ચૂંદડી ભાગ 1/54.કિયે ગામ ગડ્યાં રે નિશાન (વરઘોડામાં)
Jump to navigation
Jump to search
54
આવતી જાનનાં ડંકાનિશાન ગગડ્યાં. ગામને પાદર તંબૂ તણાવા લાગ્યા :
કિયે ગામ ગડ્યાં રે નિશાન
કિયા ગામને પાદર, મોરી રાજવણ! તંબૂ તાણિયા રે
કિયા રાજ કેરી રે સીમ
કિયા ભાઈ વરરાજા, મોરી રાજવણ! ઘોડાં ખેલવે રે
કિયા ભાઈએ જોડી રે જાન,
કિયા રે વેવાઈનો, મોરી રાજવણ! લેલર માંડવો રે
કિયા ભાઈ કેરો રે મોર
કઈ વહુ સુવાસણ, મોરી રાજવણ! ઢળકતી ઢેલડી રે
મોરને માથે છે મોડ,
ઢેલડીને માથે, મોરી રાજવણ! નવરંગ ચૂંદડી રે
મલપતો આવે છે મોર
ઢળકતી આવી, મોરી રાજવણ! બીજી ઢેલડી રે
કઈ વેવાણ પોંખશે રે મોર
કઈ વહુ સુવાસણ, મોરી રાજવણ! પોંખે જોડલાં રે
દશે દિશાના પડદામાં થરેરાટી દેતા એ સૂરો વચ્ચે રૂમઝુમાટ કરતી જાન, ગામને પાદર વડલાની નીચે બરાબર દીવે વાટ્યો ચડી તે વખતે આવીને ઊભી થઈ રહી. એને દીવે બળતી મેડીએથી કોણ જાણે કેટલીયે પ્રીતિભરી મીટ માંડીને ‘બાળા વરને જોઈ રહી!’
- મારા જિયાવરની મેડીએ દીવા બળે,
- ઓલ્યા વેવાઈને ઘોર અંધાર, બાળા વરને જોઈ રહી!