બોલતો, વરસો પછી તેમને કોઈની સાથે ગુજરાતી સાંભળવા બોલવા મળે છે તેમ માનીને. તેમના સાલસ શાલીન પતિને પણ પત્નીને પ્રિય પરકિયા ભાષા બોલતાં સાંભળતાં મજા પડતી. પોર્ચમાં બહાર બેઠા છીએ. અલ્મોડામાંથી અલ્મોડા ઓછું થતું જાય છે તેનું તે દંપતીને દુઃખ હતું. સાંજના પવનની ઝુલ્ફાં ઉડાડતી ફરફર, પાઈન પત્તીઓની મર્મર, કાનમાં ચાલતી પવનની વાતો અને પલટાતા ઘેરા થતા રંગો વચ્ચે શરબતના રંગીન ખણકતા પ્યાલાઓ આવ્યા, પછી ફરી વાતો. વાતો પછી ચા-નાસ્તા અને કવિતાનો વાતોનો દોર. ફરી સ્વામી આનંદ સાંભર્યા. થયું દિવાબહેન તો અહીંનાં જ લોકલ કહેવાય, સ્વામી આનંદ ક્યાં રહેતા હતા તે તેમને જરૂર ખબર હશે. મેં દિવાબહેનને સ્વામી આનંદના નિવાસ અંગે પૂછ્યું. ગુજરાતપ્રેમી, વિદ્યાપીઠમાં ઊછરેલી કવયિત્રી તેમના નામથી અજાણ કેવી રીતે હોય! હિમાલય સરખા વિશાળ અને ઉન્નત ગાંધીજીએ સ્વામી આનંદને નવજીવનના, પ્રેસના, ખાદીના કામમાં જોડ્યા. કાકાસાહેબ સાથે વરસો પહેલાં હિમાલયનો સાચા અર્થમાં પ્રવાસ પગપાળા ફરી રખડીને કરેલો. ગાંધીજી સાથે અને બીજાં રચનાત્મક કામોમાં રહ્યા તે દરમિયાન પણ હિમાલયનો સાદ તો સંભળાતો હશે જ. ભાગલા વખતે નિરાશ્રિતોની છાવણીમાં દહેરાદૂન, હરદ્વાર રહ્યા ત્યારના વરસો હિમાલયના સાંનિધ્યમાં ગયાં હશે. હિમાલયે જ્યારે તેમને બધી જટાઝાળ છોડી તેના ખોળામાં રહેવા આગ્રહ કર્યો હશે ત્યારે બધો ક્રિયાકલાપ સંકેલી આસપાસના લોકમાં શક્ય તેટલી સેવા કરી બાકીનો બધો સમય વાંચન-મનન અને હિમાલયનું અખંડ સેવન કરવાની ઇચ્છાથી જ સ્વામી આનંદ ઉત્તરાખંડ કુમાઉમાં વરસો રહ્યા. દિવાબહેને સ્વામી આનંદને પ્રેમ અને અત્યંત આદરથી યાદ કર્યા. તેમની પાસેથી માહિતી મળી કે સ્વામીજી અહીંયાં અલ્મોડામાં તો રહેલા પણ વધારે તો અહીંથી ૫૦-૬૦ કિ.મી. દૂર કૌસાનીમાં ૧૫-૧૭ વરસ રહેલા. હવે લોભ જાગ્યો કે કૌસાની જવાય તો સારું. અમારા આકાશવાણીના કાર્યક્રમ-અધિકારીઓને અમારી વર્કશોપના એક ભાગ રૂપે એક દિવસ આસપાસના કોઈ સ્થળે પ્રકૃતિ અને લોકો વચ્ચે રહી રેકર્ડિંગ કરી પ્રોગ્રામ બનાવવા માટે ટૂર ગોઠવવાની હતી. અંતે કળશ કૌસાની પર ઢોળાયો. કારણ સ્વામી આનંદ નહીં પણ પંતજી. હિન્દીના છાયાવાદી કવિ સુમિત્રાનંદન પંતની જન્મભૂમિ કૌસાની. ત્યાં તેમનું બાપીકું ઘર સ્મારક રૂપે જાળવી રાખ્યું છે. તેનાં દર્શન અમને કરાવવાનો હેતુ હતો. કૌસાની જવાનું નક્કી થયું ત્યારે મનેય બે લોભ હતા. એક તો સ્વામી આનંદનું ઘર જોવાનો અને બીજું અગિયાર વરસ પહેલાં નૈનિતાલમાં યુ.