જનપદ/મરજે ને માંદી પડજે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મરજે ને માંદી પડજે


વડવડવાઈ
પિતર માવીતર
એક કૂખમાં ગબડેલાંના હાથમાં
ઊગ્યો
આંખ ફૂટડાનો વેલો.
આંગણમાં
જાદવાથળીમાં
ચઢઊતર છે
મરજીવાઓના મશાણીયા ઠામની.
તંબૂર લઈ
ગળું ઘૂંટી
ઊડવું પોકારવું
ઝળહળ વાહિનીઓ કાઢી
ફુલાવી કરી વાંસ
ઊતારી મોકલી દશદિશ
જોવાનું.

દેખાય –
વળતાં પાણીના નક્ષત્રમાં
સામી નદીએ ચઢતાં માછલાં
રાનીપરજ બીજડાં તગતગે.
આકાશથી ઊતરતો કૂખનો સેજારો.
રાતમાં ભરાઈને
કૂવો દિવસ જોવા ઊફરો આવે.
દહાડો ઊગે ને બુંધાં દેખાય.

ગુજેરી*,
મરજે મરજે ને માંદી પડજે રાતી ગુજેરી.
સાંકડી સૂની શેરીમાં
આ છેડેથી
પેલા છેડે ગબડી ગબડીને ધૂળ ખાજે
પડજે આખડજે
ફાંટ ભરીને રોજે
તારા હણીજાને સંભારજે.

  • ગુજેરી : પેટ છૂટી વાત કરાય એવી સખી, વ્યાપક અર્થમાં ‘બધી કુદરત’.