ચૂંદડી ભાગ 1/7.કન્યા દાદાજીને ખોળે બેઠાં (સાંજીમાં)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


7

એથી જુદી કવિત્વભરી વાણીમાં તો પ્રશ્નોરા જ્ઞાતિની કુમારિકાએ સમજાવ્યું. એણે ગુણોનું ઝીણું વર્ણન કર્યું. પણ જગતની ઉત્તમ જોડલીઓ ગણી બતાવી : પતિ દેરા માયલો દેવ ને પોતે પૂતળી : પતિ વાડી માયલો મોરલો ને પોતે ઢળકતી ઢેલડી : પતિ અષાઢીલો મેઘ અને પોતે ઝબૂકતી વીજળી : પતિ ચંપાફૂલનો છોડ ને પોતે ચંપા-પુષ્પની પાંખડી :

કન્યા દાદાજીને ખોળે બેઠાં એમ ભણે રે,
દાદા! વર જોજો કાંઈ દેરા માયલો દેવ રે
કન્યા દેરાસર પૂતળી રે.
કન્યા કાકાજીના ખોળે બેઠાં એમ ભણે રે,
કાકા! વર જોજો કાંઈ વાડી માયલો મોર રે
કન્યા ઢળકતી ઢેલડી રે.
કન્યા મામાજીના ખોળે બેઠાં એમ ભણે રે,
મામા! વર જોજો કાંઈ અષાઢીલો મેઘ રે
કન્યા ઝબૂકણ વીજળી રે.
કન્યા વીરાજીને ખોળે બેઠાં એમ ભણે રે,
વીરા! વર જોજો કાંઈ ચાંપલિયાનો છોડ રે
કન્યા ચંપાસર પાંખડી રે.
દાદા! દરશણ લાગ્યો દેરા માયલો દેવ રે,
દરશામણ લાગી પૂતળી રે.
કાકા! ખેલણ લાગ્યો વાડી માયલો મોર રે,
ખેલામણ લાગી ઢેલડી રે.
મામા! વરસણ લાગ્યો અષાઢીલો મેઘ રે,
ઝબૂકણ લાગી વીજળી રે.
વીરા! સોરમ લાગ્યો ચાંપલિયાનો છોડ રે,
સોરંભે લાગી પાંખડી રે.