પી. ટૂરિઝમના ગેસ્ટહાઉસનો કૅટરિંગ મૅનેજર છોકરો મોહનચંદ્ર કાંડપોલ મળેલો તેને ફરી કૌસાનીમાં મળવાનો. અગિયાર વરસ પહેલાં નૈનિતાલમાં યુ.પી. ટૂરિઝમના. રેસ્ટહાઉસની કૅન્ટીનમાં બેએક વાર માંડ પાંચ-દસ મિનિટ માટે મળવાનું થયેલું. એટલા અમથી પરિચયે તે અમ દંપતીને મનમાં વસી ગયેલો. કશોક તાર સંધાઈ ગયેલો એ દિવસોમાં. મારું નોકરીનું – આકાશવાણીમાં સિલેકશન થયેલું. પણ પોસ્ટિંગ ઑર્ડર આવ્યો ન હતો. કડકાઈના એ દિવસોમાં છૂટા પડતી વખતે તેણે મને જલદી નોકરી મળી જાય તેવી ખરા દિલની શુભેચ્છાઓ આપેલી અને નૈનિતાલનું સરનામું આપેલું. વરસો સુધી કાગળ-પત્રની ખબરઅંતરની એક પણ આવનજાવન વગેરેય સંબંધ અંદર ધરબાઈ રહેલો તે ફરી અહીં આવ્યો ત્યારે ઊંચકાયો. સ્થાનિક તપાસ કરી તો તેની ભાળ મળી. હવે તે કૅટરિંગ મૅનેજરમાંથી આખા ટૂરિસ્ટ ગેસ્ટહાઉસનો મૅનેજર છે અને નજીક કૌસાનીમાં જ છે. લગ્ન કર્યાં છે, સંતાનો છે અને થોડો જાડોય થયો છે. કૌસાની જવાના નિર્ણયથી તેને મળવાનું બની શકશે તેનો આનંદ થયો. ફોનથી સમાચાર અપાય તેમ ન હોવાથી નક્કી કર્યું કે તેને સરપ્રાઇઝ આપવી. ભલે ને તેને હું ઓળખીય ન શકું! હવે સવાલ હતો સ્વામી આનંદના મકાનના સરનામાનો. કૌસાની ખોબા જેવડું ગામ. કોઈ રેફરન્સથી સરનામું મળી પણ જાય. જોકે સ્વામીજીને કૌસાની છોડ્યે રર-૨૫ વરસ થયાં હશે અને તેમના અવસાનનેય વીસેક વરસનાં વહાણાં વાઈ ગયાં છે. પૂછીને જવું સારું. જવાના આગલા દિવસે સવારના પહોરમાં જ તીથલ અશ્વિન મહેતાને ફોન જોડ્યો. તેમનેય નવાઈ લાગી. સવાર સવારમાં જ મારો ફોન અને તે પણ અલ્મોડાથી! તેમણે સ્વામીજી જે મકાનમાં રહેતા તે રિટાયર્ડ મિલિટ્રીમૅન મૅજરનો રેફરન્સ આવ્યો અને કહ્યું કે નઘરોળ'માં ‘મૅજર મારકણા’નો ઉલ્લેખ ‘મારા ઘરધણી’ઓમાં આવે છે તેમના જ ઘરમાં સ્વામીજી રહેલા. મૅજર તો નથી, પણ મકાન અને દીકરાઓ હજી છે. બસ આટલું