છોળ/ટાઢી બપોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ટાઢી બપોર


હાય! પોષની બપોર ટાઢી ટાઢી
એકલી અટૂલી પળું સીમથી ઉતાવળી
લઈને સાંઠીકડાંની ભારી!

મેલી પછેડી સમું ભૂખર અંકાશ ઝીણી
                તડકાની ક્યહીં નહીં કોર.
અવળા ને સવળા આ વીંઝાતા વાયરાના
                ચણચણતા ચાબખાને દોર.
થરથરતાં ઝાડવાંથી ખરતાં સહુ પાંદડાં
                ચકરાવે જાય હડ્યું કાઢી!
હાય! પોષની બપોર ટાઢી ટાઢી…

ફડફડતા ઓઢણાને બેળે સંકોરતી
                મથી રહું ઢાંકવાને કાય,
મારગડા બીચ પડ્યાં કાંટા ને ઝાંખરે
                વાર વાર વીંધાતા પાય,
ઓચિંતી ત્યહીં કોક શોક્ય સમી વેરી થઈ
                પરણ્યાને તાણી ગઈ ક્યાંય,
સીટીયુંની હાવળ્યથી કાળજને વીંધતી
                સડસડતી સરે રેલગાડી!
હાય! પોષની બપોર ટાઢી ટાઢી…

૧૯૯૦