પૂરતું હતું. બીજે દિવસે સવારે જીપમાં કૌસાની તરફ, કોશી નદીના કિનારે કિનારે પહાડની કેડે વીંટાતો રોડ, પર્વતની ઠંડી હવા અને ખુશનુમા મિજાજ. વરણ, અંજુ, મંજુબહેન મિત્રો સાથે એક પછી એક જૂનાં યાદગાર ગીતો “સુહાના સફર ઔર યે, મૌસમ હસી’, ‘ચલો એક બાર ફિરસે અજનબી બન જાયે,’ મેં ‘તુમ ન જાને કિસ જહાં ખો ગયે' ગાતાં ગાતાં આગળ ને આગળ. રસ્તામાં નાનકડાં પહાડી ગામો આવતાં. આવી સફરની મજા તો હતી જ સાથેસાથે ત્યાં પહોંચીને સ્વામી આનંદનું ઘર જોવાની અને મોહન કાંડપાલને મળવાની ઇચ્છા ય હતી. કૌસાની પહોંચતાંવેંત જ પહેલાં ‘અનાસક્તિ આશ્રમ' પહોંચ્યા. ગાંધીજીએ અહીં રહી “અનાસક્તિયોગ' લખેલું અને આ વિસ્તારને હિંદુસ્તાનનું સ્વિત્ઝરલૅન્ડ કહી બિરદાવેલો. સામે જ, કામત, ત્રિશૂલ, નંદાદેવી, નંદાકોટનાં શિખરોવાળી ગિરિમાળા છે. પણ દૂર સુધી વિખરાયેલા ધુમ્મસથી એ દૃશ્ય ઓઝલ જ રહ્યું. ‘અનાસક્તિ આશ્રમ’માં વળી સૌંદર્ય પામવાની આસક્તિ ક્યાં રાખવી! હા, ફૂલો બહુ મનોરમ હતાં. ખીલેલાં ઊઘડેલાં રંગોવાળાં. એક વેલમાં બદામી-જાંબલી ફૂલો હતાં તેની હળવેકથી અડી લેતી આછી ગંધ માદક હતી. જેને ઘરે તે વેલ હતી તેને જ તેનું નામ ખબર ન હતું! શેક્સપિયરે કહ્યું જ છે ને કે વૉટ ઇઝ ધેર ઇન એ નેઇમ આ પણ અનાસક્તિ. પાસે જ પ્રાઈવેટ ગેસ્ટહાઉસના મૅનેજર નેગી સાથે વાતો થઈ. સ્વામી આનંદને તેઓ ઓળખતા. તેમણે જ સ્વામીજીના ઘરનો રસ્તો બતાવ્યો. તેમણે ટૂરિસ્ટ રેસ્ટહાઉસ, મોહન સાથે, મારી વાત કરાવવા ફોન જોડ્યો. દશેરાને દિવસે જ ઘોડું ન દોડ્યું. મોહન સવારે જ રેસ્ટહાઉસના કામે અલ્મોડા ગયો હતો. બપોર પછી આવવાનો હતો. મારી એક ઇચ્છા તો પૂરી ન થઈ. ફોનના પૈસા આપવા માટે આગ્રહ કર્યો તો તે નગીસાહેબે ન લીધા. ભેટો કરાવી દેવાની તેમની જાણે ફરજ ન હોય! મોહન ન મળવાથી હું ડિસઅપૉઇન્ટ થઈ ગયો. જોકે સ્વામી આનંદના ઘરની મુલાકાતની આશા તો હજી હતી જ. બજારમાં પહોંચી મોહન માટે અલ્મોડા રેસ્ટહાઉસ એસ.ટી.ડી. જોડ્યો. મોહન બપોર પછી કૌસાની આવવાનો હતો. બપોરે તો અમે નીકળી જવાના હતા. બજારમાં જ ઉપર સુમિત્રાનંદન પંતજીનું ઘર-સ્મારક છે. નાનકડું સુંદર ઘર. ઘરના પાછળના વરંડામાંથી સામેની ખીણ અને દૂરના પર્વતો દેખાય. ઘરના ઓરડે ઓરડે તેમનાં પુસ્તકો, પત્રો, ફોટોગ્રાફ્સ, કબાટમાં તેમનાં કપડાં, ચશ્માં, કલમ સાચવેલાં. તેઓ વાપરતાં તે ફર્નિચર અલાહાબાદથી લઈ આવી અહીં રાખેલું. ઓરડે ઓરડે તેમની કાવ્યપંક્તિઓ અને તેમના વિશે માહિતી. વિવેચકો કહે છે કે તેમની ગૂઢ છાયાવાદી કવિતા પર અહીંની નિગૂઢ નિમગ્ન પ્રકૃતિ, ધૂસર ધુમ્મસ અવગુંઠિત દૃશ્યો અને શાંતિની છાપ પડેલી છે. બાળપણનાં વરસોમાં કવિચિત્તે જે ઇન્દ્રિયો ભરીને પીધું તેનો કેફ છેક સુધી રહ્યો. પછી વારાણસી અલાહાબાદ દિલ્હી રહ્યા ત્યારેય અવારનવાર આ પૈતૃક ઘર ખોલીને રહેતા અને નોળવેલ સુધી જતા. પંતજી આજીવન અપરિણીત કેમ રહ્યા તેની કેફિયત તો તેમણે આ પંક્તિઓમાં નહીં આપી હોય? —
‘છોડ દ્રુમોં કી મૃદુ છાયા
તોડ પ્રકૃતિ સે ભી માયા
બાલે, તેરે બાલ જાલ મેં
કૈસે ઉલઝા હું લોચન’
અહીંનાં પક્ષીઓ તેની કવિતામાં ચહેકે છે. સાંભળો
‘બાંસો કા ઝુરમુટ
સંધ્યા કા ઝુટપુટ
લો ચહક રહી ચિડિયાં
ટી..વી..ટી...ટુ ટ્ ટ્...’
અલ્મોડાની વસંતને અમર કરી તેમણે ગાયું —
‘લો ચિત્ર-શલભ સી પંખ ખોલ
ઉડને કો અબ કુસુમિત ઘાટી
યહ હૈ અલ્મોડે કા વસંત’
બ. ક. ઠાકોરે નર્મદાને શરદ ચાંદનીમાં જોઈ અદ્ભુત કર્ણરસાયન સૉનેટ રચ્યું તો પંતજીએ ગંભીર ગંગાને આલેખી
ચાંદનીમાં શાંત નિશ્ચલ
સૈકત શૈયા પર દુગ્ધ ધવલ
તન્વંગી ગંગા ગ્રીષ્મ વિરલ
લેટી હૈ શાંત, ક્લાંત, નિશ્ચલ.”
ઉત્તર પ્રદેશ સરકારે પંતજીના ઘરને સ્મારક તરીકે સારું સાચવ્યું છે. મને અમદાવાદમાં ટ્રાફિકની હડફટે ચડી પડી ગયેલું, દિવસો સુધી લાવારિસ રહેલું, ગુજરાતની પ્રજા પર નીચે પડ્યું પડ્યું હસતું કવિ નાનાલાલનું બસ્ટ યાદ આવી ગયું. નર્મદનું ઘર તો સુરતની સંસ્કારપ્રેમી પ્રજાએ સાચવ્યું, પણ મેઘાણી-નાનાલાલનાં ઘરોનું શું? જોકે મારા મનને આવા સવાલો નહીં પૂછવા જોઈએ. વૉલ્ટ વ્હિટમૅને કહ્યું છે કે, ‘ગ્રેટ – ઉત્તમ મહાન કવિઓ માટે ગ્રેટ, મહાન ઑડિયન્સ જોઈએ. ક્યાં જન્મવું એ આપણા હાથની વાત તો નથી. જેવા જેના નસીબ. અત્યારે તો આપણા સ્વામી આનંદ પચીસેક વરસ પહેલાં જે ઘરમાં ભાડે રહ્યા હતા તે ઘર અને પરિવેશ જોવાની અને શક્ય હોય તો મોહન કાંડપાલને મળવાની ઇચ્છા જ બળવત્તર બની છે.